Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સત્‍યસાંઇ રોડ પર કારખાનેદાર ભાવેશભાઇ ખૂંટના મકાનમાં ૬.૯૭ લાખના દાગીનાની ચોરી : એક સંકજામાં

કારખાનેદાર તેના પત્‍નિ બાળકોને લઇને ઘર પાસે ગાર્ડનમાં ગયાને તસ્‍કર કળા કરી ગયો

જ્‍યાં ચોરી થઇ તે મકાન નજરે પડે છે (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૧૭ : સત્‍યસાંઇ હોસ્‍પિટલ મેઇન રોડ પર શ્રીજી કૃપા બંગલોમાં રહેતા કારખાનેદારના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કર રૂા. ૬,૯૭,૫૦૦ની કિંમતના દાગીના ચોરી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સત્‍યસાંઇ હોસ્‍પિટલ મેઇન રોડ પર આવેલ શ્રીજી કૃપા બંગલો શેરી નં. ૧માં હરી ઓમ નામના મકાનમાં રહેતા મીરાલીબેન ભાવેશભાઇ ખુંટ (ઉવ.૨૯) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે  પતિ તથા એક પુત્ર અને એક પુત્ર સાથે રહે છે. પતિ એકસલન્‍ટ ઇન્‍ટીરીગલ પ્રોડકટ નામનું કિચન બાસકેટ બનાવવાનું કારખાનુ ધરાવે છે. ત્રણ દિવસ પહેલા સાંજના સમયે પોતે પોતાના બે બાળકોને લઇને ઘરને તાળુમારી ઘરપાસે આવેલા ગાર્ડનમાં ગયા હતા. એક કલાક બાદ પોતે બાળકો સાથે ઘરે પરત આવ્‍યા ત્‍યારે મકાનમાં ઉપરના માળે ગયા ત્‍યારે રૂમમાં સામાન વેરવિખેર પડેલો જોવા મળ્‍યો હતો. પોત તુરત જ રૂમમાં રહેતા કબાટમાં તપાસ કરતા તેમાં રાખેલુ રૂા. ૬.૯૭ લાખની કિંમતના દાગીના ભરેલુ પાઉચ જોવા ન મળતા તેણે રૂમમાં અન્‍ય જગ્‍યાએ તપાસ કરતા દાગીના ભરેલુ પાઉચ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. પાઉચમાં સોનાનો હાર, પાટલા, બે બંગડી, સોનાનું પેંડલ સેટ, બે બુટી અને સોનાનો ચેઇન હતા. બાદ પોતે તાકીદે પતિને ફોન કરી જાણ કરતા તે ઘરે દોડી આવ્‍યા હતા. બાદ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ વી.એન.મોરવાડીયા સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે પહોંચી મીરાલીબેન ખુંટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન આ બનાવમાં પી.એસ.આઇ એન.કે.રાજપુરોહીત સહિતના સ્‍ટાફે એક શખ્‍સને સંકજામાં લઇ પુછપરછ હાથ ધરી હતી.

(4:39 pm IST)