Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડામાં પશુઓની કાળજી માટે પ્રશાસન સતર્કઃ રાજકોટ જીલ્લામાં ૧૧ વેટરનરી ડોકટરો સજજ

વાવાઝોડામાં પશુઓની કાળજી – રક્ષણ માટે પ્રશાસન સતર્ક રાજકોટ જીલ્લામાં તાલુકાદીઠ

રાજકોટ તા.૧૮,  અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડુ ઝડપથી આગળ ધપતું હોય વાવાઝોડાની સંભવિત અસરથી રાજકોટ જિલ્લાના પશુધનને બચાવવા જિલ્લા પ્રશાસન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના (સ્ટેટ) નાયબ પશુપાલક નિયામક કે.યુ. ખાનપરાએ જિલ્લાના પશુપાલકોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, વાવાઝોડાની આ સંભવિત પરિસ્થિતિમાં અતિવૃષ્ટિ જેવા પ્રસંગોએ તેમના પશુઓને બચાવવા માટે પશુઓને સાંકળ/દોરીથી બાંધીને ન રાખવા, જેથી પશુઓ બંધન મુકત હશે તો પુર જેવા પ્રસંગે પોતાનો સ્વબચાવ કરી શકે છે. આ ઉપરાંત પશુઓને ખુલ્લામાં પણ ન રાખવા જેથી વીજળી પડવા સહીતના જોખમથી તે બચી શકે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, પશુઓના રસીકરણની રૂટીન કામગીરી તો ચાલી જ રહી છે, સાથો સાથ પશુઓના નિદાન સારવાર માટે રાજકોટ જિલ્લામાં ૧૬ જેટલી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર ૧૦૬૨ છે. હાલ આપતિના સમયમાં પશુપાલન ખાતા દ્વારા તાલુકા કક્ષાએ લીડર-લાઇઝન ઓફિસર સહિતની ટીમ ઉભી કરી છે. જે ગામડે જઇને પશુઓનું રક્ષણ અને બચાવ કરી શકે. તેમજ પશુપાલકોએ આવી સ્થિતીમાં શું કરવુ જોઇએ તે અંગેનું માર્ગદર્શન આપી શકે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં દવા, ઇંજેકશન, રસી વગેરેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં તાલુકા દીઠ એક એવા અગિયાર વેટરનરી ડોકટરો તેમજ પશુ ધન નિરિક્ષકો છે. તેમની ટીમ પણ અવિરત પશુઓની સારવાર માટે કામ કરી રહી છે. ૧૦૬૨  ઉપરાંત તાલુકાકક્ષાએ પણ પશુઓના નિદાન સારવાર માટેના વાહનો ઉપલબ્ધ હોય છે. તે પણ પશુઓની સારવાર માટે ખુબ ઉપયોગી નિવડે છે તેમ ડો. ખાનપરાએ જણાવ્યુ હતું.

 પશુપાલન ખાતાના અધિકારીશ્રી રાખોલિયાના જણાવ્યા અનુસાર પશુઓને નિચાણવાળા, પાણી ભરાય તેવા, વહેતા નદી કે ઝરણાં પાસેના સ્થળોએ ન બાંધવા, પશુઓને વિજળીના, વિજ વાયરથી નજીકના સ્થળોએ ન બાંધવા, પશુઓને કાચા જર્જરીત રહેઠાણ વૃક્ષ નીચે આશ્રય ન આપવો. વાવાઝોડા દરમિયાન પશુઓને બહાર ચરવા ન જવા દેવા જોઇએ.

આ ઉપરાંત પશુપાલકોએ ૩૨ કલાક ચાલે તેટલો ઘાસચારો પાણીનો સંગ્રહ સુરક્ષિત જગ્યાએ કરી રાખવો જોઇએ. પશુપાલકો પાસે માલિકીની પાકી જગ્યા ઉપલબ્ધ ન હોય તો ગામની સાર્વજનિક સલામત ખુલ્લી જગ્યા જેવી કે ગામની ગૌશાળા/પાંજરાપોળ વગેરે જગ્યાએ પશુઓને રાખવા જોઇએ. તેમ શ્રી રાખોલિયાએ જણાવ્યુ હતું.

(12:09 pm IST)