Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

'તું મારી ભેગો રહે, મારા ઘોડાને સાચવવા મદદ કરવી પડશે': માતા-પુત્રને અનીશ ગોલીએ ધમકી દીધી

રઘુનંદન સોસાયટીમાં બનાવઃ એક મહિનાથી સતત ધમકી આપતો : મીનાબેન આહુજાની પ્રનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૮ : પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં ઘોડાને સાચવવા બાબતે બજરંગવાડીમાં શખ્સે માતા અને તેના પુત્રને સતત જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પોપટપરામાં આવેલી રઘુનંદન સોસાયટી શેરી નં. ૩/૬ના ખૂણે રહેતા મીનાબેન કમલેશભાઇ આહુજા (ઉવ.૪૮)એ પ્રનગર પોલીસ મથકમાં બજરંગવાડીમાં રહેતા અનીશ ગોલી સામે ફરિયાદ નોંધાવી છે. મીનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે બ્યુટી પાર્લરનું કામ કરે છે. પોતાને સંતાનમાં એક પુત્ર છે. આજથી આશરે ચારેક વર્ષથી પુત્ર સચીન (ઉવ.૨૪)ને બજરંગવાડીમાં રહેતા અનીશ ગોલી સાથે મીત્રતા હતી. અને અનીશ ગોલી પોપટપરામાં પોતાના ઘોડા રાખતો હોય જેથી પુત્ર સચીન તેની સાથે અવાર-નવાર જતો હતો. બાદ પુત્ર સાથે તેને અણબનાવ થતા તેની સાથે ફરવાનું બંધ કરી દીધેલ. જેથી આ અનીશ ગોલીએ પુત્ર સચીનને ધમકાવવાનું ચાલુ કર્યું હતું. અને કહેલ કે 'તુ મારી ભેગો રહે અને મારા ઘોડાને સાચવવા મને મદદ કરવી પડશે. અને તારે આવવું જ પડશે.' તેમ કહેતા તે માથાભારેની છાપ ધરાવતો હોવાથી પોતે ગભરાઇ ગયેલ જેથી પુત્ર અને તેની પત્નીને ૧૫ દિવસ પહેલા સુરત મોકલી દીધા હતા. ગત તા. ૧૭ના રાત્રે પોતે ઘરે હતા. ત્યારે આ અનીશ ગોલીનો પોતાના મોબાઇલ ફોનમાં ફોન આવેલ અને કહેલ કે 'તારા દીકરાને તું અહીં પાછો લાવ બાકી હું તેને છોડીશ નહીં' તેમ ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ અનીશ ગોલી પોતાને અવાર નવાર મોબાઇલ ફોન ઉપર છેલ્લા એક મહિનાથી ધમકીઓ આપતો હોય તેથી પોતે તેના દીયરને વાત કરતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પી.એસ.આઇ એ.આર.વરૃએ તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)