Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

‘તમે લોન ચોર છો, ડિફોલ્‍ટર છો'...તેવા મેસેજ વાયરલ કરવાની ધમકી દઇ નાણા પડાવ્‍યા!

કોઇન કેશ અને ટ્રસ્‍ટેડ મની એપ પરથી ઓનલાઇન લોન લેવા જતાં બે યુવાન ફસાયા:એક યુવાને ૩૦ હજારની લોનની પ્રોસીઝર કરી તેમાં ૧૮૦૦ જ મળ્‍યાઃ એ પછી લોન તત્‍કાલ ભરવાનું કહી ધમકાવતાં તેણે ૩૦૦૦ ભરી દીધાઃ બીજા કિસ્‍સામાં ૫૫ હજારની લોન લેનાર સાથે પણ આવુ જ થતાં તેણે ૩૪૭૦૦ સામે ૬૦ હજાર ભર્યા છતાં મેસેજ વાયરલ કરાયાઃ સાયબર ક્રાઇમ પોલીસે ગુના નોંધ્‍યા

રાજકોટ તા. ૧૮: ઓનલાઇન છેતરપીંડીના અનેક કિસ્‍સાઓ બની ચુક્‍યા છે. રોજબરોજ અલગ અલગ સ્‍થળો પર લોકો ગઠીયાઓના શિકાર બનતાં રહે છે. દરમિયાન શહેરના બે વ્‍યક્‍તિએ ઓનલાઇન લોન માટે કરેલી પ્રોસીઝરને કારણે તેની સાથે છેતરપીંડી થઇ હતી. આ બંનેમાં એક યુવાને ૩૦ હજારની લોન માંગતા તેને ૧૮૦૦ રૂપિયા જ મળ્‍યા હતાં અને બાદાં તેને લોન ભરતાં નથી, તમે લોન ચોર છો? એવા ફોન કરી આ મેસેજ વાયરલ કરી દેવાની ધમકી આપતાં તેણે રકમ પાછી આપી દીધી હતી છતાં વધુ રકમ માંગી ધમકી અપાઇ હતી. તો બીજા કિસ્‍સામાં એક યુવાને ૫૫ હજારની લોન માંગતા ૩૪૭૦૦ તેને ચુકવાયા બાદ તેને પણ ધમકાવીને ૬૦ હજાર પડાવી લીધા હતાં અને વધુ પૈસા માંગી તે લોન ચોર છે તેવા મેસેજ તેના સગાને મોકલી દીધા હતાં!

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે મવડી જીવરાજ પાર્કમાં ધ કોટયાર્ડ ફલેટ નં. ૪૦૪માં રહેતાં અને કાપડની દૂકાન ચલાવતાં રજનીકાંતભાઇ અરજણભાઇ સાણજા (ઉ.૪૨)ની ફરિયાદને આધારે અવિનાશ મિશ્રા તથા વડીચરલા હરિહરન નામના શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે. રજનીકાંતભાઇને પૈસાની જરૂર હોઇ ગૂગલ પ્‍લેસ્‍ટોરમાંથી ટ્રસ્‍ટેડમની નામની એપ ડાઉનલોડ કરી લોન માટે એપ્‍લાય કરતાં આધારકાર્ડ, સેલ્‍ફી ફોટો સહિતના કાગળો મંગાતાં તેણે આપ્‍યા હતાં. એ પછી એપની અંદર જતાં લોન માટે અલગ અલગ ઓપ્‍શન અપાયા હતાં. જેમાંથી તેણે માય લોન-૩૦૦૦૦નું ઓપ્‍શન પસંદ કર્યુ હતું. આ પછી તેના બેંક એકાઉન્‍ટમાં માત્ર રૂા. ૧૮૦૦ જમા થયા હતાં. એ પછી વ્‍હોટ્‍સએપ કોલ આવ્‍યો હતો અને કહેવાયું હતું કે તમને લોનના ૩ હજાર આપ્‍યા છે તે આજે ને આજે ભરપાઇ કરવાના છે, જો નહિ કરો તો તમારા સગા સંબંધીને તમે ડિફોલ્‍ટર અને લોન ચોર છો તેવા મેસેજ કરી દઇશું.

આથી ગભરાયેલા રજનીકાંતભાઇએ કોલ કરનારે જણાવેલ યુપીઆઇ આઇડીમાં અવિનાશ મિશ્રાને ૧૨૦૦ અને વડિચરલા હરિહરનને રૂા. ૧૮૦૦ ગૂગલ પેથી મોકલી દીધા હતાં. આમ છતાં તેને અલગ અલગ નંબરો પરથી વ્‍હોટ્‍સએપ કોલ અને મેસેજ કરી લોન ભરેલી નથી તેવા મેસેજ આવતાં હતાં. તેમજ બદનામ કરવાની ધમકી અપાતી હતી. બીજા બનાવમાં રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતાં અને વાસણ સાફ કરવાના લિક્‍વીડનો વેપાર કરતાં રવિન્‍દ્રભાઇ મગનભાઇ વાઘેલા (ઉ.૩૩)એ પણ લોન મેળવવા માટે કોઇન કેશ એપના સંચાલકો અને બે વર્ચ્‍યુઅલ વ્‍હોટ્‍સએપ નંબરના ધારકો સામે ફરિયાદ કરી છે. આ યુવાને કોઇન કેશ એપ મારફતે લોન મેળવવા એપ્‍લાય કરતાં ૨૧ હજાર, ૧૩ હજાર અને ૨૧ હજાર એવા ત્રણ ઓપ્‍શન આવતાં તેણે ત્રણેય ઓપ્‍શન સિલેક્‍ટ કરી ૫૫ હજારની લોન માંગી હતી. પ્રોસીઝર થયા બાદ તેના ખાતામાં રૂા. ૩૪૭૦૦ જમા થયા હતાં. ત્‍યારબાદ વર્ચ્‍યુઅલ નંબરથી ફોન કરી ધમકાવવાનું અને લોન લીધી છે તે તાત્‍કાલીક નહિ ભરો તો તમે લોન ચોર છો, ડિફોલ્‍ટર છો તેવા મેસેજ તમારા સગાને મોકલી દઇશું તેમ કહેવાતાં તેણે રૂા. ૬૦ હજાર ભરપાઇ કરી દીધા હતાં. આમ છતાં વધુ રકમ માંગી તેના સગાને મેસેજ કરી દેવાયા હતાં. સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. દિપકભાઇ પંડિતે બંને ગુના દાખલ કર્યા બાદ એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ કે. જે. મકવાણાએ તપાસ શરૂ કરી છે.

(3:52 pm IST)