Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

રાજકોટ જિલ્લામાં અનેક તાલુકામાં સેંકડો વૃક્ષો પડી ગયા : વીજ તાર તૂટયા : અનેક રસ્તા બંધ થતા યુધ્ધના ધોરણે સમારકામ ચાલુ

ધોરાજી પંથકમાં ૪૦ ઝાડ જમીનદોસ્ત : ૧૩ રસી બંધ હતા તે ચાલુ કરાયા : વીજ ટીમોને પણ દોડધામ

રાજકોટ તા. ૧૮ : રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાઉતે વાવાઝોડાની અસરોને હળવી કરીને જનજીવન પૂર્વવત કરવા જિલ્લા વહીવટીતંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહયું છે.

જામકંડોરણા-ધોરાજી રોડ પર આચવડના પાટિયા પાસે અને તરવડા પાસે એક બાવળ અને ત્રણ પીપરને રોડ પરથી જે.સી.બી. મશીનથી દુર કરીને રોડ ચાલુ કરાવેલ છે. ધોરાજી-પાટણવાવ રોડ પર વૃક્ષ પડી જવાથી વનવિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી રસ્તો ચોખ્ખો કરેલ છે. જસદણ-આટકોટ હાઈવે પર તૂટેલા વૃક્ષને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ગોંડલ નગરપાલીકા વિસ્તારમાં પડી ગયેલા વૃક્ષોને હટાવીને રસ્તો સાફ કરવામાં આવ્યો છે. હીરાસર એરપોર્ટ પાસેના રામપર બેટી ગામ ખાતેથી શ્રમિકોનું સ્થળાંતર કરાયું છે. ફોરેસ્ટ, માર્ગ અને મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે વિભાગો આંતરિક સંકલનથી જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે, તેમ રાજકોટ જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે.

જિલ્લાના ધોરાજી તાલુકામાં તાઉતે વાવાઝોડાની અસરથી તા.૧૮ ના સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૪૦ વૃક્ષો ધરાશાયી થયા હતા, તથા વાવાઝોડા અને ભારે પવનથી ૧૪ રસ્તાઓ બંધ પડી ગયા હતા, પરંતુ વિવિધ સરકારી વિભાગોના સંકલનથી ૧૩ રસ્તાઓને મોટરકાર પ્રકારના વાહનોની અવર-જવર માટે પુનઃ કાર્યરત કરી દેવાયા છે.  વીજ પૂરવઠો બંધ થયેલા ૩ ગામોમાં વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવાયો છે,  તેમ મામલતદારશ્રી, ધોરાજીની યાદીમાં જણાવાયુ છે.

(3:06 pm IST)