Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન :ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ તથા આઈ મેડિકલ ચેક-અપ કેમ્પ યોજાયા

નિયમભંગ બદલ વાહનચાલકોને રૂ. ૧૫ લાખથી વધુનો દંડ- ૨૮૧૭ એન.સી. કેસ નોંધાયા

રાજકોટ :રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગત તા. ૧૧ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી ૩૩માં 'માર્ગ સલામતી સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે માર્ગ પર થતા અકસ્માતોના બનાવો નિવારવા અને વાહનચાલકોએ વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા અંગે જાગૃત કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજકોટ શહેર ટ્રાફિક એ.સી.પી. જે. બી. ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન ટ્રાફિક અવેરનેસ માટે યોજાયેલા ૨૩ કાર્યક્રમોનો ૩૩૭૫ લોકોએ લાભ લીધો હતો. ૩ આઈ ચેક-અપ કેમ્પમાં ૨૫૬ વાહનચાલકો અને રાહદારીઓની આંખોનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. અનેક વાહનો ઉપર રીફ્લેક્ટર લાઈટ, રેડિયમ ટેપ અને યલ્લો ટેપ પણ લગાવવામાં આવી હતી. માર્ગ સલામતી વિશે જનજાગૃતિ લાવવા ૧૪૦ જેટલા હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા. શહેરમાં કુલ ૨૮૧૭ નોન કોગ્નીઝેબલ કેસ નોંધવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ ઉપર જ રૂ. ૧૫,૫૬,૨૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.

 આ ઉપરાંત, રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ તથા રાજકોટ આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે ગ્રીન લેન્ડ ચોકડી ખાતે વ્હિકલ બ્રેક ચેક કેમ્પ યોજવામાં આવ્યો હતો. બસ પોર્ટ ખાતે એસ.ટી. બસના ડ્રાઈવર અને કંડક્ટરની આંખોનું ચેક-અપ કરાયું હતું. બાલભવન ખાતે માર્ગ સલામતીના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરથી હનુમાન મઢી ચોકથી કોટેચા ચોક થઈ મહિલા કોલેજ ચોક, જિલ્લા પંચાયત ચોકથી PHQ ચોક તાલીમ ભવન સુધી હેલ્મેટ પહેરી વાહન રેલી મારફતે લોકોને હેલ્મેટ પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગો પર 'વાહન ધીમે ચલાવો', 'ઘરે તમારી કોઈ રાહ જુએ છે' જેવા સૂત્રોના લખાણના બેનરો સાથે રેલી યોજી વાહન અકસ્માતો અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

(12:16 am IST)