Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાને કારણે મવડી-ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણને માઠી અસર

ભાદર પમ્પીંગ સ્ટેશને વિજપૂરવઠો ખોરવાયો-ન્યારી ડેમમાં પાણી ખેંચવાના પમ્પ ખોટવાયાઃ ગોંડલ રોડ-મવડીના કેટલાક વોર્ડમાં ર થી પ કલાક મોડુ વિતરણ થયું

રાજકોટ તા. ૧૮ :.. ગઇ રાતથી સૌરાષ્ટ્ર-રાજકોટને ધમરોળી રહેલા તોઉતે વાવાઝોડાને કારણે શહેરનાં મવડી અને ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળનાં વિસ્તારોમાં પાણી વિતરણને માઠી અસર પહોંચી હતી. અને કેટલાક વિસ્તારોમાં ર થી પ કલાક પાણી વિતરણ મોડુ થયુ હતું.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ ગઇ રાત્રે વાવાઝોડાને કારણે ભાદર ડેમ સાઇટની એસ. ટી. વિજ લાઇનને નુકશાન થતાં વિજ પુરવઠો ખોરવાઇ ગયેલ. જનરેટરથી પાણીનું પમ્પીંગ શકય ન બન્યુ. તેથી સ્ટોરેજ હતું તેમાંથી ચંદ્રેશનગર હેડ વર્કસમાં વિતરણ ચાલુ રખાયુ પરંતુ ગોંડલ રોડનાં કેટલાક વિસ્તારોમાં ર કલાક મોડુ પાણી વિતરણ થયેલ.

આજ રીતે ન્યારી ડેમમાં ઉતારેલા પમ્પસેટને પણ વાવાઝોડાએ નુકશાન પહોંચાડતાં પમ્પીંગ અટકયુ હતું. અને સ્ટોરેજમાંથી મવડી વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરાયેલ. તેથી મવડી હેડ વર્કસનાં કેટલાક વિસ્તારોમાં પ કલાક મોડુ પાણી વિતરણ થયેલ.

આમ વાવાઝોડાને કારણે માત્ર બે વિસ્તારોમાં જ પાણી વિતરણને માઠિ અસર પહોચી હતી જો કે વિતરણ ઠપ્પ થયુ ન હતું કેમ કે તંત્રએ અગાઉથી પાણીનુંં સ્ટોરેજ કરી લીધું હતું.

  • વોટરવર્કસ ચેરમેન દેવાંગ માંકડ રાતભર સતત સંકલનમાં રહ્યા

રાજકોટ તા. ૧૮ : વાવાઝોડાને કારણે પાણી વિતરણ ઠપ્પ ન થાય તે માટે મ.ન.પા.એ અગાઉથી પાણી સ્ટોરેજની તૈયારી કરી હતી. દરમિયાન ભાદર ડેમ સાઇટમાં વિજપુરવઠો ખોરવાતા અને ન્યારી ડેમે પમ્પીંગ સેટને નુકશાન થતા પમ્પીંગ અટકી પડેલ આ દરમિયાન વોટર વર્કસ ચેરમેન દેવાંગ માંકડ મ.ન.પા. અધિકારીઓ વિજ કંપનીના અધિકારીઓ સાથે સતત સંકલનમં રહીને પાણી વિતરણ ઠપ્પ ન થાય તેના આયોજન માટે મોડી રાત સુધી પ્રયત્નશીલ રહ્યા.

(4:00 pm IST)