Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

બાળપણની ક્રિએટિવિટી તમને કરોડપતિ બનાવી શકે માટે તમારી અંદર રહેલા બાળકને કયારેય મરવા દેશો નહિ

દરેક વ્યકિતએ પોતાના ક્રિએશનને ગંભીરતાથી લેવું જોઈએ અને તેની વેલ્યૂ કરવી જોઈએ તો જ દુનિયા પણ તેની વેલ્યૂ કરશે અને તમને તેનું યોગ્ય વળતર મળશે : 'આજે તે બ્રાન્ડનાં વર્તમાન માલિકને જે પ્રસંશા અને ખ્યાતિ મળે છે તે જોઈને મિકસ ફીલિંગ થાય છે : થોડી ઈર્ષા પણ થાય અને સંતોષ પણ થાય' : જયારે પ્રખ્યાત ડિસ્લેકસીક લોકોનું લીસ્ટ જોઉં ત્યારે લિયોનાર્ડો-ડી-વિન્ચી, એડિસન, પિકાસો, ડિઝની જેવાં નામ વાંચીને હંમેશા કંઈ નવું અને અલગ કરવાની પ્રેરણા મળતી

બાળકો પાસે જે જીજ્ઞાસા અને કલ્પનાશકિત હોય છે તે મોટા લોકો પાસે નથી હોતી. એટલે જ તમારી અંદર રહેલી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે હંમેશા તમારી અંદર રહેલા બાળકને જીવંત રાખવો જરૂરી છે. આજે એક એવી વ્યકિતની વાત કરીએ છીએ જેના બાળપણના શોખ અને પેશને તેના જીવનને નવી દિશા આપી. એ વ્યકિત છે કાઉન્સિલીંગ સાયકોલોજીસ્ટ અને સેલિબ્રિટી લાઈફકોચ કૌશલ પંડયા.

સ્કુલનાં દિવસો માં ખુબ જ સંઘર્ષ હતો કેમ કે તેઓ ડિસ્લેકસીક છે. અક્ષર વાંચવા ન ગમે પણ ગ્રાફિકસને લઈ ને એક અલગ જ આકર્ષણ, દરેક વસ્તુ ને જોવાનો એક અલગ જ દૃષ્ટિકોણ. તારે ઝમીન પર નો પેલો ઈશાન અવસ્થી તો યાદ જ હશે!!!

જયારે પ્રખ્યાત ડિસ્લેકસીક લોકોનું લીસ્ટ જોઉં ત્યારે લિયોનાર્ડો-ડી-વિન્ચી, એડિસન, પિકાસો, ડિઝની જેવાં નામ વાંચીને હંમેશા કંઈ નવું અને અલગ કરવાની પ્રેરણા મળતી.

કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં જયારે વ્યકિત પગ મુકે ત્યારે એની આંખોમાં અનેક સપના હોય, આકાશને આંબી જવું હોય. પણ તેણે ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલેજના અભ્યાસ સાથે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. પણ નાનપણથી જ તેઓએ કોઈપણ બ્રાન્ડનો લોગો જોઈને તેની સાથે કનેકશન ફીલ થતું, આકર્ષણ અનુભવાતુ. તેના પર વિચારો ચાલુ થઈ જતા અને તે ડ્રોઈંગબુકમાં કલર્સ અને સ્કેચિંગથી અલગ-અલગ બ્રાન્ડ ડિઝાઈન કરતા. કોઈ ઘડિયાળ તમે લોન્ચ કરો છો તો તેનું કેવું નામ હોઈ શકે, કોઈ ચશ્મા કે કપડાની બ્રાન્ડ લોન્ચ કરો તો તેનું નામ કે લૂક કેવો હોવો જોઈએ. કોઈપણ સારી બ્રાન્ડ હોય તો તેનું નિરિક્ષણ કરતાં અને વિચારતા કે તેનું આવું નામ કેમ છે, તેનો લૂક કેમ આવો રાખવામાં આવ્યો છે. આવા વિચારો સતત ચાલતા રહેતા. ઘણીવાર વસ્તુ સારી હોય પણ બ્રાન્ડનું નામ કે લૂક તે પ્રમાણે ન હોય તો લોકો તેની તરફ આકર્ષાતા નથી. અને ઘણીવાર બ્રાન્ડનો લૂક અને નામ જોઈને લોકો તેની સાથે તરત જ કનેકટ થતા હોય છે. પોતાની ડ્રોઈંગબુકમાં તેઓએ ઘણી બ્રાન્ડ્ઝ ડિઝાઈન કરી હતી.

પણ નાનપણમાં જેમ કોઈને કોઈન કે સ્ટેમ્પ કલેકટ કરવાનો શોખ હોય અને મોટા થયા પછી તે બાજુ પર રહી જાય તેમજ તેઓએ પણ અભ્યાસ પુરો કરીને કોર્પોરેટ ટ્રેનર તરીકે કામ શરૂ કર્યું અને આ શોખ કોઈ બોકસમાં પુરાઈ ને માળિયે ચળી ગયો.

'મને ખબર નહતી કે પોણો કરોડ રૂપિયા મારા માળિયે ધૂળ ખાઈ છે.'

અંત્રપ્રીનીયરશિપ અને સાયકોલોજીમાં માસ્ટર્સનો અભ્યાસ પુરો કર્યો. કાઉન્સિલર અને કોચ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. એમની કંપની Brain Secrets ના કારણે ઘણી ખ્યાતિ પણ મળી. ઘણા સેલિબ્રિટઝ પણ તેમનું લાઇફ કોચિંગ લેવા લાગ્યા. બિઝનેસ અને સાયકોલોજીને કનેકટ કરતા વિષય સાથે પીએચડીનો અભ્યાસ પણ શરૂ કર્યો.

પણ આ બધા વચ્ચે બ્રાન્ડ્ઝ વિશે વિચારવાનું અને નિરીક્ષણ કરવાનું તો ચાલુ જ રહ્યું. અને અચાનક તેને પેલી ડ્રોઈંગબુક યાદ આવી. તેને જોઈને ફરી પાછી એમને પ્રેરણા મળી અને જે બ્રાન્ડ્ઝ ગમતી હતી તેની સ્ટોરી લખવાની શરૂ કરી. તેનો સ્વભાવ કેવો હશે, તેનો લૂક, કેવા લોકોને તે આકર્ષે છે, કેવા લોકોને નથી આકર્ષતી. તેમાં ઘણી નવી બ્રાન્ડ્ઝ ઉમેરવાનું શરૂ કર્યું જેમાંથી એક હતી હર્બાસૂત્રા (એકઝોટિક આયુર્વેદ સેગમેંટ), જે તેમણે લોન્ચ કરી. આ બ્રાન્ડ લોકો ને ખુબ જ ગમી. હર્બાસુત્રાને ૩ સ્ટેપ થેરાપી 'સત્યમ્ - શિવમ્ - સુન્દરમ્' ને પ્રાઇવેટ લેબલ એવોર્ડ્સ ૨૦૧૮ માં મુંબઇ ખાતે 'ઇનોવેશન ઈન સ્કિન એન્ડ હેયર કેર' નો એવોર્ડ પણ મળ્યો.

આ બ્રાન્ડ પાછળ કેશ ક્રેડિટ અને લોન લઈને ૫૦-૬૦ લાખ જેવું રોકાણ કર્યું હતું. બીજા ખર્ચાઓ સાથે તેની પર ૭૫ લાખ જેટલું દેવુ થઈ ગયું હતું. પછી તે પોતાની બ્રાન્ડને પ્રાઇવેટ ઈન્વેસ્ટર પાસે લઈ ગયા જેથી તેના રોકેલા પૈસા છુટા થાય અને થોડુ ઈન્વેસ્ટમેન્ટ પણ મળે. ઘણાં લોકોને મળ્યાં. એક મિત્રની ઓળખાણથી મુંબઈની એક પ્રખ્યાત બ્રાંડિંગ એજન્સીને મળ્યાં જે ઘણી મોટી મોટી બ્રાન્ડ્ઝ માટે કામ કરે છે. તેઓને બ્રાન્ડ પ્રેસેન્ટેશન ખુબ જ પસંદ આવ્યું અને વેલ્યુએશન કરી ને તેમણે જે ઓફર કર્યું તે ઘણું ઓછુ હતું.

પછી વાત-વાતમાંબહાર આવ્યું કે કૌશલ પાસે આવી બીજી ૧૮ બ્રાન્ડ્ઝ છે જે તેણે ડિઝાઈન કરેલી છે અને જેની બેવસાઈટ, ડોમેઈન નેમ બધુ જ ડિઝાઈન થયેલું છે, જેમાથી ૧૦ બ્રાન્ડ્ઝનું તો ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન પણ તેણે કરાવીને રાખ્યું હતું. તે બ્રાન્ડને લગતી તમામ બાબતોનો અભ્યાસ તેની સાથે સંકળાયેલો હતો. એજન્સીના લોકો તે જોવા માટે ઉત્સુખ હતા અને કૌશલ પાસે આ બ્રાન્ડ્ઝના ઇન્ટેલેકચ્યુઅલ રાઈટ્સ હોવાથી તેમને બતાવવા માટે રાજી થયા. તેમના બોર્ડરૂમમાં કંપનીના સીઈઓ સામે તેણે પ્રેઝન્ટેશન કર્યું. તેણે દરેક બ્રાન્ડઝની સ્ટોરી કહી. આ બ્રાન્ડ કોને ગમશે, શું કામ ગમશે તે કહ્યું. જેમકે એક બેબીકેર પ્રોડકટ માટે ડિઝાઇન કરેલી બ્રાન્ડ હતી તો તેના લોગો કે અક્ષરમાં કોઈ ખૂણો નહોતો કેમકે નવજાત બાળકના વાલીઓની તે સમયની સાયકોલોજી પ્રમાણે તેઓ કોઈપણ ધારદાર કે અણીવાળી વસ્તુને પસંદ કરતાં નથી. આટલાં ડિટેલિંગ સાથે દરેક બ્રાન્ડનું એકસપ્લેનેશન આપ્યું. આ મેરેથોન મીટીંગ ૫ કલાક ચાલી અને પછી વાત આવી વેલ્યુએશનની. તેણે વિચાર્યું કે, 'મારી પર અત્યારે જેટલું દેવુ છે તે ભરપાઈ થાય અને તેના પર મને કઈ પણ મળે તો હું આ બધી બ્રાન્ડ્ઝ તેના ટોટલ રાઈટ્સ સાથે આપવા તૈયાર છું. દેવુ ચુકવતા જે રૂપિયા બચશે તેમાંથી હું મારી બ્રાન્ડ હર્બાસુત્રા ચલાવીશ અને વધુ મોટી બનાવીશ.'

૩-૪ મિટિંગ્સ થઈ અને ૬૫ લાખ રૂપિયા આપવા તે લોકો તૈયાર થયા !!! પણ શરત એ હતી કે કોઈ પણ બ્રાન્ડ માટે ક્રેડિટ નહિ મળે. બધાં રાઇટ્સ અને NDA (નોન ડિસ્કલોસર એગ્રીમેન્ટ) સાથે ૧૮ બ્રાન્ડઝ વેંચી અને તેના માથા પરથી દેવાનો ભાર મોટાભાગે ઓછો થઈ ગયો.

આ વાત સાંભળીને અકિલાના શ્રી કિરીટ ગણાત્રાએ કહ્યું 'નાનપણનું ગાંડપણ તમને કરોડપતિ બનાવી શકે.'

તેણે જે બ્રાન્ડ્ઝ વેચી હતી તેમાંથી ૩ બ્રાન્ડ્ઝ લોન્ચ થઈ ચુકી છે અને ખુબ સારૂ કરે છે અને ૨ બ્રાન્ડઝ હવે લોન્ચ થવાની છે. એક બ્રાન્ડનું ટર્ન ઓવર તો ૫૦ કરોડ સુધી પહોંચી ગયું છે અને તેની બ્રાન્ડ વેલ્યુ ૨૦૦ કરોડથી ઉપર છે.

'આજે તે બ્રાન્ડનાં વર્તમાન માલિકને જે પ્રસંશા અને ખ્યાતિ મળે છે તે જોઈને મિકસ ફીલિંગ થાય છે. થોડી ઈર્ષા પણ થાય અને સંતોષ પણ થાય.'

કૌશલ પાસે ૯ બ્રાન્ડ એવી હતી જે તેમને ખુબ જ પસંદ છે. જેને વેંચવા તેઓ રાજી ન થયાં. હવે તેમનો પ્લાન એવો જ છે કે આ બધી જ બ્રાન્ડ્સને તે યોગ્ય રોકાણ સાથે લોન્ચ કરશે. તેનું ટર્નઓવર વધારશે અને પછી તેને ઇન્વેસ્ટર્સ પાસે લઈ જશે. આ પ્રોજે્ટ માટેનું મોટીવેશન તેમને મૌલેશભાઈ ઉકાણી(સેસા), દર્શન પટેલ (પારસ ફાર્મા), સંજીવ જુનેજા (કેશકિંગ) અને આશુતોષ વાલાની/પ્રિયંક શાહ(બિયર્ડો) ની સકસેસ સ્ટોરીઝ માંથી મળે છે.

કૌશલ પંડ્યા દરેક યુવાનને અને દરેક બાળકનાં વાલીને એ જ કહેવા માંગે છે કે તમારી સ્કીલ કે પેશન તમને કરોડોપતિ બનાવી શકે છે. તેને તમે ભૂલી ન જતા. અત્યારનો સમય એવો છે તેમાં દરેક આઇડિયાની કિંમત છે અને તે તમને ઘણા આગળ લઈ જઈ શકે છે. દરેક વ્યકિતએ પોતાના ક્રિએશનને ગંભીરતાથી લેવું જોઈએ અને તેની વેલ્યૂ કરવી જોઈએ તો જ દુનિયા પણ તેની વેલ્યૂ કરશે અને તમને તેનું યોગ્ય વળતર મળશે.

હાલમાં કૌશલ પોતાના PhD. પર કામ કરે છે. જેનો વિષય છે બાળકનાં ઉછેરમાં એવું શું થઈ શકે કે તેઓ આત્મનિર્ભર થાય, અંત્રપ્રીનીયરશિપ તરફ વળે અને વાલી પર નિર્ભર ન રહે સાથે સાથે સરકારી નોકરીની અપેક્ષા ન રાખે. દેશનાં જેટલાં યુવાનો અંત્રપ્રીનીયરશિપ તરફ વળશે તેટલી જ દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે.

કૌશલ પંડયા

સાયકોલોજીસ્ટ

લાઇફ કોચ

૯૯૦૯૯૧૧૯૯૦

(4:01 pm IST)