Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેક કમિટિ દ્વારા મૂલ્યાંકન શરૂ કુલપતિ પેથાણીનું અસરકારક પ્રેઝન્ટેશનઃ સભ્યો પ્રભાવીત

લાયબ્રેરી અને ૮ શૈક્ષણિક ભવનોની મુલાકાત લઈને ગુણવત્તા ચકાસણી

રાજકોટ, તા. ૧૮ :. ઉચ્ચ શિક્ષણમાં દર પાંચ વર્ષે તેની શૈક્ષણિક સુવિધાની ચકાસણી કરવા યુજીસી દ્વારા તજજ્ઞોની નેક કમિટિ દ્વારા મૂલ્યાંકન થાય છે. આજે યુજીસીની નેક કમિટિ દ્વારા ત્રણ દિવસીય ગુણવત્તા ચકાસણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે.

નેક પીઅર ટીમના ચેરમેન ડો. પંડીત વિદ્યાસાગર, ડો. ધર્મેન્દ્રકુમાર, ડો. પી. સુબ્રમણ્યમ, પ્રો. સંદીપ જૈન સહિત ૬ સભ્યોએ આજે સવારે ૯ કલાકથી પ્રારંભ થયુ. પ્રારંભીક તબક્કે તમામનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

નેક પીઅર ટીમ સમક્ષ કુલપતિ પ્રો. નિતીનભાઈ પેથાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિ અને આવનારા દિવસોમાં થનારા નવા પ્રકલ્પો અને વિદ્યાર્થી કલ્યાણની પ્રવૃતિનો ચિતાર રજૂ કર્યો હતો. કુલપતિ પ્રો. નિતીનભાઈ પેથાણીના અસરકારક પ્રેઝન્ટેશનથી નેક પીઅર ટીમ ખૂબ પ્રભાવિત થઈ હતી. 

નેક પીઅર ટીમ સમક્ષ આઈકયુએસીના ડાયરેકટર ડો. ગીરીશભાઈ ભીમાણીએ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિ અને ભૌતિક સુવિધાઓ વર્ણવી હતી. નેક પીઅર ટીમ દ્વારા પ્રથમ લાયબ્રેરી બાદ ૮ શૈક્ષણિક ભવનોની મુલાકાત લેવામાં આવી હતી.નેક કમિટીની આઈકયુએસીના ચેરમેન ડો. નિતીનભાઈ પેથાણી, કુલનાયક વિજયભાઈ દેશાણી, ડાયરેકટર ગીરીશભાઈ ભીમાણી, રજીસ્ટ્રાર જતીનભાઈ સોની, સમીરભાઈ વૈદ્ય, હતેન્દ્રભાઈ જોશી સહિતના સાથે રહ્યા છે.

(3:56 pm IST)