Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજકોટ હવે લોજીસ્‍ટીક ક્ષેત્રે પણ અગ્રેસર બને : વી.પી. વૈષ્‍ણવ

જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને રાજકોટ ચેમ્‍બર દ્વારા ગુજરાત ઇન્‍ટીગ્રેટેડ અને પાર્ક અંગે ઔદ્યોગિક માર્ગદર્શન સેમીનાર

 રાજકોટ,તા. ૧૮: જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, રાજકોટ અને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના સંયુક્‍ત ઉપક્રમે ‘ગુજરાત ઈન્‍ટીગ્રેટેડ લોજીસ્‍ટીક અને લોજીસ્‍ટીક પાર્ક પોલીસી-૨૦૨૧'નો મહત્તમ લાભ ઉદ્યોગ સાહસીકો સુધી પહોંચે તેવા શુભાશય સાથે જિલ્લા સેવા સદન-૨ ના સેમિનાર હોલ ખાતે ઓદ્યોગીક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખશ્રી વી.પી.વૈશ્‍ણવે કહ્યું હતું  કે, રાજકોટ જિલ્લામાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારની પોલીસી તથા જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે. લોજીસ્‍ટીક એ ઈન્‍ડસ્‍ટ્રીઝનું હ્રદય છે. ઈન્‍ડસ્‍ટ્રીયલ ક્ષેત્રે અગ્રેસર રહેલું રાજકોટ હવે લોજીસ્‍ટીક ક્ષેત્રે પણ અગ્રેસર બને તે આવનારા સમયની તાતી જરૂરિયાત છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોજીસ્‍ટીક ક્ષેત્રે મહત્‍વનો ભાગ ભજવી શકવા સામર્થ્‍યવાન છે.

જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર રાજકોટના જનરલ મેનેજરશ્રી કિશોર મોરીએ કહ્યું હતું કે, વ્‍યક્‍તિના મગજમાં જન્‍મેલો વિચાર મેગા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં પરિણમે ત્‍યાં સુધી સરકાર વિવિધ યોજનાઓ તથા પોલીસીઓ દ્વારા ઉદ્યોગ સાહસીકોને સહાય આપે છે. ઉદ્યોગ સાહસીકોને અપાતી વિવિધ સહાયના કારણે જ ગુજરાત સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર છે.

એમ.એસ.એમ.ઈ. હેલ્‍પ ડેસ્‍કના પ્રતિનીધિ શ્રી ખીલના મહેતાએ ‘ગુજરાત ઈન્‍ટીગ્રેટેડ લોજીસ્‍ટીક અને લોજીસ્‍ટીક પાર્ક પોલીસી-૨૦૨૧' અંગેની વિસ્‍તૃત માહિતી આપી હતી.

આ તકે મેટોડા જી.આઈ.ડી.સીના પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજા, જેમ્‍સ અને જવેલરી એસોસિયેશનના પ્રમુખશ્રી જગદિશભાઈ જીંજુવાડીયા સહિત ઉદ્યોગ સાહસીકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:11 pm IST)