Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પૂ.ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા.નો આજે ૬૫મો જન્‍મદિન

ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્‍ધેય : ૨૪ વર્ષની ભરયુવાન વયે પિતા સાથે દીક્ષા લીધેલ : ૪૧ વર્ષના સંયમ પર્યાયમાં સૌરાષ્‍ટ્ર,મહારાષ્‍ટ્ર,મધ્‍ય પ્રદેશ અને પૂર્વ ભારતમાં વિચરણ

રાજકોટઃસૌરાષ્‍ટ્રના ભાણવડ તાલુકાના ખોબા જેવડા જશાપર ગામમાં રત્‍નકુક્ષિણી માતુશ્રી શાંતાબેન તથા ધમૅ પરાયણ પિતા પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર પરીવારના ખમીરવંતા ખોરડે એક બાળકનું અવતરણ થયું.મણિયાર પરિવારના ચાર સંતાનો મનહરભાઈ, નવીનભાઈ, જશવંતભાઈ અને સૌથી નાના સૌના વ્‍હાલા ધીરજભાઈ.

 પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્‍મ થતાં જ સર્વત્ર આનંદ - હર્ષ છવાઈ ગયો.સમગ્ર માહોલ ધર્મમય બની ગયો.મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્‍યશાળી પરીવાર.ધોમ - ધોમ સાહેબી વચ્‍ચે તેઓનો ઉછેર થતો હતો,પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર ૨૪ વર્ષની ભર યુવાન વયે સ્‍વેચ્‍છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્‍યાગ માગૅ અંગીકાર કરવાનો સંકલ્‍પ જાહેર કર્યો.ગળહસ્‍થાશ્રમમાં રહીને પણ તેઓએ સુધર્મ પ્રચાર મંડળમાં બેજોડ શાસન પ્રભાવના કરેલ.

 મણિયાર પરીવારના મોભી ૫૦૦ વીઘા જમીનના માલિક અને સતત ૫૦ વર્ષ સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્‍ઠાપૂર્વક સેવા પ્રદાન કરનાર એવા પિતા પોપટભાઈએ જોમ - જુસ્‍સાસભર અને ખુમારી સાથે જણાવ્‍યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્‍પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા તૈયાર છું. ઉપલેટાની પૂણ્‍ય અને પાવન ભૂમિ ઉપર તા.૧૫/૨/૧૯૮૨ સોમવારના શુભ દિવસે ૮૦ વર્ષના પોપટભાઈ અને ૨૪ વર્ષના ધીરજકુમાર એટલે પિતા - પુત્ર બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂણૅ અને જાજરમાન દીક્ષા મહોત્‍સવ ઉપલેટામાં ઊજવાયેલ. દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્‍છ સંપ્રદાયના પૂ.મહાત્‍માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સાહેબે ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનું વડું મથક ગોંડલ મુકામે ઉજવાયેલ.

 પૂ.ધીર ગુરૂદેવમાં  વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે. પૂ.ગુરૂદેવ ધીરજ મુનિ મ.સા.સૌ માટે પ્રેરણા સ્‍તોત્ર છે,જે કાર્ય હાથમાં લે છે તે અવશ્‍ય પૂર્ણ કરે છે. જૈન મુખપત્ર શાસન પ્રગતિના તંત્રી રજનીભાઈ બાવીસી, એડવોકેટ કમલેશભાઈ શાહ, ડો. સંજયભાઇ શાહ, ઘાટકોપર સંઘના ટ્રસ્‍ટી મુકેશભાઇ કામદાર તથા મનોજ ડેલીવાળાએ જણાવ્‍યું કે પૂ.ગુરૂદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્‍માઓ પ્રત્‍યે અનહદ લાગણી છે.અનેક આત્‍માઓને દીક્ષાના દાન આપી શાસનને જીવંત રાખવામાં પૂ.ગુરૂદેવ અજોડ કાર્ય કરે છે.કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્‍મા સંયમ ધર્મને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂર્વ શાસન પ્રભાવના કરે છે. ઉપરાંત લોકોના આરોગ્‍ય માટે મેડીકલ સેન્‍ટરની પણ સુવીધા ઉપલબ્‍ધ કરાવેલ છે.

 પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના જન્‍મ દિન અવસરે કોટિ કોટિ વંદન સહ અભિનંદન સાથે શુભ ભાવના ભાવીએ કે ગુરૂદેવ ! આપશ્રી શીઘ્રાતિ શીઘ્ર અજન્‍મા પદને પ્રાપ્ત કરો. (૨૫.૨૦)

: સંકલન :

મનોજ ડેલીવાળા

મો.૯૮૨૪૧૧૪૪૩૯

(4:14 pm IST)