Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ખુરશી છોડયા બાદ પ્રથમવાર રાજકોટ આવ્યા રૂપાણી

ખુબ હળવાશ અને મુકત થઇને આવ્યો છું : રૂપાણી

નિર્ણય કર્યો તેની બધી પ્રક્રિયા પૂરી કરી છે : નવા મંત્રીમંડળને જવાબદારી સોંપી દેવામાં આવી છે

મીડિયાના મિત્રો સાથે વિજયભાઇની હળવી પળો : મુખ્યમંત્રી પદનો ભાર હળવો કર્યા પછી વિજયભાઇ રૂપાણી રાજકોટ તેમના નિવાસ સ્થાને પરત ફર્યા ત્યારે મીડિયાના મિત્રો સાથે હળવી પળો માણી હતી. આત્મિયતા દાખવી રાજકોટ વિષેની વાતોએ વળગ્યા હતા. તે સમયની તસ્વીરમાં વિજયભાઇ સાથે વિવિધ અખબારો અને ચેનલોના ફોટોગ્રાફર, કેમેરામેન અને પત્રકારો સર્વશ્રી અકિલાના સંદીપ બગથરીયા, જીએસટીવી.ના ચેતન ઠકરાર અને પ્રતિક લીંબાણી, ઝી ૨૪ કલાકના ગૌરવ દવે અને ઉદય પવાર, સંદેશ ન્યુઝના વિપુલ બોરીચા અને મયુર સોની, ટી.વી. નાઇનના મોહીત ભટ્ટ અને ભાવેશ લશ્કરી, ન્યુઝ ૧૮ ના અંકિત પોપટ, સીટી ન્યુઝના લલિત વ્યાસ, આજકાલ ફેસબુક લાઇવના હર્ષ ભટ્ટી, અબતકના ઋષી દવે, રાજકોટ મિરરના સરફરાજ પઠાણ, મંતવ્યના ધ્રુવ કુંડલ અને યશ ભટ્ટ, ગુજરાત મિરરના નરેન્દ્રભાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીર અશોક બગથરીયા) 

રાજકોટ તા. ૧૭ : રાજયના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણી આજે પ્રથમવાર પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, નવા મંત્રી મંડળની શપથ વિધિ બાદ રાજકોટ ઘરે આવ્યો છું. વિજય રૂપાણીએ કહ્યુ કે, ખુબ હળવાશ અને મુકત થઈને આવ્યો છું. મહત્વનું છે કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને રાજયની કમાન સોંપવામાં આવી છે. આજે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે.

રાજકોટ પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, પાર્ટીએ જે નિર્ણય કર્યો તેની બધી પ્રક્રિયા પૂરી કરી છે. નવા મંત્રીમંડળને જવાબદારી સોંપી દેવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે, હવે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે. તેમણે કહ્યુ કે, આ રિલે રેસ છે, અહીં એકબીજાને દોડીને જવાબદારી સોંપવાની હોય છે. આ માત્ર ભાજપ જ કરી શકે છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, અમારા અનેક પૂર્વજોએ આ પ્રકારે સત્તાનો ત્યાગ કરવાની તૈયારીઓ દર્શાવી હતી તેજ રીતે મેં પણ સત્તાનો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં નો-રિપીટ થિયરીનો પ્રયોગ કર્યો છે. બધાએ સહર્ષ રીતે સત્તાનો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યું કે, અમારી એક જ ભૂમિકા છે સત્તા પર હોઈએ કે નહીં બધા કાર્યકર છે. રાજધાની ગાંધીનગરમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથ ગ્રહણ કરી લીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. ૧૦ કેબિનેટ કક્ષાના અને ૧૪ રાજયકક્ષાના મંત્રીઓએ આજે નવી સરકારમાં શપથ લીધા છે. આમ હવે સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ ૨૫ મંત્રીઓ છે. નવા મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે.

(3:16 pm IST)