Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

આફ્રિકા-બ્રાઝીલથી આવનારા નવો કોરોના સ્ટ્રેન લઇ આવે તેવી ભીતીઃ નજર રાખવા સરકારની તાકીદ

રાજકોટમાં વિદેશથી આવનારા લોકોનાં સેમ્પલ લઇ પુના તપાસમાં મોકલાશેઃ આજે બપોર સુધીમાં માત્ર ૮ કેસ

રાજકોટ, તા., ૧૮: દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલથી આવેલા કોરોનાના નવા વેરીએન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓ ભારતમાં મળી આવ્યા બાદ રાજય સરકાર દ્વારા વિદેશથી આવતા લોકો પર નજર રાખવા  વિદેશથી આવનાર લોકોના સેમ્પલ લઇ પુના તપાસમાં મોકલવા રાજય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના માત્ર ૮ કેસ નોંધાયા છે.

દેશમાં બ્રિટન પછી દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યા છે. આ દેશમાંથી આવતા મુસાફરો  સાથે વિશેષ તકેદારી રાખવામાં આવશે અને તેઓના એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સરકાર દ્વારા કોર્પોરેશનના આરોગ્ય વિભાગને છેલ્લા અઠવાડીયામાં આફ્રિકા અને બ્રાઝીલથી આવેલા મુસાફરોનું લીસ્ટ મોકલવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં એક પણ મુસાફર ત્યાંથી આવેલ નથી. આગામી સમયમાં કોઇ આફ્રિકા કે બ્રાઝીલથી  શહેરમાં આવે તો તેઓના સેમ્પલ લઇ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

બપોર સુધીમાં ૮ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૮ં નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  પોઝીટીવ કેસ ૧૫,૭૭૩ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૪૮૫ લોકો સાજા  થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૧૭  ટકા  રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૯૬૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૫૩ ટકા થયો  હતો. જયારે ૩૫ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૮૫,૧૮૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૭૭૩ સંક્રમીત  થતા પોઝિટિવ રેટ ૨.૭૦ ટકા થયો છે.

(3:18 pm IST)