Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મહાનગરપાલિકાની સેવામાં યુવાનો અગ્રસ્થાનેઃ કશ્યપ શુકલ

અદ્યતન લાયબ્રેરી, સરસ રીડીંગ રૂમ, સ્પોટ્ર્સ કોમ્પ્લેકસ રાજકોટમાં ભાજપે બનાવ્યા છેઃ શુકલ- માંકડ- ચાવડા- પાંધીનો લોકસંપર્કઃ ઠેર-ઠેરથી આવકાર

રાજકોટ તા. ૧૮: રાજકોટ મહાનગરપાલિકાનો જે ચૂંટણી ઢંઢેરો-સંકલ્પના બહાર પડી છે એમાં યુવાનો માટે ઘણી બધી યોજનાનો ઉલ્લેખ છે. રાજકોટ ભાજપ અને મહાનગરપાલિકાની એ વર્ષો જુની પરંપરા છે કે યુવાનોને પ્રોત્સાહન આપવું અને અગ્રતા આપવી અહીં બાળકો માટે ટોયઝ લાયબ્રેરી અને આંગણવાડી છે તો બહેનો માટે મોબાઇલ લાયબ્રેરી છે.

શહેરના પુર્વ કોર્પોરેટર કશ્યપ શુકલે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ યુવાનોને હંમેશા કેન્દ્રમાં રાખ્યા છે રાજકોટના રેસકોર્સ સંકૂલમાં દરરોજ સેંકડો લોકો ચાલે છે. વોકિંગ પાથ છે. અંદર એથ્લેટિક ગ્રાઉન્ડ છે. ત્યાં વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ થાય છે અને એ સિવાય પણ અનેક લોકો સાયકલીંગ કરે છે રનીંગ કરે છે. શહેરના દરેક ઝોનમાં અદ્યતન સુવિધાઓ અને પ્રશિક્ષકો સાથેના સ્વીમીંગ પુલ છે. તો ત્યાં જ ઇનડોર સ્ટેડીયમ છે. બેડમીંગ્ટન, ટેબલ ટેનિસ સહિતની ઇનડોર રમતો ત્યાં સતત રમાય છે. ટીન એજના બાળકોથી લઇ મોટી વયના લોકો ત્યાં સ્વાસ્થ્ય વર્ધન માટે પ્રયાસ કરે છે અને રમતનો પોતાનો શોખ પણ પૂર્ણ કરે છે. આગામી દિવસોમાં પણ શહેરના યુવાનો માટે આવા આયોજનો થશે.

કશ્યપભાઇએ ઉમેર્યું કે વોર્ડ નં. ૭ના ઉમેદવાર ડો.નેહલ શુકલ, દેવાંગ માંકડ, જયશ્રીબહેન ચાવડા, વર્ષાબહેન પાંધી મહિલાઓ માટે અને યુવાનો માટે કંઇક નવું અને વિશેષ કરવા તત્પર છે. આગામી પાંચ વર્ષમાં પણ આવા પ્રકલ્પો હાથ ધરાશે. યુવાનોનો આ પેનલને અપૂર્વ ટેકો છે.બાજુમાં જ ક્રિકેટ મેદાન છે ત્યાં વિવિધ સંસ્થાઓ વર્ષભર ક્રિકેટ કોચીંગ કેમ્પનું આયોજન કરે છે. હોકી અને ફૂટબોલના મેદાનોમાં પણ યુવાનો રમતની તાલીમ લે છે. રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાની અનેક ટુર્નામેન્ટ ત્યાં રમાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ ઉપરા ઉપરી બે વર્ષ હાફ અને ફૂલ મેરેથોન રનનું આયોજન કર્યું હતું લગભગ ત્રીસેક હજાર યુવક-યુવતીઓ એમાં જોડાયા હતા અને સ્વચ્છતાનો સંદેશ એમણે ફેલાવ્યો હતો. યુવાનોનો ઉત્સાહ વધે એવા કાર્યક્રમો થતા રહે છે.

 કોર્પોરેશન દ્વારા સૌથી મોટી સુવિધા યુવાનોને અદ્યતન લાયબ્રેરી અને રીડીંગ રૂમની આપવામાં આવે છે. હજારો વિદ્યાર્થીઓ વાંચનાલયમાં સવારથી સાંજ જઇને પોતાના અભ્યાસનું, રૂચિનું વાંચન કરે છે. ઘરે સગવડ ઓછી હોય એવા અનેક વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા  ઉપયોગી છે. કોર્પોરેશન સંચાલિત અદ્યતન લાયબ્રેરીમાં આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડે છે.

યુવાનોમાં પણ ઉત્સાહ છે કે કયારે ૨૧મી ફેબ્રુઆરી આવે અને કયારે આપણે પણ કમળનું બટન દબાવીને રાજકોટ મહાનગરપાલીકાનું સુકાન પુનઃ ભાજપને સોંપવાનો લ્હાવો લઈએ.

(3:15 pm IST)