Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

બેંક સર્વેયર દર્પણ મણવરે વ્‍યાજે લીધેલા ૭ કરોડ ૪૩ લાખ સામે ૫ કરોડ ૩૨ લાખ ચુકવ્‍યા છતાં ધાકધમકીઃ ૧૦ વિરૂધ્‍ધ ફરિયાદ

તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરીઃ અન્‍ય બનાવમાં ડીસીબી પોલીસે ડો. મોલીયા સહિત બે જણા સામે વધુ એક ગુનો નોંધ્‍યોઃ ડોક્‍ટરે કેશુભાઇ વોરાની જમીન બારોબાર વેંચી નાંખ્‍યાનો પણ આરોપ

રાજકોટ તા. ૧૮: વ્‍યાજખોરીના વધુ બે કિસ્‍સા સામે આવ્‍યા છે. જેમાં એસબીઆઇ બેંકમાં ઇન્‍સ્‍યોરન્‍સ સર્વેયર તરીકે નોકરી કરતાં યુવાને અલગ અલગ ૧૦ ઓળખીતા પાસેથી વ્‍યાજે લીધેલા ૭ કરોડ ૪૩ લાખની સામે ૫ કરોડ ૩૨ લાખ ચુકવી દીધા છતાં વધુ ૬.૫૮ કરોડની પઠાણી ઉઘરાણી કરી વધુ વ્‍યાજ માંગી આ યુવાનને તથા તેના ઘરના સભ્‍યોને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોઇ ૧૦ શખ્‍સો સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો છે. જ્‍યારે અગાઉ પણ એક ગુનામાં સડોવાઇ ચુકેલા ડોક્‍ટર સહિત બે જણા સામે વ્‍યાજખોરીનો અલગ ગુનો નોંધાયો છે. જેમાં ડોક્‍ટરે પારકો પ્‍લોટ કે જે સિક્‍યુરીટી પેટે હતો તેના દસ્‍તાવેજને આધારે બારોબાર જમીન વેંચી નાખી ઠગાઇ કર્યાનો આરોપ મુકાયો છે.

પ્રથમ બનાવમાં તાલુકા પોલીસે મવડી પોલીસ હેડક્‍વાર્ટર સામે અંબિકા ટાઉનશીપ રીવેરા હોમ ખાતે રહેતાં અને એસબીઆઇમાં જનરલ ઇન્‍સ્‍યોરન્‍સમાં સર્વેયર તરીકે નોકરી કરતાં દર્પણભાઇ મનસુખભાઇ મણવર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી ભાવીક ગોવાણી, અંકિત ઉર્ફ બંટી ખંઢેરીયા, હર્ષદ ઉર્ફ મામા સોરઠીયા, રાજ મોરી, વિશ્વરાજસિંહ ચુડાસમા, જીતુ ભલાણી, આશીષ ગોસ્‍વામી, હિરેન નથવાણી, મનિષ મગનલાલ કણસાગરા અને હેમલ અશોકભાઇ મણવર વિરૂધધ આઇપીસી ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્‍ડ એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

દર્પણભાઇ મણવરે જણવ્‍યું છે કે હું બાર વર્ષથી એસબીઆઇમાં જનરલ ઇન્‍સ્‍યોરન્‍સમાં સર્વેયર તરીકે નોકરી કરુ છું. હું પ્રીમીયમ ગાડીઓ લઇ સારા એવા વળતરથી વેંચાણ કરતો હતો. આ ધંધા બાબતે મિત્ર-સંબંધીઓમાં ચર્ચા થતી હતી. વહિવટમાં થોડી ખેંચ આવતાં મેં મિત્ર સર્કલ ઓળખીતાઓ પાસેથી વજે નાણા લીધા હતાં. આ બધાને અલગ અલગ રકમ સામે વ્‍યાજ મુદલ ચુકવી દીધું હોવા છતાં વધુ વ્‍યાજ માંગી ાગળોદઇ ધમકી આપી ઘરના સભ્‍યોને પણ મારી નાખવાની ધરે આવી ધમકીઓ અપાય છે.

મેં ભાવીક ગોવાણી પાસેથી ૧ કરોડ ૪૫ લાખ લીધા હતાં તેનું ૭ ટકા લખે ૧ કરોડ વ્‍યાજ ચુકવ્‍યું છે છતાં તે ૧ાા કરોડ માંગી ધમકી આપે છે. ભાવિકે મારા નાના ભાઇના પત્‍નિનું ૧૨ લાખનું સોનુ ગીરવે લઇ લીધુ છું. અંકિત ખંઢેરીયા પાસેથી આઠેક મહિના પહેલા ૧ા કરોડ લીધા હતાં. જેનું ૧૦ ટકા લેખે ૪૦ લાખ વ્‍યાજ ચુકવ્‍યું છે. તેમજ રામધણ પાસે મારા સાળાના નામે આવેલા ગેરેજ અને શેડ કે જેમાં ૪૦ લાખનું રોકાણ હોઇ તેમાં પણ અંકિતે ૯૦ ટકામાં પોતાનો હિસ્‍સો લખાવી લીધો છે. આમ કુલ ૮૦ લાખ ચુકવ્‍યા છતાં વધુ ૧ાા કરોડ માંગે છે અને ધમકાવે છે. હર્ષદ ઉર્ફ મામા પાસેથી ૧૨ લાખ લીધા તેની સામે ૧ લાખ ૮૦ હજાર ચુકવ્‍યા છે હજુ ૧૨ લાખ માંગે છે, રાજ મોરી પાસેથી કટકે કટકે ૪૨ લાખ લીધા હતાં તેના ૩૦ લાખ ચુકવ્‍યા છતાં વધુ ૪૨ લાખ માંગે છે.

આ ઉપરાંત વિશ્વરાજસિંહ પાસેથી ૯૦ લાખ લીધા તેની સામે ૯૦ લાખ ૨૦ ટકે મુદલ સહિત ચુકવી દીધા છતાં વધુ ૩૦ લાખ માંગી ધમકાવે છે. જીતુ ભલાણી પાસેથી ૧૭ લાખ લઇ ૩ લાખ ચુકવ્‍યા છે છતાં વધુ ૧૭ લાખ માંગે છે, આશીષ પાસેથી ૪૨ લાખ લીધા છે તેનું ૧૫ ટકા લેખે વ્‍યાજ ચુકવી ૨૫ લાખ આપી દીધા છે છતાં વધુ ૪૨ લાખ માંગે છે. હિરેન પાસેથી ૪૫ લાખ લઇ તેને ૩૦ લાખ ચુકવ્‍યા છે છતાં વધુ ૪૫ લાખ માંગે છે, મનિષ પાસેથી ૧ કરોડ ૭૭ લાખ લીધા હતાં. તેની સામે ૧ કરોડ ૧૦ લાખ ચુકવી દીધા છે છતાં ૧ા લાખ માંગી ધમકી આપે છે.

તેમજ હેમલ પાસેથી ૪૫ લાખ લઇ ૧૦ ટકા લેખે ૨૨ લાખ ૫૦ હજાર ચુકવી દીધા છતાં ૪૫ લાખ માંગી હેરાન કરી ધમકી આપે છે પઠાણી ઉઘરાણી કરે છે. આ રૂપિયાની લેતીદેતીનો તમામ વહિવટ ૧૫૦ રીંગ રોડ પર જેડ બ્‍લુ પાસે પ્‍યાસા પાન ખાતે મારે થયો હતો. તેમજ હું જ્‍યાં હાજર હોઉ ત્‍યાં રૂપિયા પહોંચાડતાં હતાં. બધાને લીધેલી રકમનું વ્‍યાજ અને મુદ્‌લ ચુકવવા છતાં વધુ માંગણી કરી સતત ધાકધમકી અપાતી હોઇ અને ઘરે આવી હેરાન કરવામાં આવતો હોઇ જેથી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં દર્પણભાઇ મણવરે જણાવતાં પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એચ. જી. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્‍ય  કિસ્‍સામાં અગાઉ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ડોક્‍ટર સહિતના વિરૂધ્‍ધ વ્‍યાજખોરીનો ગુનો નોંધાયો હતો. આ ડોક્‍ટર સહિત બે વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ થઇ છે. મુળ લીલી સાજડીયાળીના અને હાલ મોરબી રોડ શ્રીવીલા સોસાયટી બ્‍લોક નં. ૫૨માં રહેતાં તથા ખેતી કરતાં કેશુભાઇ રવજીભાઇ વોરા (ઉ.૫૨)ની ફરિયાદ પરથી અલ્‍પેશ ગોપાલભાઇ દોંગા અને ડો. અભય ડાયાભાઇ મોલીયા તથા તપાસમાં ખુલે તેની સામે બળજબરી, ઠગાઇ, મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધાયો છે.

કેશુભાઇએ જણાવ્‍યું છે કે મેં અલ્‍પેશ પાસેથી રૂા. ૧૦ લાખ ૧ાા ટકા વ્‍યાજે લીધા હતાં. તેની સામે મેં કોટડા સાંગાણીના જુના રાજપીપળા ગામની જુની શરતની પીયત પ્રકારની ખેડવાણ જમીનનો સિક્‍યુરીટી પેટે દસ્‍તાવેજ કરી આપ્‍યો હતો. આ દસ્‍તાવેજ ડો. ડાયાભાઇ મોલીયાના નામે અલ્‍પેશ દોંગાએ કરાવડાવ્‍યો હતો. હું રૂપિયા પરત આપું એટલે દસ્‍તાવેજ ફરી મારા નામે કરી આપવો તેવું નોટરી પાસે લખાણ પણ કરાવાયું હતું. આ વ્‍યવહાર ૨૦૧૯માં થયો હતો. મેં નિયમીત વ્‍યાજ પણ ચુકવ્‍યું હતું. પરંતુ સમય જતાં આ લોકોએ વ્‍યાજ ચડાવી રૂા. ૨૫ લાખની માંગણી ચાલુ કરી ધાકધમકી આપવાનું શરૂ કર્યુ હતું. તેમજ ડો. અભય મોલીયાએ મારી જાણ બહાર જ મારી જમીન બારોબાર બીજાને ૭૦ થી ૮૦ લાખમાં વેંચી દઇ લીલાવંતીબેન વીરડીયાના નામે દસ્‍તાવેજ કરી આપ્‍યો હતો અને મારી સાથે છેતરપીંડી કરી હતી.

ઉપરોક્‍ત વિગતોને આધારે પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમે ગુનો નોંધી ડોક્‍ટર સહિત બંનેની ધરપકડની તજવીજ કરી હતી.

(3:50 pm IST)