Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

૩૦ જાન્‍યુઆરી સુધી પશુ પક્ષી કલ્‍યાણ પખવાડીયું ઉજવાશે

રાજકોટ તા. ૧૮: એનિલમ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઇન્‍ડિયા દ્વારા પશુ પક્ષી કલ્‍યાણ પખવાડિયું તા. ૧૪ જાન્‍યુઆરીથી ૩૦ જાન્‍યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરવામાં આવ્‍યું છે. આ પખવાડિયા દરમ્‍યાન પશુ પક્ષી કલ્‍યાણ ક્ષેત્રે સંકળાયેલી સંસ્‍થા તેમજ વ્‍યકિતઓને કેટલીક પ્રવૃતિઓ કરવા સૂચનો એનિમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઈન્‍ડિયા દ્વારા આપવામાં આવ્‍યા છે જેમ કે,ગૌ શાળા ચલાવનાર વ્‍યકિતઓને ગૌ મૂત્ર અને ગોબરનાં મહતમ ઉપયોગ તેમજ બાયો ગેસ, પેસ્‍ટરીસાઇઝડ અને ગૌ પ્રોડકટસ અને પંચગવ્‍ય મેડિસિનના ઉત્‍પાદનથી ગૌશાળાને આત્‍મનિર્ભર બનાવવા પ્રશિક્ષણ આપવું, એનિમલ બર્થ કંટ્રોલ અને એન્‍ટિ રેબિસ પ્રોગ્રામનું ગામડે ગામડે આયોજન કરી એ અંગે જાગૃતિ લાવવી, માંદા અને ઘવાયેલા અબોલ જીવોની સારવાર માટે જાગૃતિ અભીયાન શરૂ કરવું તેમજ અબોલ પશુઓ જેવા કે રખડતાં કુતરાઓને ‘એડોપ્‍ટ' કરવા અંગે પણ ઝુંબેશ ચલાવવી, એનિમલ શેલ્‍ટર શરૂ કરવું અને વેટેરનીટી ડોકટર નિમવા, પ્રાણી સંરક્ષણને લગતા કાયદાઓ અંગેના પેમ્‍પલેટ બનાવવા અને સતાધિશોને આપવા જેથી એનિમલ અંગેના કાયદો અંગે જાગરૂકતા આવે, પોતાના રહેણાંકની આસપાસ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્‍યવસ્‍થા કરવી, ઘવાયેલા પશુ પક્ષીની પ્રાથમિક સારવાર અંગેની જાણકારી આપવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવું તેમજ પશુ પક્ષીઓ માટે મેડિકલ કેમ્‍પનું પણ આયોજન કરવું, કતલખાના અંગેના નિયમો વિષે જાગરૂકતા ફેલાવવી સહિતના સૂચનોનો સમાવેશ થાય છે. એનિમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઇન્‍ડિયાના પ્રેસ એન્‍ડ પબ્‍લિકેશન રિલેશન કમિટીના સભ્‍ય મિતલ ખેતાણી એ એનિમલ વેલ્‍ફેર બોર્ડ ઓફ ઇન્‍ડિયાના આ સૂચનોમાં સૌને સહભાગી થવા અપીલ કરી છે.

(4:02 pm IST)