Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કાતિલ ઠંડી સામે વહિવટી તંત્ર એકશનમાં : ગામડા - શહેરમાં ખુલ્લામાં સૂતા લોકોને ખસેડો : મેડીકલ ટીમોને તપાસના આદેશો

સ્કૂલોનો ટાઇમ બદલવા નિર્દેશ : કામ ચલાઉ રેનબસેરા બનાવાયા : IAS કેતન ઠક્કર દ્વારા ધડાધડ પગલા : દવા - સ્ટાફ ૧૦૮ સેવા તૈયાર રાખવા સૂચના : બાળકો- વૃધ્ધો બહાર ન નીકળે તે માટે જાગૃત કરો

રાજકોટ તા. ૧૭ : સમગ્ર રાજયમાં આગામી ચાર-પાંચ દિવસ શીતલહેરની આગાહી છે, ત્યારે વહીવટી તંત્ર યુદ્ઘના ધોરણે એકશનમાં આવી ગયું છે. નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર (આઈ.એ.એસ.)ના અધ્યક્ષ સ્થાને આજે શીતલહેર સામે તકેદારીના પગલાં લેવા તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં શીતલહેર સામે ઝીરો કેઝયુઆલિટીની નીતિ સાથે બહુઆયામી એકશન પ્લાન બનાવીને કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.

શ્રી ઠક્કરે રાજકોટ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રાત્રિડ્રાઈવ કરીને ખુલ્લામાં સૂતા લોકોને રેનબસેરામાં ખસેડવા અને કોઈપણ નાગરિક ખુલ્લામાં ના સૂવે તે જોવા ખાસ સૂચના આપી હતી. જો ગ્રામીણ કે નગર-પાલિકા વિસ્તારોમાં રેનબસેરા ના હોય તો, સ્કૂલ કે સમાજની વાડીઓમાં કામચલાઉ આશ્રય-સ્થાન ઊભા કરવા કહ્યું હતું. વાડી વિસ્તારોમાં ખેતમજૂરો ખુલ્લામાં ના સૂવે અને તેમના માટે નજીકમાં રાત્રિરોકાણની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. આ સાથે મેડિકલ ટીમ દ્વારા રેનબસેરામાં રહેતા લોકોના આરોગ્યની સવાર-સાંજ નિયમિત તપાસ કરવા કહ્યું હતું.

નિવાસી અધિક કલેકટરશ્રીએ જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં દવાખાનાઓ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ તહેનાત રાખવા, પૂરતી દવાઓનો જથ્થો રાખવા, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ તૈયાર રાખવા જણાવ્યું હતું. ઠંડીમાં બાળકો અને વૃદ્ઘોને સૌથી વધુ અસર થતી હોય છે ત્યારે તેઓ બહાર ના નીકળે તે માટે લોકોને જાગૃત કરવા તેમજ શીતલહેર સામે સાવધ કરવા સ્થાનિક સ્તરે તલાટી, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, હેલ્થવર્કરો, આશાવર્કરો, આંગણવાડી બહેનો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવા કહ્યું હતું.

શીતલહેરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી શાળાઓનો સમય બદલવા અંગે પણ તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવ્યું હતું. પશુઓને પણ ઠંડીમાં તકલીફ ના પડે તે માટે પશુપાલકોને જાગૃત કરીને યોગ્ય વ્યવસ્થા કરવા તેમણે પશુપાલન વિભાગના અધિકારીને જણાવ્યું હતું.

તેમણે તમામ નાયબ કલેકટરોને તેમના વિસ્તારના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓની ટીમ સાથે તત્કાલ બેઠક યોજીને શીતલહેર સામેનો એકશન પ્લાન અસરકારક રીતે અમલ કરવા સૂચના આપી હતી. ખાસ કરીને મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓને સતત ફીલ્ડ વર્ક તેમજ ટીમ સાથે સંકલનમાં રહીને સાબદા રહેવા જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં ૬ રેનબસેરા છે, જેમાં ૧૧૦૦થી વધુ લોકોના રોકાણની વ્યવસ્થા છે. જયારે જિલ્લાના નગરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જયાં જરૃર છે, ત્યાં કામચલાઉ રેનબસેરા શરૃ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં જરૃરી દવાઓનો પૂરતો સ્ટોક છે, તેમજ આરોગ્યનો સ્ટાફ પણ દવાખાનામાં તહેનાત કરી દેવામાં આવ્યો છે.   આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી કે.જી ચૌધરી, શ્રી સંદીપ વર્મા, શ્રી વિવેક ટાંક, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરિયા, મામલતદારશ્રી રૃદ્ર ગઠવી, શ્રી કે.કે. કરમટા, સુશ્રી જાનકી પટેલ, રાજકોટ મહાનગર પાલિકા, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા જયારે જસદણ, ગોંડલ, ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા

(3:32 pm IST)