Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વીવીપીના વિદ્યાર્થી ઉમંગે બનાવેલ સાયકલ પુરપાટ દોડી : રૃ.૧ લાખનો પુરસ્કાર જીતી લાવી

'ધ દેવાંગ મહેતા ફાઉન્ડેશન' યોજીત ઇવેન્ટમાં પ્રથમ નંબર : ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા

 

 

રાજકોટ તા. ૧૭ : વીવીપી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સતતને સતત નવા નવા સંશોધનો કરી ઝળહળતી સિધ્ધીઓ હાંસલ કરી રહ્યા છે. તેમાં હવે ઇલેકટ્રીકલ વિભાગના વિદ્યાર્થી ઉમંગ સુરેશચંદ્ર મારસોણીયાએ ઇલેકટ્રીક સાયકલ બનાવી પોતાની કાબેલીયતના દર્શન કરાવ્યા છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા તેણે જણાવેલ કે કોલેજના વડા ડો. અલ્પેશ આડેસરા, પ્રો. હાર્દીક પંડયા, પ્રો. અમિત પાઠકના માર્ગદર્શન હેઠળ હું છેલ્લા દોઢેક વર્ષથી મહેનત કરી રહ્યો હતો. કોલેજના વર્કશોપમાં તેમજ બાકીના સમયે ઘરે પણ અધુરૃ કાર્ય પુરૃ કરતો હતો. અંતે મારી મહેનત રંગ લાવી અને મે બેટરી, મોટર તથા કંટ્રોલના ઉપયોગથી બનાવેલ ઇલેકટ્રીક સાયકલ 'ધ દેવાંગ મહેતા ફાઉન્ડેશન' યોજીત ઇવેન્ટમાં રૃ.૧ લાખના પુરસ્કાર સાથે પ્રથમ નંબરે વિજેતા બની છે.

તે કહે છે કે આ સાયકલમાં હાઇ સ્પીડ અને વધુ ટોર્ક મળે તે માટે પીએએસએમ મોટરનો ઉપયોગ કર્યો છે. આ સાયકલ ૧૫૦ થી ૧૭૦ કી.ગ્રા. વજન ઉંચકી શકે છે. ૪૩૦ આર.પી.એમ. ઉપર ૨૨ એન.એમ.નો ટોર્ક ઉત્પન્ન થઇ શકે છે. કંટ્રોલીંગ અને ઓપરેટીંગ પણ એકદમ સરળ છે. બેટરી નજીવી કિંમતે એક વખત ચાર્જ થયા પછી ૬૦ થી વધુ કિ.મી.નું અંતર કાપી શકે છે.

વળી તેની ડીઝાઇન એકદમ સસ્તી અને ઇકોફ્રેન્ડલી છે. ડીઝીટલ ડીસ્પ્લે વાપરી આધુનીક ટચ અપાયો છે. ચોરી ન થાય તે માટે એન્ટી થીફ સીસ્ટમ ગોઠવી શકાય તેવી પણ વ્યવસ્થા રાખેલ છે.

આ કોલેજના વિદ્યાર્થીઓ આ પહેલા પણ ફીઝીકલ ડીસેબલ લોકો માટે ટ્રાયસીકલ તેમજ અંધજનો માટે બ્લાઇન્ડ સ્ટીક જેવા સંશોધિત ઇકવીપમેન્ટ રજુ કરી ચુકયા છે.

ઉમંગ મારસોણીયા (મો.૯૮૭૯૯ ૬૦૯૪૫) એ મેળવેલ આ સિધ્ધ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, ડો. નરેન્દ્રભાઇ દવે, પ્રિન્સીપાલ ડો. તેજસભાઇ પાટલીયા અને પ્રાધ્યાપકગણે અને સહવિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતો ઉમંગ તેમજ બાજુમાં ડો. અલ્પેશ આડેસરા, ધવલભાઇ જોષી, કેતનભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:50 pm IST)