Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં 'રૂડા'નું ઓપરેશનઃ બે ગોડાઉનનો ભૂક્કો

ઉતરોત્તર વેચાણમાં ત્રણના નામો ખૂલતા ત્રણેય સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરમાં દરખાસ્ત : ચાર કરોડની જમીન ખૂલ્લી કરાવાઈઃ રૂડાના બે મોટા ખાલી પ્લોટમાં સૂચિત ગણાવી ગોડાઉન બનાવી વેચી નાખ્યાનો ધડાકો : નોટીસો આપ્યા બાદ સવારથી સીઈઓ ચેતન ગણાત્રા ત્રાટકયાઃ પોલીસ-જેસીબી-જીઈબીની ટીમો પણ જોડાઈઃ લોકોના ટોળા

રાજકોટઃ રૂડાએ આજે સવારે ટ્રાન્સપોર્ટનગરમાં બે પ્લોટ ઉપર ઉભુ થઈ ગયેલ દબાણ દૂર કરી - બે ગોડાઉન તોડી પાડયા હતા. સીઈઓ શ્રી ચેતન ગણાત્રા અને તેમના સ્ટાફે પોલીસ, જેસીબી, જીઈબીની ટીમોને સાથે રાખી સવારે ૯ વાગ્યે ઓપરેશન હાથ ધર્યુ તે નજરે પડે છે. અન્ય તસ્વીરમાં ચાલી રહેલ ઓપરેશન અને ગોડાઉનોનો ભૂક્કો બોલાવી દેવાયો તે જણાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ રૂડાએ આજે સવારે ૯ વાગ્યાથી ઓપરેશન હાથ ધરી રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં રૂડાની બે માલિકીના પ્લોટ ઉપર થઈ ગયેલ દબાણ દૂર કરી ૪ કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી અને આ દબાણ કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ વ્યકિત સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા રૂડાએ કલેકટરમાં દરખાસ્ત કરતા સન્નાટો મચી ગયો છે.

આ અંગે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં રૂડાના સીઈઓ શ્રી ચેતન ગણાત્રાએ જણાવ્યુ હતુ કે સાત હનુમાન અમદાવાદ હાઈવે ઉપર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ઓફિસો-ગોડાઉનો ૧૯૯૨ પછી અપાયા નથી, છેલ્લે ૨૫ પ્લોટની હરરાજી કરાઈ હતી. તાજેતરમાં તપાસ દરમિયાન રૂડાના બે ખાલી પ્લોટ નં. ૨૫-૮૦૫ ચો.મી. તથા પ્લોટ નં. ૧૨૪-૩૧૨ ચો.મી. ઉપર દબાણ કરી - સૂચિતમાં ગણાવી - પ્લોટ પાડી વેચી નખાયાનું અને ત્યાં ગોડાઉન કરી નખાયાનું ખૂલ્યુ હતું.

આ પછી બન્ને ગોડાઉન-પ્લોટના દબાણ અંગે નોટીસો ફટકારાઈ હતી અને આજે સવારે રૂડાનો એડમીન સ્ટાફ, ટીપીઓ, પોલીસ બંદોબસ્ત, જેસીબી તથા પીજીવીસીએલની ટીમોને સાથે રાખી બન્ને પ્લોટ ઉપરનું ગોડાઉન સહિતનું બાંધકામ તોડી પડાયુ છે. બન્ને ગોડાઉન રૂડાના માલિકીના ખૂલ્લા પ્લોટ ઉપર ઉભા કરી લેવાયા હતા. પ્લોટ નં. ૨૫ની કિંમત સવા ત્રણ કરોડ અને પ્લોટ નં. ૧૨૪ની કિંમત ૬૫ લાખ થવા જાય છે. કુલ ૪ કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ છે.

આ દબાણમાં જમીન, ગોડાઉન, પ્લોટનું ઉતરોત્તર વેચાણ થયાનું ખૂલતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. રૂડાની તપાસમાં ત્રણ કૌભાંડકારો-દબાણકારોના નામો ખૂલતા ત્રણેય સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા - આકરા પગલા લેવા રૂડા તરફથી કલેકટરને દરખાસ્ત પણ કરાઈ છે. તપાસમાં દબાણકારોએ ભળતા નામે સૂચિત ગણાવી દબાણ કરી વેચી નાખ્યાનું ખૂલ્યુ છે. પીજીવીસીએલની ટીમે જે ૪ થી ૫ વીજ કનેકશન હતા તે કાપી નાખ્યા હતા. દબાણકારો ગોડાઉનો ખાલી કરી ભાગી છૂટયાનું બહાર આવ્યુ છે. ઓપરેશન સમયે લોકોના ટોળા એકઠા થયા હતા.

(3:02 pm IST)