Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હમારી માંગે પુરી કરો...નર્સિંગ એકતા જિંદાબાદ...ના સુત્રોચ્ચાર

રાજકોટ સિવિલ હોસ્પિટલના ૫૦૦ નર્સ, ૪૫૦ સ્ટુડન્ટની હડતાલઃ ફરજ છોડી ઘરે જતાં રહ્યા

આજે એક દિવસની હડતાલઃ કાલે નિવેડો ન આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ થશે : હડતાલને પગલે સિવિલમાં મેડિકલ સ્ટુડન્ટ, એચએમએસ, આયુર્વેદિક અને હોમીયોપેથી ડોકટર્સને મદદમાં લેવાયા

રાજકોટ તા. ૧૮: યુનાઇટેડ નર્સિસ ફોરમ (યુએનએફ) દ્વારા સરકારની નીતિ સામે વિરોધ દર્શાવવા કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. તે અંતર્ગત પીડીયુ સિવિલ હોસ્પિટલમાં સમુહ પ્રાર્થના, કાળા કપડા પહેરી વિરોધ, થાળી વગાળી વિરોધ સહિતના કાર્યક્રમો અપાયા બાદ આજથી સમગ્ર નર્સિંગ સ્ટાફ (૫૦૦ નર્સ) તથા સમગ્ર નર્સિંગ સ્ટુડન્ટ (૪૫૦ જેટલા સ્ટુડન્ટ્સ) આજે ફરજથી વિમુકત થઇ ઘરે જતાં રહ્યા છે. 'હમારી માંગે પુરી કરો, નર્સિંગ એકતા જીંદાબાદ'ના નારા આજે સવારે પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગ પાસે નર્સિંગ સ્ટાફ અને સ્ટુડન્ટ્સે લગાવ્યા હતાં અને બાદમાં નોકરીમાં હાજર ન થઇ ઘરે જતાં રહ્યા હતાં. આજે એક દિવસની હડતાલ પાડવામાં આવી છે. જો કાલે નિર્ણય નહિ આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ થશે તેમ જણાવાયું છે.

સમાન કામ સમાન વેતન, ઉચ્ચતરનો લાભ ૧૨ અને ૨૪ના બદલે ૧૦,૨૦,૩૦ ક્રમશઃ આપે, આઉટ સોર્સિંગ પ્રથા બંધ, ૪૨૦૦ ગ્રેડ પે, ખાસ ભથ્થા રૂ. ૧૩૦૦થી વધારી ૯૬૦૦ કરવા, નર્સિંગ સ્ટુડન્ટના સ્ટાઇપેન્ડમાં વધારો કરો, નર્સિંગ સ્કૂલ અને કોલેજોમાં સ્ટાફની તાકીદે ભરતી કરો, બદલી બઢતીની કાર્યવાહી ઝડપી બનાવો, ફિક્રસ પગાર પ્રથા બંધ કરો એ સહિતના પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે આંદોલન ચલાવાઇ રહ્યું છે.

અનેક વખત રજૂઆતો છતાં આ પ્રશ્નોનો નિવેડો ન આવતાં અંતે હડતાલનું શસ્ત્ર ઉગામાયું છે. કોરોનાના કાળમાં દર્દીઓને ઇન્જેકશન આપવા, બાટલા ચડાવવા, ઓકિસજન આપવા તેમજ વેન્ટીલેટર પરના દર્દીની માવજત કરવી એ સહિતની કામગીરી નર્સિંગ સ્ટાફ કરે છે. સિવિલ હોસ્પિટલનો એકસાથે ૫૦૦ જેટલો નર્સિંસ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ હડતાલ પર ઉતરી જતાં વોર્ડમાં દર્દીઓની દેખરેખ માટે સમસ્યા ઉભી ન થાય તે માટે સિવિલ હોસ્પિટલ તંત્રએ મેડિકલ સ્ટુડન્ટ, બીએચએમએસ, આયુર્વેદિક ડોકટર, હોમીયોપેથી ડોકટરની નર્સિસ સ્ટાફ તરીકે મદદ લીધી છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:43 pm IST)