Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઉદ્યોગપતિ સાથે કારમાં તણાયેલા ડ્રાઇવર ગાંધીગ્રામના શ્યામગીરીની ચોથા દિ'એ ઝાડમાં ફસાયેલી લાશ મળી

સોમવારે છાપરા ગામે નદીમાં કાર તણાતાં નિલ સીટી બંગલોના પેલિકન ઇન્ડસ્ટ્રીઝવાળા કિશનભાઇ (વિપુલભાઇ) શાહ અને ડ્રાઇવર ભારતીનગરના શ્યામગીરી ગોસ્વામી તણાયા હતાં: કિશનભાઇની બીજા દિવસે કાર સાથે લાશ મળી હતીઃ શ્યામગીરીની લાશ છાપરાથી દોઢ કિ.મી. આગળથી મળતાં પરિવારમાં કલ્પાંત : તસ્વીરમાં શ્યામગીરી ગોસ્વામીનો મૃતદેહ અને સતત જહેમત ઉઠાવી મૃતદેહ શોધી કાઢનાર ફાયર બ્રિગેડની ટીમના જવાનો જોવા મળે છે

રાજકોટ તા. ૧૩: સોમવારે ૧૩મીએ સવારે ભારે વરસાદને પગલે લોધીકાના છાપરા ગામે નદીમાં નીલ સીટી બંગલોમાં રહેતાં પેલિકન ઇન્ડસ્ટ્રીઝવાળા વણિક ઉદ્યોગપતિ  કિશનભાઇ (વિપુલભાઇ) જમનાદાસભાઇ શ્રીમાંકર-શાહ (ઉ.વ.૫૦) અને તેમના બે ડ્રાઇવર યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટીમાં રહેતાં સંજય ડાયાભાઇ બોરીચા (ઉ.વ.૨૧) તથા રૈયા ગામના શ્યામગીરી મહેશગીરી ગોસ્વામી (ઉ.વ.૨૧) આઇ-૨૦ કાર સાથે તણાઇ ગયા હતાં.  જેમાં એક ડ્રાઇવર સંજય બચી ગયો હતો. પેલિકન પેઢીના માલિક કિશનભાઇની બીજા દિવસે લાશ મળી હતી. બીજા ડ્રાઇવર શ્યામગીરીનો પત્તો મળ્યો નહોતો. આજે ચોથા દિવસે તેની ફુલાઇ ગયેલી લાશ છાપરાથી દોઢ કિ.મી. આગળ બાવળના ઝાડીમાં ફસાયેલી મળી આવતાં ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી પોલીસને સોંપી હતી. બનાવથી બાવાજી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સતત ચાર દિવસથી જેની લાશ શોધવામાં આવી રહી હતી તે શ્યામગીરી મહેશગીરી ગોસ્વામી ગાંધીગ્રામના ભારતીનગર-૮માં રહેતો હતો. તે બે ભાઇમાં નાનો અને કુંવારો હતો. પેલિકન કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. કાર જ્યારે તણાઇ ગઇ એ પહેલા રાજકોટથી છાપરા સુધી કારનું ડ્રાઇવીંગ શ્યામગીરીએ જ કર્યુ હતું. પણ છાપરા નદીમાં ભારે પાણી હોઇ તેણે આગળ કાર નહિ ચાલે તેમ કહેતાં શેઠ કિશનભાઇ (વિપુલભાઇ) શાહે તેને નીચે ઉતાર્યો હતો અને પોતે ડ્રાઇવીંગ સીટ પર બેઠા હતાં.

કારમાં અન્ય બે લોકો જીતુભાઇ તથા મહિલા કર્મચારી હોઇ તેમને ઉતારી મુકાયા હતાં. કિશનભાઇએ એક ડ્રાઇવર શ્યામગીરીને પોતાની બાજુની સીટમાં અને બીજા ડ્રાઇવર સંજયને પાછળની સીટમાં બેસાડી કાર હંકારી હતી.

પરંતુ કાર પાણીમાં થોડે આગળ જતાં જ પાણીના ભારે પ્રવાહમાં આગળ વધી ન શકતાં તણાઇ ગઇ હતી. તણાઇ રહેલી કાર આગળ જતાં એક ઝાડમાં અથડાતાં તે વખતે પાછળ બેઠેલો ડ્રાઇવર સંજય દરવાજાને પાટા મારી ખોલીને બહાર નીકળી જઇ ઝાડની ડાળી પકડીને બચી ગયો હતો. પણ કિશનભાઇ અને શ્યામગીરી નીકળી શકયા નહોતાં અને કાર આગળ વહી ગઇ હતી.  એ પછી એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને કલેકટર તંત્રની ટીમોએ ભારે શોધખોળ કરતાં બીજા દિવસે મંગળવારે કાર અને તેની અંદરથી કિશનભાઇ શાહની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ડ્રાઇવર શ્યામગીરીનો પત્તો મળ્યો ન હોઇ સતત શોધખોળ ચાલુ રખાઇ હતી. દરમિયાન આજે પાણી ઓછુ થતાં છાપરાથી દોઢ કિ.મી. આગળથી ઝાડમાં ફસાયેલી હાલતમાં શ્યામગીરીની લાશ મળતાં પરિવારજનો, મિત્રો અને સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી. ફાયરબ્રિગેડ ટીમના ફાયરમેન વિનોદભાઇ, કિરીટભાઇ બોખાણી, મોૈલિકભાઇ, અનિલભાઇ, વિરલભાઇ ચુડાસમા સહિતે મૃતદેહ શોધી લોધીકા પોલીસના કે. કે. જાડેજા, હેડકોન્સ. ગિરીશભાઇ અને મામલતદારની ટીમને સોંપતા કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો. 

(3:17 pm IST)