Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વિજયભાઇના નેતૃત્વમાં શહેરો - ગામોમાં સુખ - સુવિધાના ઢગલા : રાજુ ધ્રુવ

રાજકોટ - સૌરાષ્ટ્રમાં વિકાસના સર્વશ્રેષ્ઠ શિખરો સર કરવા તરફ ગતિ : ભાજપે પ્રાથમિક સુવિધાઓ સાથે આધુનિક યોજનાઓ આપી : ચૂંટણીઓમાં સર્વત્ર કમળ ખીલશે : રાજુભાઇ

રાજકોટ : ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ કહે છે કે, ગુજરાતમાં ભાજપની સરકારે અને ભાજપશાસિત મહાનગરપાલિકાઓએ ગુજરાતના શહેરોને રહેવાલાયક, માણવાલાયક અને જીવવાલાયક બનાવ્યાં છે. આજે જયારે રાજયમાં છ મહાનગરપાલિકાની અને નગરપાલિકાઓની ચૂંટણી આંગણે આવીને ઊભી છે ત્યારે આ વાતની વિશદ ચર્ચા થવી જોઇએ એવું કહીને રાજુભાઇએ કહ્યું છે કે ગુજરાતના શહેરોનો વિકાસ જોઇને હવે નાગરિકો સમજે જ છે કે વિકાસ અને ભાજપ બન્ને એકબીજાના પર્યાય છે. ભાજપને મત એટલે વિકાસને મત. રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્ર-રાજકોટનો સર્વાંગી વિકાસ કર્યો છે.

ભાજપના પ્રવકતા અને સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી રાજુભાઇ ધ્રુવનો સંપર્ક આગામી ચૂંટણીઓ માટે કરવામાં આવ્યો ત્યારે એમણે વિસ્તૃત વાત અને વિવિધ સંદર્ભો આપતાં જણાવ્યું કે, ગુજરાતના શહેરોની સરખામણી હવે દેશના અન્ય શહેરોની સાથે જ નહીં પરંતુ વિશ્વના કેટલાંક શહેરોની સાથે થાય છે. ગુજરાતની બહારથી લોકો અહીં આવીને વસે છે. એનું કારણ અહીં શાંતિ, સલામતી અને સમૃદ્ઘિ છે. અહીં વિકાસ છે અને આ રાજયના શહેરોની આગવી વિશેષતા છે. રાજકોટની વસતી ૧૯ લાખ છે અને દર વર્ષે અહીં ૩ ટકા વસતી વધે છે. વસતીની દ્રષ્ટિએ રાજકોટ દેશભરમાં વિકાસશીલ સાતમું શહેર છે અને દુનિયામાં એનો ક્રમ બાવીસમો છે.

રાજકોટને છેલ્લા ૪૨ વર્ષમાં ભાજપે એટલું બધું આપ્યું છે કે લોકો હવે અન્ય કોઇ પક્ષ માટે વિચાર પણ કરતા નથી. ધારાસભાની ચૂંટણી હોય, લોકસભાની હોય કે મહાનગરપાલિકાની હોય અહીં ભાજપ સિવાય કોઇનો ગજ વાગે એમ નથી એવું કહીને રાજુભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટને છેલ્લા પાંચ જ વર્ષમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસપોર્ટ મળ્યાં. અહીં એઇમ્સનું કામ પણ શરુ થઇ ગયું છે. નવા અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ બન્યા અને હજી બની રહ્યા છે. રૈયારોડ અન્ડરબ્રીજનું કામ વિક્રમજનક સમયમાં પૂર્ણ કરીને શહેરના લોકોની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લવાયો છે. રાજકોટમાં નાનામવા રોડ અને રૈયારોડ સીમેન્ટ કોંક્રિટના બન્યા છે. આગામી દિવસોમાં હજી નવા રસ્તા પણ એવા જ મજબૂત થશે. તો અહીં વૃક્ષારોપણ પણ ઘનિષ્ટ કરવામાં આવ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકાઓમાં ૩૬ અને નગરપાલિકાઓમાં ૪૫ ઓવરબ્રીજનું નિર્માણ થયું છે. ૭૨ ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય રુ. ૩૦૦૦ કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. ગુજરાતને ફાટકમુકત બનાવવાનું કામ રુ. ૭૪૦૦ કરોડના ખર્ચે હાથ ધરાયું છે. પાંચ વર્ષમાં શહેરી વિસ્તારમાં રુ. ૫૦૮.૪ કરોડોના ખર્ચે ૩૧ રેલવે ફાટક દૂર કરીને ઓવરબ્રીજ અને અન્ડરબ્રીજ રાજયમાં બનાવાયાં છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં મહેસુલ વિભાગની ૧૯ સેવાઓ ઓનલાઇન કરી નંખાઇ છે. ઇ-ગરવીના માધ્યમથી ૧૩ લાખથી વધઆરે દસ્તાવેજોની નોંધણી થઇ છે. ભાવનગરમાં દેશું પ્રથમ સીએનજી ટર્મિનલ બનસે. જે વાર્ષિક ૬ મિલિયન ટન કાર્ગોનું ઉત્પાદન કરશે.

ભ્રષ્ટાચારમુકત ગુજરાતની દિશામાં મક્કમ પગલું ભરાયું છે. જમીન બિનખેતી કરાવવાની પ્રક્રિયા સરળ બનાવાઇ અને ઓનલાઇન પોર્ટલ દ્વારા એનો નિકાલ કરાઇ રહ્યો છે. સાત મહાનગરપાલિકા અને ૧૫ નગરપાલિકાઓમાં સમાન બાંધકામનો નિયમ અમલી બનાવાયો છે. રાજયમાં મહત્ત્।મ સિત્ત્।ેર મીટરની ઊંચાઇના બાંધકામને મંજુરી અપાઇ છે. રાજુભાઇએ ઉમેર્યું કે તમામ મહાનગરો, નગરપાલિકાઓમાં રસ્તાની પહોળાઇ અનુસારના બાંધકામની ઊંચાઇને મંજુરી અપાઇ છે. ૨૦૧૬ પહેલાં રાજયમાં ૨૦૦ ટીપી સ્કીમને મંજુરી અપાઇ હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૧૧ ટીપી સ્કીમને મંજુરી મળતાં શહેરોમાં વિકાસની ગતિ ઝડપી બની છે. જયારે ૪૦ ડેવલમેન્ટ પ્લાન મંજુર થયા છે. શહેરોમાં લો રાઇઝ બિલ્ડીંગ માટે ઓફ પ્લાન પાસીંગ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે અને ફકત ૨૪ કલાકમાં બાંધકામની ઓનલાઇન પરમિશન મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત તથા ગાંધીનગરમાં હવે ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું ઐતિહાસિક પગલું ભાજપ સરકારે લીધું છે. ૨૨ માળના મકાનો તો રાજકોટ અમદાવાદમાં વર્ષોથી બની શકે છે હવે ૭૦ માળના મકાન પણ બાંધી શકાશે. રાજુભાઇએ ઉમેર્યું કે સૌરાષ્ટ્રના ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી હંમેશા રહેતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીની ત્વરિત નિર્ણયશકિત તથા ઝડપી કામ કરાવવાની ક્ષમતાને લીધે સૌની યોજના અમલી બની છે જેના પરિણામે રાજકોટ, ગોંડલ, વાંકાનેર, જેતપુર, બોટાદ, ભાવનગર તથા જામનગર શહેરને પીવાનું પાણી પર્યાપ્ત પ્રાપ્ત થયું છે. સૌની યોજનાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઇ છે. ૨૨ જળાશયોના ૧ લાખ ૬૬ હજાર એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધા મળી છે. ૮૦ લાખ લોકોને પીવાનું શુદ્ઘ પાણી મળે છે. બીજા તબક્કામાં ૫૭ જળાશયોના પોણાચાર લાખ એકર વિસ્તારને સિંચાઇની સુવિધા મળશે.

શહેરી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ઝડપથી વધી રહી છે. છેલ્લા ૨ વર્ષમાં ૨ કરોડ ૩૧ લાખ ઘરોમાં નળથી પાણી પહોંચાડ્યું છે. ૨૬ લાખ ઘરને તબક્કાવાર નળજોડાણ ૨૦૨૨ સુધીમાં મળશે. ભાજપ સરકારે લોકોની સલામતી માટે સાઇબર પોલીસ સ્ટેશન શહેરી વિસ્તારમાં શરુ કર્યાં છે. શહેરોને આટલી બધી સુવિધા આ ભાજપ સરકારે આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં શહેરો-ગામો સુખ-સુવિધાથી છલોછલ છે.

રાજકોટ હોય, ભાવનગર અને જામનગર હોય કે સુરત, વડોદરા અમદાવાદ હોય બધે મહાનરપાલિકામાં પણ ભાજપનું શાસન છે. અનેક પ્રકલ્પો દ્વારા શહેરોને સુવિધાયુકત બનાવાયાં છે ત્યારે મતદારો એવું ચોક્કસ વિચારી રહ્યા છે કે કેન્દ્ર સરકારમાં પણ ભાજપનું રાજ છે. રાજયમાં પણ ભાજપ છે તો પછી આપણા શહેર કે નગરના વિકાસ માટે ભાજપથી શ્રેષ્ઠ બીજો કોઇ વિકલ્પ ન હોય. રાજુભાઇ ધ્રુવે ઉમેર્યું કે આ તમામ કામોને યાદ રાખીને, ધ્યાનમાં રાખીને તા. ૨૧મી ફેબ્રુઆરીએ લોકો પોતપોતાના વોર્ડમાં ભાજપની જ પેનલને મત આપીને વિજેતા બનાવશે. અને ફરી છ મહાનગરપાલિકામાં કમળ પૂર્ણસ્વરુપે ખીલશે.

(3:10 pm IST)