Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્‍ટ લતીપુર દ્વારા ૩૧મીએ સ્‍નેહમિલન - સન્‍માન - સાંસ્‍કૃતિક સમારોહ

રાજકોટ, તા. ૧૮ : ગુજરાતની પરંપરાગત લોકકલાના જતન અને સંવર્ધન ક્ષેત્રે સમર્પિત ૮૨ વર્ષ જૂની કલા સંસ્‍થા શ્રી પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્‍ટ લતીપુર (જી. જામનગર)ના ઉપક્રમે તા.૩૧ જાન્‍યુઆરીના મંગળવારે બપોરે ૨થી ૫ હેમુ ગઢવી નાટયગૃહ, રાજકોટ ખાતે લોક કલાકારો અને લોકકલા સંસ્‍થાઓનો સ્‍નેહમિલન સમારોહ યોજવામાં આવેલ છે.

આ તકે કેન્‍દ્રીય સંગીત નાટક અકાદમી દિલ્‍હીના અધ્‍યક્ષા ડો.સંધ્‍યા પુરેચાજી અને પદ્મશ્રી લોકકલાવિદ જોરાવરસિંહજી જાદવનું સન્‍માન કરાશે. તેમજ સંગીત નાટક અકાદમી દિલ્‍હીના એવોર્ડીઓનું પણ સન્‍માન કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લતીપુરની શ્રી પટેલ રાસ મંડળી ભારતના મોટાભાગના રાજયો અને ૨૫થી વધુ દેશોમાં પારંપારિક લોકકલા રજૂ કરી ચુકેલ છે. ૧૯૪૦માં કે. આણદાણી સુધી ચોથી ચોથી પેઢી નેતૃત્‍વ સંભાળી રહેલ છે. આવનાર નવી પેઢીને દાંડીયા રાસ અને ગરબાની પારંપારિક કલા મળી રહે તે માટે આ સંસ્‍થાના સતત પ્રયાસો રહે છે.

પારંપારિક લોકકલામાં કરેલ સુંદર મંચન બદલ પટેલ પુરસ્‍કાર, ગુજરાત લોકકલા પુરસ્‍કાર, રજત શ્રીફલ, ગુજરાત ગૌરવ, ભારત સ્‍વાભિમાન પુરસ્‍કાર, સ્‍વર્ણિમ ગુજરાત મહોત્‍સવ, યુવા પાટીદાર રત્‍ન પુરસ્‍કાર, ગુર્જર કલા ભૂષણ અને ડો.નેલ્‍સન મંડેલા ગ્‍લોબલ બ્રીલીયન્‍ટ એવોર્ડ સહિતના સન્‍માનો મળી ચૂકયા છે.

ત્‍યારે લોકકલાના જતન અને સંવર્ધન માટે પ્રયત્‍નશીલ શ્રી પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્‍ટ લતીપુર દ્વારા તા.૩૧મીએ રાજકોટ ખાતે સ્‍નેહમિલન અને સન્‍માન સમારોહનું આયોજન થયુ હોય લોકકલા સંસ્‍થાઓ અને લોકકલાકારોમાં અનેરો ઉમંગ છવાયો હોવાનું સંસ્‍થાના શ્રી મહેન્‍દ્રભાઈ આણદાણી (મો.૯૮૨૫૨ ૬૦૩૧૨)ની યાદીમાં જણાવાયુ છે.

(4:17 pm IST)