Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ગુજરાતી ફિલ્મ પ્રોડયુસરને આપેલ ચેક રિટર્નના કેસમાં સજા પામેલ આરોપીનો અપીલમાં છુટકારો

રાજકોટ તા. ૧૭ : ચેકમાં અલ્ટ્રેશન થયેલ હોય તેમજ ચેકનું એકઝીકયુશન પુરવાર થતું ન હોય ત્યાં સુધી આરોપીને દોષિત ઠેરવી શકાય નહી તેવો સેસન્સ અદાલતને ચુકાદો આપી આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, ગુજરાતી ફિલ્મોના નામાંકિત પ્રોડયુસર તેમજ ગુજરાતી ફિલ્મોની કેસેટો બનાવનાર સ્વ. અમરકુમાર જાડેજા પત્નિ ઇન્દુબા અમરકુમાર જાડેજા, રહે. રાજકોટ વાળાએ બાબુભાઇ કાનજીભાઇ ગાંગાણી, રહે. રાજકોટવાળાને રૂ.૪,૦૦,૦૦૦ના એચ.ડી.એફ.સી.બેન્ક, માલીયાસણ શાખાના કુલ ૩ (ત્રણ) ચેક રીટર્ન થતા તેમના વકીલ મારફત નોટીસ આપેલ.

ત્યારબાદ નીચેની અદાલતમાં ધી નેગો.ઇન્સ્ટ્ર. એકટની કલમ-૧૩૮ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ, જે કેસની કાર્યવાહી નીચલી અદાલતમાં પુર્ણ થતા નીચેની અદલાતે બાબુભાઇ કાનજીભાઇ ગાંગાણીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૪,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે.

નીચેની અદાલતના હુકમથી નારાજ થઇ બાબુભાઇ કાનજીભાઇ ગાંગાણીએ સેશન્સ અદાલતમાં વીકલ માફરતે કાયદાકીય જોગવાઇ મુજબ અપીલ દાખલ કરેલ. સદર અપીલ સેશન્સ જજની કોર્ટમાં સાંભળવામાં આવેલ જેમાં વકીલ અમીત આર.વ્યાસએ દલીલ કરતા જણાવેલ કેે, સદરહું ફરીયાદવાળો ચેર ગુજ.અમરકુમાર જાડેજા સાથેના વ્યવહારોનો હતો, તેમના પત્નિ સાથે કોઇ આર્થિક વ્યવહાર થયેલ નથી. ફરીયાદીએ વારસદાર દરજજે ફરીયાદ દાખલ કરેલ, જે કાયદા મુજબ ચાલી જ શકે નહીં. તેમજ ચેકનું એકઝીકયુશન ફરીયાદી સાથે થયેલ નથી. તેમજ કોરા ચેકમાં ફરીયાદી દ્વારા અલ્ટ્રેશન કરી પોતાનું નામ જાતે લખવામાં આવેલ છે.

આ તમામ હકીકત નીચેની અદાલતે માનવી જોઇતી હતી પરંતુ નીચલી અદાલતે તેવું માનેલ નથી. એપેલન્ટના એડવોકેટની ઉપરોકત દલીલને ધ્યાને રાખી સેશન્સ જજ શ્રી બી.બી.જાદવે ઉપરોકત તમામ બાબતોને ગ્રાહ્ય રાખી તેમજ કાયદાકીય જોગવાઇઓ તથા પ્રતિપાદિત સિધ્ધાંતોને ધ્યાને લઇ સદર અપીલને ચુકાદો આપેલ અને જે ચુકાદાના આધારે આરોપી બાબુભાઇ ગાંગાણીને નીચલી અદાલત દ્વારા જે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૪,૦૦,૦૦૦ વળતર ચુકવવાનો જે હુકમ કરેલ હતો તે હુકમમાં નીચલી અદાલતે ભુલ કરેલ છે. તેવું માની નીચલી અદાલતનો હુકમ રદ કરવાનો હુકમ કરેલ અને બાબુભાઇ ગાંગાણીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામે એપેલન્ટ બાબુભાઇ ગાંગાણી વતી રાજકોટના અમીત આર.વ્યાસ રોકાયેલ હતા.

(3:59 pm IST)