Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પરસેવો ન થવો, ચામડી ઉપર અસર, હૃદયના ધબકારા વધી જવા એ શરીરમાં પાણી ઘટી જવાની નિશાનીઃ દિવસમાં 8 થી 9 ગ્‍લાસ પાણી શરીર માટે જરૂરી

પાણી ઘટવાના કારણે કોઇ ગંભીર બિમારી થાય તે પહેલા તબીબોની સલાહ લેવી હિતાવહ

રાજકોટઃ ગરમીને કારણે શરીરમાં પાણી ઘટી જવાથી પરસેવો ન થવો, ચામડી પર વિપરીત અસર થવી, હૃદયના ધબકારા વધી જવા વગેરે જેવી સમસ્‍યામાં સારા સ્‍વાસ્‍થ્‍ય માટે દિવસમાં 8 થી 9 ગ્‍લાસ પાણી પીવુ જોઇએ.

આજના સમયમાં પોતાને ફિટ રાખવા લોકો અનેક પ્રકારની એક્સરસાઈઝ કરતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીમાં શરીરમાંથી પાણી ઓછું થવાના વધુ પડતા કિસ્સા સામે આવે છે. ત્યારે શરીરમાંથી પાણી ઘટવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા ઉભી થાય છે. ડિહાઈડ્રેશન ઉપરાંત સ્કિન, પેટની સમસ્યા તેમજ ગરમીને કારણે તમારું મગજ પણ બરોબર કામ કરતું નથી. આવિ સ્થિતિમાં શરીરમાંથી પાણી કેમ ઘટી રહ્યું છે તેના લક્ષણો શું છે તે જાણવા જરૂરી છે.

પરસેવો ન થવો

શિયાળો હોય કે ઉનાળો શરીરમાં પરસેવો થવો ખુબ જ જરૂરી છે. જો તમારા શરીરમાં પરસેવો થતો નથી તો તેનાથી ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને દિવસેને દિવસે વધતી ગરમીને કારણે શરીરમાંથી પરસેવો છૂટે છે. પરંતુ જો તમારા શરીરમાંથી પરસેવો છૂટી રહ્યો નથી તો આ સંકેત છે કે તમારા શરીરમાં પાણી ઓછું છે. આ થવાનું કારણ એ છે કે તમારું શરીર હાઈડ્રેટેડ નથી. કેમ કે આવા લોકોને પરસેવો થતો નથી.

હૃદયના ધબકારા વધી જવા

ઉનાળામાં ગરમીને કારણે તમારા શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થવા લાગે છે. ત્યારે પાણીનું લેવલ જાળવી રાખવા તમારે પાણી વધારે પીવું જોઇએ. જોકે, શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવાથી આપણું હાર્ટ ઝડપથી ધબકવા લાગે છે. શરીરમાં પાણી ઘટવાનો સંકેત લોહીનું પ્રમાણ ઓછું, જેના કારણે આપણા હાર્ટને વધારે પંપ કરવું પડે છે. તેથી જો કોઈ કારણ વગર તમારું હાર્ટ ઝડપથી ધબકી રહ્યું છે તો તમારે તેને અવગણવું જોઇએ નહીં.

પાણી ઘટવાથી સ્કિન પર અસર

શરીરમાં ઓછા પાણીની અસર તમારી સ્કિન પર પણ જોવા મળે છે. જો બહાર નિકળતા પહેલા તમે ચહેરા પર સનસ્ક્રીન લગાવી છે, તેમ છતાં તમારી સ્કિન ડ્રાય થઈ રહી છે, તો સમજવું કે તમારા શરીરમાં પાણી ઓછું છે. આવી સ્થિતિમાં તમારે વધારેમાં વધારે પાણી પીવુ જોઇએ. જો કે, તમને જણાવી દઈએ કે, સારી હેલ્થ માટે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 9 ગ્લાસ પાણી પીવુ જોઇએ.

(5:00 pm IST)