Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વીજતંત્ર દ્વારા ચેકીંગ દરમિયાન ગેરરિતી પકડાતા ૪ ગ્રાહકોને ૭૩ લાખના બીલો અપાયા

રોનક પ્‍લાસ્‍ટીક-શ્રેયસ વિદ્યાલય- રામદેવ કોસ્‍ટીંગ-ખેતીવાડી વીજ જોડાણોમાં ચેકીંગ : મીટર બાળી નાંખવું-સીલો તોડી નાંખવા-મીટર બાયપાસ સહિતની વીજચોરી ઝડપાઇ

રાજકોટ,તા. ૧૮: પીજીવીસીએલ દ્વારા છેલ્લા થોડા સમયમાં જુદાં જુદાં વિસ્‍તારોમાં મોટી રકમની પાવર ચોરીઓ પકડવામાં આવી હતી. મીટરમાં ગેરરીતી માલુમ પડતાં વીજ ચોરી કરનારને લાખો રૂપિયાના પુરવણી બીલો ફટકારવામાં આવ્‍યા જેમાં રાજકોટ શહેર વિભાગીય કચેરી-૧ હેઠળના સોરઠીયાવાડી સબ ડીવીઝનના વીજ ગ્રાહક નિલેષકુમાર દેત્રોજા, રોનક પ્‍લાસ્‍ટિક, ધરતી વે બ્રિજની પાછળ, નહેરુ નગર મેઈન રોડ ના કારખાનામાં વીજ જોડાણનું તા. ૨૪.૦૩.૨૦૨૨ ના રોજ ચેકિંગ કરતાં તેમાં કુલ ૩૬.૪૫ KW લોડ જોડેલ હતો. મીટર બળી ગયેલ હોય ગ્રાહકની હાજરીમાં મીટર ચેક કરવામાં આવેલ. તા. ૨૬.૦૪.૨૦૨૨ ના રોજ સીલ કરેલ મીટરની વિશેષ ખરાઈ કરતાં ગ્રાહક દ્વારા મીટર બાળી નાખવામાં આવેલ હોય પીજીવીસીએલ દ્વારા નિયમોનુસાર પાવર ચોરીનું આશરે રૂ. ૨૨.૬૧ લાખનું પુરવણી બીલ આપવામાં આવેલ છે. આ કેઈસની તપાસ નાયબ ઈજનેર શ્રી એન.જે.મે, શ્રી આર.એસ.સરડવા તથા જુનીયર ઈજનેર શ્રી પી.આઈ.રાવલ તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.
રાજકોટ શહેર વિભાગીય કચેરી-૧ હેઠળના આજી ઇન્‍ડ. સબ ડીવીઝનના વીજ ગ્રાહક શ્રી મુકેશભાઈ પુનાભાઈ ડાભી, શ્રેયસ વિદ્યાલય, માનસરોવર પાર્ક, આજી ડેમ ચોકડી પાસે ના વીજ જોડાણની તા. ૨૫.૦૪.૨૦૨૨ ના રોજ તપાસ કરતાં મીટર પેટી અને ટર્મિનલ કવર ના સીલો સાથે ચેડા કરેલ માલુમ પડેલ, ચેકિંગ સમયે કુલ ૧૯.૮૫ KW લોડ જોડેલ હતો. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકને આશરે રૂ. ૧૨.૬૨ લાખનું પુરવણી બીલ આપવામાં આવેલ છે. આ કેઈસની તપાસ નાયબ ઈજનેર શ્રી પી.વી.લાઠોયા તથા જુનીયર ઈજનેર શ્રી એન.એમ.શાહ તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ.
આ ઉપરાંત તા. ૨૯.૦૪.૨૦૨૨ ના રોજ રોણકી અને કુવાડવા વિસ્‍તારોમાં માહિતીના આધારે રાત્રીના વીજ જોડાણો ચેક કરતા ગ્રાહક રામદેવ કાસ્‍ટિંગ ઇન્‍ડ. (મેજીટેક ઇન્‍ફ્રાબીલ્‍ડ પ્રા.લી.) ગામ, જીયાણા, કુવાડવા ખાતે કુલ ૩૪.૧૭ KW લોડ જોડેલ હતો. વીજ જોડાણ પાસે આવેલ ટ્રાન્‍સફોર્મર ના એલ.ટી. બાજુએ વધારાનો કેબલ જોડી સીધોજ લોડ સાઈડ જોડવામાં આવેલ અને મીટર બાયપાસ કરી વીજ વપરાશ હોવા છતાં મીટર ફરે નહિ તેવી કાયમી વ્‍યવસ્‍થા કરવામાં આવતા રંગે હાથે પકડાઈ ગયેલ. ગ્રાહકને આશરે રૂ. ૩૨ લાખનું વીજ ચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.ઉપરાંત નવા નારણકા, રોણકી હેઠળ આવેલ ગ્રાહક દિનેશભાઈ અરજણભાઈ કુવાડિયાનું ખેતીવાડી વીજ જોડાણ ચેક કરતા ખેતીવાડી ફીડરને બદલે જયોતિગ્રામ ફીડરમાંથી પાવર વાપરતા હતા અને મીટર બાયપાસ કરેલ હોય વીજ વપરાશ નોંધાય નહી તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ. ચેકિંગ દરમ્‍યાન કુલ ૭.૫ HP લોડ જોડેલ હતો. ગ્રાહકને આશરે રૂ. ૬.૫ લાખનું વીજચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.

 

(11:54 am IST)