Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

માલવીયા ચોક પ્રમુખ સ્વામી આર્કેડમાં રીગલ શુઝ શો રૂમમાં ભીષણ આગ : લાખોનું નુકશાન

મેયર પ્રદિપભાઇ ડવ અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે દોડી ગયા : શો રૂમમાં બુટ-ચંપલ ફર્નિચર તથા અન્ય સામાન બળી ગયો

જ્યાં આગ લાગી તે શો રૂમ નીચેની તસ્વીરમાં મેયર પ્રદિપભાઇ ડવ, મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૧૮: માલવીયા ચોક પાસે આવેલા સ્વામી આર્કેડ બીલ્ડીંગમાં આવેલ રીગલ શુઝ નામની દુકાનમાં ભીષણ આગ લાગતા ફાયરબિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ માલવીયા ચોક પાસે આવેલા સ્વામી આર્કેટ બીલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી બંધ રીગલ શુઝ નામની બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા જોઇ હરદેવસિંહ ચૌહાણ નામના વ્યકિતએ ફાયરબ્રિગેડમાં રૂબરૂ પહોંચી જાણ કરતા ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફીસર આઇ.બી. ખેર, ડે.ચીફ ફાયર ઓફીસર ઠેબા, સ્ટેશન ઓફીસર આર.બી.ભટ્ટી, તથા ફાયરમેન શામળભાઇ બાંભવા, પંકજભાઇ ટાંક, નીસારભાઇ, જયેશભાઇ, આકાશભાઇ સહિત એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી દુકાનના શટરનો  નકુમો તોડી શટર ઉચકાવતા ડોર તોડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ દુકાનની પાછળ આવેલ ગોડાઉનમાં લાગી હતી. જેમાં બુટ-ચંપલ, ફર્નિચર તથા અન્ય સામાન બળી ગયો હતો. બનાવની જાણ થતા મેયર પ્રદિપભાઇ ડવ અને મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા દુકાનના માલીક મુંબઇ છે.

આગ શોટ સર્કિટના કારણે અને તેમાં લાખોનું નુકશાન થયું હોવાનું ફાયર બ્રિગેડના સુત્રોમાંથી જાણવા મળે છે.

(3:59 pm IST)