Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કુવાડવા ઘીયાવડના રણછોડભાઇ બાવળીયા દવા લેવા નીકળ્યા ને બાઇક અકસ્માતમાં મોત

મોડી રાતે કુવાડવા ચોકડીએ સામે બીજુ બાઇક અથડાયું: ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૭: કુવાડવા ચોકડીએ રાત્રીના એક બાઇક સાથે બીજુ બાઇક અથડાતાં કુવાડવાના ઘીયાવડના કોળી યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ઘીયાવડ રહેતાં રણછોડભાઇ ચનાભાઇ બાવળીયા (કોળી) (ઉ.વ.૩૩)ને તાવ આવતો હોઇ રાત્રીના તેના મોટા ભાઇનું બાઇક નં. જીજે૦૩સીકયુ-૩૫૨૭ લઇ દવા લેવા માટે કુવાડવા જવા નીકળ્યા હતાં. એ પછી સાડા બારેક વાગ્યે ગામના દિપકભાઇ છગનભાઇ વાઘેલાએ રણછોડભાઇને કુવાડવા ચોકડીએ વાંકાનેર રોડ પર અકસ્માત નડ્યાની જાણ રણછોડભાઇના મોટા ભાઇ કુંવરજીભાઇ ચનાભાઇ બાવળીયાને કરતાં તેઓ તથા બીજા પરિવારજનો દોડી ગયા હતાં. રણછોડભાઇને મોઢા-માથે ગંભીર ઇજા થઇ હોઇ તે બેભાન થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હોઇ તે આવી જતાં તેના ડોકટરે તપાસ કરી રણછોડભાઇને મૃત જાહેર કર્યા હતાં.

તેના બાઇકની સાથે સામે એમપી-૬૯-એમબી-૮૩૫૯ નંબરનું બાઇક અથડાયું હતું. તેના ચાલકને પણ થોડી ઇજા થઇ હતી. મૃત્યુ પામનાર રણછોડભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. કુવાડવા રોડ પોલીસને જાણ થતાં એએસઆઇ એન.આર. વાણીયાએ અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ જે. કે. પાંડાવદરા ચલાવી રહ્યા છે. રણછોડભાઇના મોતથી ત્રણ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:57 am IST)