Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કબૂતરને ડોલમાં ડૂબાડી રહેલા શખ્‍સને ટપારતાં સવજીભાઇ ડાંગર પર ધોકાથી હુમલોઃ પરવાનાવાળી રિવોલ્‍વરની લૂંટ

ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન પાસેના પટમાં બનાવઃ રેલ્‍વે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો : લોહાનગરમાં બંસીધર હોટેલ ધરાવતાં વૃધ્‍ધ વર્ષોથી કબૂતરને ચણ અને કૂતરાને દૂધ આપવા આવે છેઃ અજાણ્‍યો શખ્‍સ દયાહીન થયો હોઇ વૃધ્‍ધને ગુસ્‍સો આવતાં ડોલને પાટુ મારી પાણી ઢોળી નાંખતા ઉશ્‍કેરાયો અને તૂટી પડયોઃ વૃધ્‍ધ પડી જતાં તેની રિવોલ્‍વર લઇ ભાગી ગયો

જેમના પર હુમલો કરી પરવાનાવાળી રિવોલ્‍વર લૂંટી જવાઇ તે સવજીભાઇ ડાંગર અને ફરિયાદ નોંધવા પહોંચેલા રેલ્‍વે પીઆઇ એસ. આર. પટેલ તથા સ્‍ટાફ જોઇ શકાય  છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮: શહેરના ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન પાસેના પટમાં નિત્‍યક્રમ મુજબ કબૂતરોને ચણ નાખવા અને કૂતરાઓને દૂધ પીવડાવવા આવેલા ૧૫૦ રીંગ રોડ પર રહેતાં હોટેલ સંચાલક વૃધ્‍ધે પટમાં એક શખ્‍સ કબૂતરને પકડી પાણી ભરેલી ડોલમાં ડૂબાડી રહ્યો હોઇ તેની પાસે જઇ પાટુ મારી પાણીની ડોલ ઢોળી નાંખતા એ શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇ વૃધ્‍ધ પર ત્‍યાં પડેલા ધોકાથી હુમલો કરી માથામાં ઘા ફટકારી દેતાં આ વૃધ્‍ધ પડી જતાં તેની પાસે કમરે પરવાનાવાળી રિવોલ્‍વર ટીંગાડેલી હોઇ હુમલો કરનાર આ રિવોલ્‍વરની લૂંટ કરી ભાગી ગયો હતો. વૃધ્‍ધને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં રેલ્‍વે પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર સામે સિલ્‍વર સ્‍ટોન-૨માં રહેતાં સવજીભાઇ વીરાભાઇ ડાંગર (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધને લોહાનગર ટેલિફોન એક્ષચેન્‍જ પાસે બંસીધર નામે હોટેલ છે. તેઓ છેલ્લા દસેક વર્ષથી ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન પાસેના ખુલ્લા પ્‍લોટમાં કબૂતર-ચકલાને ચણ નાખવા અને કૂતરાઓને દૂધ પીવડાવવા આવે છે. આજે પણ તેઓ જીવદયાના પોતાના નિત્‍ય કાર્ય માટે આ મેદાનમાં સવારે સવા અગિયારેક વાગ્‍યે પહોંચ્‍યા હતાં. આ વખતે એક શખ્‍સ એક કબૂતરને પકડી પોતાની પાસેની પાણી ભરેલી ડોલમાં ડૂબાડી રહ્યો હતો. નજીકમાં એક ભડકો પણ કરેલો હતો.

દેવીપૂજક જેવા લાગતાં શખ્‍સના આવા દયાહિન કૃત્‍યને જોઇ જીવદયાપ્રેમી સવજીભાઇ ડાંગરને રોષ ચડયો હતો અને એ શખ્‍સની નજીક જોઇ તેની પાણી ભરેલી ડોલને પાટુ મારી પાણી ઢોળી નાંખ્‍યું હતું.  આવું થતાં કબૂતરને ડુબાડી રહેલો અજાણ્‍યો શખ્‍સ ઉશ્‍કેરાઇ ગયો હતો અને નજીકમાં લાકડાનો ધોકો પડયો હોઇ તે ઉઠાવીને સવજીભાઇ પર હુમલો કરી માથામાં ઘા ફટકારી દેતાં તેઓ લોહીલુહાણ થઇ પડી ગયા હતાં.

સવજીભાઇએ કમરે પોતાની પરવાનાવાળી રિવોલ્‍વર ટીંગાડી રાખી હતી. હુમલો કરનાર શખ્‍સને કદાચ ભય લાગ્‍યો હોઇ કે સવજીભાઇ ઉભા થઇને ભડાકા કરશે એ કારણે તેણે રિવોલ્‍વર ખુંચવી લીધી હતી અને તે લઇને ભાગી ગયો હતો. ઘટના બન્‍યા પછી સવજીભાઇએ પુત્ર સહિતને ફોન કરતાં તેઓ પહોંચ્‍યા હતાં અને તેમને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.  બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસની ટીમ દોડી ગઇ હતી. પરંતુ હદ રેલ્‍વે પોલીસની હોઇ ત્‍યાં જાણ થતાં પીઆઇ એસ.આર. પટેલ સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો. સવજીભાઇ ડાંગરની ફરિયાદને આધારે અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી. રેલ્‍વે પોલીસ સાથે માલવીયાનગર પોલીસની ટીમોએ પણ આરોપીને શોધી કાઢવા દોડધામ યથાવત રાખી છે.

(3:11 pm IST)