Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જીવદયા અભિયાન કેમ્‍પમાં ૮૦થી વધુ પક્ષીઓની સેવા-સારવાર

રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી

રાજકોટ,તા. ૧૮ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિના રોજ અર્હમ યુવા સેવા ગ્રુપે કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી શ્નઅર્હમ જીવદયા સહાય કેમ્‍પ'નું આયોજન મોદી સ્‍કૂલ પાસે રાખ્‍યું હતું. સવારે ૮ થી રાત્રે ૮ સુધીમાં ૮૦ જેટલાં ઘાયલ અને પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીઓને મુક્‍ત કરી એમને યોગ્‍ય સારવાર આપી, શાતા પમાડવાનો પ્રયાસ કરવામાં આવેલ.

આ કેમ્‍પમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે સ્‍વયં પધારી કાર્યકરો અને ઘાયલ પક્ષીઓને આશીર્વાદ આપ્‍યાં હતાં અને સાથે-સાથે અર્હમના સભ્‍યોને અને સભામાં ઉપસ્‍થિત તથા ઓનલાઇન દરેક ભાવિકોને પ્રેરણા કરી હતી કે, બધાંએ પોતાના વિસ્‍તારની આસપાસ જયાં-જયાં વૃક્ષો પર, building પર, થાંભલા પર જયાં-જયાં પતંગના દોરા દેખાય, તેને કાઢી લેવા જેથી પછીના દવિસોમાં  પણ કોઈ પક્ષીના પગ એમાં અટવાય નહીં.

ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કેમ્‍પની મુલાકાત લઈ, જીવદયાના આ સત્‍કાર્ય માટે, એમનો જીવદયા પ્રેમ દર્શાવેલ. આ સાથે પંડયા સાહેબ (એ.સી.પી. ગાંધીગ્રામ પોલીસ), સી. એમ. શેઠ, અનીલભાઈ દેસાઈ (સીનીયર એડવોકેટ), મહાજન પાજરાપોળના મુકેશભાઈ બાટવીયા, બકુલભાઈ રૂપાણી, સંજયભાઈ મહેતા અને યોગેશભાઈ શાહ, સુજીતભાઈ ઉદાણી, હિતેનભાઈ મહેતા અને નરેન્‍દ્રભાઈ દોશી કેમ્‍પમાં પધારેલ.

મકરસંક્રાતીના બીજા દિવસે પણ પરમ ગુરુદેવની પ્રેરણાથી ડ્રોન કેમેરા દ્વારા રાજકોટ અને આસપાસના વિસ્‍તારમાંથી અનેક ઘાયલ પક્ષીઓને શોધી, એમની સારવાર કરવામાં આવી હતી, એમને બચાવવામાં આવ્‍યાં હતાં.

(4:16 pm IST)