Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મુળી સ્‍વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્‍દી મહોત્‍સવ

આ મંદિરનું નિર્માણ ખુદ ભગવાન સ્‍વામિનારાયણે કરાવેલું : ઇતિહાસની ઝલક : તા. ૨૦ થી ૨૬ સુધી આયોજન : ૪૦૦ એકરમાં ડોમનું નિર્માણ : મુખ્‍યમંત્રી-રાજ્‍યપાલ સહિતની હસ્‍તીઓ પધારશે : વિવિધ કાર્યક્રમો

રાજકોટ : મુળી સ્‍વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્‍દી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન થયું છે. આ મંદિરના ઇતિહાસની ઝલક માણીએ.

સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકના સુરેન્‍દ્રનગરથી આશરે ૨૨ કિલોમીટર દુર આવેલુ મુળી ગામ પ્રાચીન રીતે પાંચ હજાર વર્ષો પહેલા તીર્થસ્‍થાનનો દરજ્જો પ્રાપ્ત કરી ચુકેલુ એક એતિહાસિક ધાર્મિક સ્‍થળ છે.

પૌરાણિક માન્‍યતાઓ પ્રમાણે ભગવાન વિષ્‍ણુના આઠમાં અવતાર ગણાતા ભગવાન શ્રીકૃષ્‍ણ તેમના મોટા ભાઈ બળદેવ સાથે જયારે મથુરાથી પ્રવાસ કરીને દ્વારકા સુધી જઈ રહ્યા હતા ત્‍યારે તેમણે મુળીમાં રોકાણ કર્યું હતું અને આ કારણથીજ ઈતિહાસમાં મુળીને દ્વારકાનું મૂળ માનવામાં આવે છે.

ખુદ ભગવાન શ્રી સ્‍વામિનારાયણે તેમના ભક્‍તોને આશીર્વાદ આપવા માટે તેમના સંતો સાથે દૂર દૂર સુધી પ્રવાસ કર્યો હતો અને જે જે સ્‍થળોની તેમણે મુલાકાતો લીધેલી તે તમામ સ્‍થળોને પવિત્ર ધાર્મિક કેન્‍દ્રો (પ્રસાદી સ્‍થાનો) ગણવામાં આવે છે.

ભગવાન શ્રી સ્‍વામિનારાયણના રોજીંદા જીવનની ઉપયોગી ચીજ વસ્‍તુઓ જેવી કે તેમના કપડાં, શષાો, ગાડીઓ, પાલખી, પગરખાં વગેરે તેમજ તેમના નખ અને વાળ આજે તેમના ભક્‍તો માટે ઉપલબ્‍ધ છે.ᅠગુજરાતમાં શ્રીહરિએ ઉત્તર ગુજરાત, ચરોતર, કચ્‍છ, કાઠિયાવાડ, ભાલ વગેરે જેવા પ્રાંતોમાં ગામડાઓ અને નગરોનો પ્રવાસ કર્યો હતો અને અંતમાં તેઓ સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથક તરીકે પ્રખ્‍યાત વિસ્‍તારમાં પહોંચેલા જયાં તેમણે દેરીગણી, સારંગપુર, શિયાણી, તાવી, લીંબડી, ધાંગધ્રા, હળવદ, ચરાડવા, મૈથાણ, ભદ્રેશી, વઢવાણ વગેરે ગામોની મુલાકાતો લીધેલી.

આ ઉપરાંત તેમણે દ્વારકાના આધાર તરીકે આદરણીય મુળીધામની મુલાકાત લીધી જયાં ભગવાન દત્તાત્રેયનો આશ્રમ રાખ્‍યો હતો. જેમાં અલારકા વાવ (પગથીયાવાળો કૂવો) આજની તારીખે પણ મોજુદ છે. આ પગથિયાનો કૂવો ભગવાન દત્તાત્રેયના શિષ્‍ય રાજા અલાર્કાએ બાંધ્‍યો હતો.

શ્રીજી મહારાજ કે જેઓ શ્રી હરિના નામથી પણ ઓળખાય છે તેઓ વર્ષ ૧૭૯૯માં ઉદ્ધવજીના અવતાર રામાનંદ સ્‍વામીને મળ્‍યા જેમના દ્વારા સાલ ૧૮૦૦માં તેમને ઉદ્ધવ સંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવી અને તેમને સહજાનંદ સ્‍વામી એવું નામ પણ આપવામાં આવ્‍યું અને ત્‍યારબાદ વર્ષ ૧૮૦૨માં જેતલપુર ખાતે તેમના સદગુરુએ અક્ષરધામ જતા પહેલા ઉદ્ધવ સંપ્રદાયનું નેતૃત્‍વ તેમને સોંપ્‍યું હતું.

જયારે શ્રીજી મહારાજ લોયા-નાગડકામા આવતા ત્‍યારે તેઓ કાઠી    ભક્‍તોમાં સૌથી ઉમદા અનુયાયી અને મુળી રાજયના રાજકુમાર રામભાઈની પૂજા સ્‍વીકારીને આખા ગામ પર પોતાની કૃપા વરસાવતા.

શ્રી મહારાજની કૃપા દ્રષ્ટિ મુળી પર કાયમ વરસતી રહે તે હેતુથી દરબાર શ્રી રામભાઈએ મુળી રાજયની રાજધાની મુળી ખાતે શ્રી સ્‍વામીનારાયણ મંદિરના નિર્માણ હેતુ વિક્રમ સંવત ૧૯૭૯માં એક વિશાળ  જમીનનો ટુકડો ભેટમાં આપેલો.

શ્રીજી મહારાજે લોયા ગામથી તાત્‍કાલીક્‍પણે રાધા-કૃષ્‍ણની દિવ્‍ય મૂર્તિઓ મંગાવી અને સદગુરૂ શ્રી બ્રહ્માનંદ સ્‍વામીને તેમની ઈચ્‍છા મુજબ સુંદર મંદિર બનાવવાની સુચના આપી અને તેમને એમ પણ કહ્યું કે તેમનું કાર્ય પૂરું થયા પછીજ તેમણે અક્ષરધામ આવવું.

શ્રી બ્રહ્માનંદ સ્‍વામીએ શ્રી હરિના આદેશને પોતાનું સૌભાગ્‍ય સમજીને તાબડતોડ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્‍યું અને મંદિર બનાવવાની જગ્‍યાએ પથ્‍થરો અને ભુગ્રર્ભ જળના સંદર્ભમાં ઘણી બધી અડચણો અને તકનીકી મુશ્‍કેલીઓ હોવા છતાં પણ દરેકને યેન કેન પ્રકારે પાર પાડીને એક ભવ્‍ય અને વિશાળ મંદિરનું નિર્માણ કરાવ્‍યું જે આજે પણ શિલ્‍પ, સ્‍થાપત્‍ય અને માળખાકીય ઈજનેરીની ઉત્‍કૃષ્ટ કળા માટે એક આદર્શ નમુનો છે જેનો બ્રાહ્ય દેખાવ એરો પ્‍લેનના આકાર જેવો છે.

મંદિરના કેન્‍દ્રમાં શ્રી રાધા કૃષ્‍ણ અને હરિ કૃષ્‍ણ મહારાજની મૂર્તિઓ અને છબીઓ છે તો જમણી બાજુએ ધર્મ ભક્‍તિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવી છે.

મંદિરની ઉતરમાં શંકર પાર્વતીની મૂર્તિઓ આવેલી છે તો દક્ષિણમાં રણછોડરાયની મૂર્તિ ઉપરાંત તે બાજુએ આવેલ વિશાળ સભા મંડપ સત્‍સંગની મહાન પરંપરાનો સાક્ષી છે. મંદિરની પヘમિે આવેલી ચોકીમાં હનુમાનજી અને ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત છે તેમજ પશ્ચિમ ઉતર દિશામાં લીંબુનો ઝાડ અને પ્રસાદીનો કુવો છે. મંદિરના મુખ્‍ય દ્વારની બહાર દાતાત્રેયના રાજવી અલાર્ક દ્વારા બાંધવામાં આવેલ એક પ્રાચીન પગથીયું આવેલ છે જેમાં શ્રીજી મહારાજે ઘણી વખત સ્‍નાન કરેલું છે. આમ આ જગ્‍યાએ પ્રસાદીના ઘણા સ્‍થળો આવેલા છે જેમાનું લાકડામાં સુંદર કોતરણીથી સુશોભિત લાકડાની હવેલી પણ પ્રસાદીનું એક આવુજ સ્‍થળ છે.

મુળી ખાતે બાંધવામાં આવેલું આ સ્‍વામીનારાયણ મંદિરમાં ૭૮ થી ૮૪ જેટલા અખંડ સ્‍તંભો છે અને તે બે વર્ષથી ઓછા સમયમાં બાંધવામાં આવ્‍યું હતું જે આજના આધુનિક યુગમાં પૂરતા શસ્ત્ર સરંજામ સાથે પણ આટલી ઝડપથી બનાવવું અકલ્‍પનીય છે અને આ મંદિર ભગવાન સ્‍વામિનારાયણની ઉપસ્‍થિતિમાં તેમના શ્રમદાન સાથે પ્રસાદીરૂપે બનાવાયું છે.

શ્રીજી મહારાજે કુલ ૩૨ વખત મુળીધામની મુલાકાત લીધી હતી જેમાં ઓછામાં ઓછા ૧૫ દિવસથી વધુમાં વધુ ૧૫ મહિનાઓ સુધીનું  તેમનું રોકાણ ભક્‍તોને તેમના દર્શનથી આશીર્વાદ આપે છે અને આ પવિત્ર મુળીધામની ભૂમિને શ્રીજી મહારાજની મુલાકાતોથી તેમના આશીર્વાદથી  વધુ પવિત્ર બનવા પામી છે જેના કારણે આ પવિત્ર સ્‍થળ યાત્રિકો માટે શ્રદ્ધાનું કેન્‍દ્ર બની ગયું છે.ᅠશ્રીજી મહારાજ સાથે આ સ્‍થળની સાથે એવું મજબૂત જોડાણ છે કે ભક્‍તો આજે પણ મુળીધામમાં દિવ્‍યતા અને આનંદની અનુભૂતિનો અહેસાસ કરી શકે છે.

મુળીધામમાં સત્‍સંગ સદગુરુ રામાનંદ સ્‍વામીના સમયથી અસ્‍તિત્‍વમાં  છે અને ᅠરાજા રામાભાઈ અને તેમનો પરિવાર જયારે તેમના મહેલમાં રામાનંદ સ્‍વામીના સત્‍સંગનું આયોજન કરતા ત્‍યારે તેમની મુલાકાતો દરમિયાન શ્રીજી મહારાજ એ જ મહેલમાં રોકાતા હતા.

ભગવાન સ્‍વામિનારાયણે અક્ષરધામમાં તેમના પ્રસ્‍થાન પહેલાં તેમના અનુગામી તરીકે આચાર્યો અથવા ઉપદેશકોની એક શ્રેણી સ્‍થાપિત કરવાનું આયોજન કર્યું હતું જેના ફળ સ્‍વરૂપે તેમણે નેતૃત્‍વની બે મૂળ ગાદીઓ સ્‍થાપી જેમાંની એક બેઠક અમદાવાદ ખાતેની ‘નર નારાયણ દેવ ગાદી' અને બીજી બેઠક વડતાલ ખાતે ‘લક્ષ્મી નારાયણ દેવ ગાદી' ૨૧ નવેમ્‍બર ૧૮૨૫ના રોજ સ્‍થાપિત કરેલી હતી.

 શ્રીજી મહારાજ મંદિરોને બાંધવામાં તેમજ તમામ હિંદુઓને એકસાથે લાવવા ઈચ્‍છતા હતા અને આથી તેમની આ ઈચ્‍છાને પરિપૂર્ણ કરવા માટે સદગુરુ બ્રહ્માનંદ સ્‍વામીએ મુળીધામ, વડતાલ અને જૂનાગઢ ખાતે અત્‍યંત વિસ્‍તૃત મંદિરોનું નિર્માણ કરાવ્‍યું હતું જેમાંᅠત્રણ, પાંચ કે નવ ટાવર (શિખર) ને સમાવતા નવી શૈલી રજૂ કરવામાં આવી હતી.ᅠ

આમ મુળીધામ, વડતાલ અને જૂનાગઢ ખાતે બાંધવામાં આવેલા  આ ત્રણેય મંદિરો ભગવાન સ્‍વામિનારાયણની હાજરીમાં બાંધવામાં આવેલા નવ મંદિરોમાંના છે જેઓમાં સર્જનાત્‍મક કારીગરી સામેલ છે અને તે વડતાલ ખાતે કમળના આકારનું છે અને મુળીધામ ખાતે વિમાન આકારનું છે. ᅠ

શ્રીજી મહારાજે વેદોમાં મૂકેલી વિધિઓ અનુસાર તમામ મૂર્તિઓ માટે પ્રાર્થના-પ્રાણપતિષ્ઠા સંવત ૧૮૭૯માં મહાસુદ ૫ (૧૭ જાન્‍યુઆરી ૧૮૨૩) ના રોજ કરી હતી.ᅠમંદિરમાં શ્રી હરિકૃષ્‍ણ મહારાજ શ્રી રાધા કૃષ્‍ણ દેવ, શ્રી રણછોડજી-ત્રિકમજી અને શ્રી ધર્મદેવ-ભક્‍તિમાતાની મૂર્તિઓ છે.ᅠ

મંદિરના ઉદઘાટન સમારોહ દરમિયાન શ્રી હરિએ મુળીધામ જન્‍માષ્ટમી અને વસંત પંચમી સમૈયાની મહાનતા તેમના પોતાના શબ્‍દોમાં સમજાવતા કહ્યું હતું કે વસંતપંચમીના દિવસે મૂળી મંદિરમાં મૂર્તિઓના દર્શનનું ફળ ભારતના તમામ પવિત્ર સ્‍થળોની મુલાકાત લેવા કરતા પણ દસ ગણું વધારે ફળ મળે છે અને આથીજ તે દિવસથી દરેક વસંત પંચમીના દિવસે હજારો ભક્‍તો આ મંદિરની મુલાકાતો લે છે અને પ્રાર્થનાઓ કરે છે.ᅠમૂળી સ્‍થિત સ્‍વામિનારાયણ મંદિરે દર પૂનમે મંગળા આરતી અને દર્શન કરવાનો વિશેષ મહિમા પણ પ્રચલ્લિત છે.

આગામી તારીખ ૨૦ થી ૨૬ જાન્‍યુઆરી સુધી મુળી હાઇવે પર ૪૦૦ એકરમાં બનાવાયેલા ડોમમાં આ મંદિરના દ્વીશતાબ્‍દી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરાયું છે જેમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપરાંત ૩૦૦થી વધુ એન.આર.આઈ.પરિવારો હાજરી  આપશે અને લાખોની સંખ્‍યામાં ભક્‍તો વિવિધ કાર્યક્રમો સાથે ભજન અને ભોજનની રંગત માણશે.(૨૧.૨૪)

કમલ એફ. જારોલી

એડવોકેટ અને

નોટરી - રાજકોટ 

૮૧૬૦૩ ૧૧૦૧૬

(4:01 pm IST)