Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

૧.૪૩ કરોડના જ્વલંતશીલ પ્રવાહી સાથે પકડાયેલા બંને શખ્સ ૪ દિ' રિમાન્ડ પર

ક્રાઇમ બ્રાંચે નુરાનીપરા પાસેના ડેલામાંથી અઢી લાખ લિટર પ્રવાહી કબ્જે કર્યુ હતું: સિધ્ધરાજસિંહ અને સુરેન્દ્રસિંહની વિશેષ તપાસ

રાજકોટ તા. ૧૭: શહેર ક્રાઇમ બ્રાંચે કોઠારીયા સોલવન્ટ પાસે નુરાનીપરાની બાજુમાં વાઘેલા મોટર્સ પ્રા.લિ.ની પાછળના ભાગે રાજશકિત પેટ્રો કેમિકલ્સ પ્રા.લિ.ના ડેલામાં સંતોષભાઇ રબારી અને કરણભાઇ મારૂની બાતમી પરથી દરોડો પાડી રૂ. ૧,૪૩,૩૪,૦૦૦નો ૨,૫૦,૦૦૦ લિટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો પકડી લીધો હતો. આ મામલે સિધ્ધરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા અને સુરેન્દ્રસિંહ મહિપતસિંહ ગોહિલ (રહે. બંને રાજકોટ) વિરૂધ્ધ ડીસીપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. બંનેનો કસ્ટડી સમય પુરો થતાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવતાં બનેના ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમ વધુ તપાસ કરે છે. બંને વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે જ્વલંતશીલ જથ્થો પાસ પરમીટ કે લાયસન્સ વગર સંગ્રહ કરી રાખવાનો અને સુરક્ષાના સાધનો પણ નહિ રાખવાનો ગુનો નોંધાયો હતો.

(4:00 pm IST)