Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણની કામગીરી પૂરજોશમાં

હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થતા સ્થાનિક રોજગારી વધશે : સામાન્ય વર્ગના લોકો પણ હવાઇ મુસાફરી કરી શકે તેવું સરકારનું વિઝન : રેમ્યા મોહન

રાજકોટ તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતને કેન્દ્રીય પુરસ્કૃત બહુઆયામી વિકાસલક્ષી પ્રોજેકટસ મળ્યા છે. પ્રધાનમંત્રીના હસ્તે શિલાન્યાસ થયેલા મોટા પ્રોજેકટ પૈકીનો એક પ્રોજેકટ રાજકોટ નજીક આકાર પામી રહયો છે અને તે છે હિરાસર પાસે આવેલું ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે કોરોનાની મહામારી વચ્ચે પણ વિકાસ કાર્યોને અટકવા નથી દીધા. રાજકોટ નજીકનું વર્લ્ડ કલાસ સુવિધાઓથી સજ્જ બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે.

રાજકોટ શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક ૧૦૨૫ હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્ડ કલાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર શ્રી લોકનાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનું છે. જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પુર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસે. ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરી માર્ચ ૨૦૨૩ સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો  અમારો લક્ષ્યાંક છે. કુલ ૧૪૦૦ કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહયો છે.     

કલેકટરશ્રી રેમ્યા મોહને કહયું હતું કે આ પ્રોજેકટને લીધે સ્થાનિકોને રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોના પરીવહન – મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. પ્રધાનમંત્રીશ્રીનું પણ વિઝન છે કે સામાન્ય લોકોને પોસાય  તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલ  કંપનીના પ્રોજેકટ હેડ શ્રી સંતોષ યાદવે  કહ્યું કે એ.એ.આઇ.નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેકટ પ્રોજેકટ છે, જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કર્યું છે. તેઓએ કહ્યું કે ફેઝ-૧ નું કામ અમારી કંપની દ્વારા કરવામાં આવી રહયું છે, જે ૨૦૨૨ ના વર્ષના અંત પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડીંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. હાલ ૩૦૪૦ મીટરના સિંગલ રન વે ની કામગીરી ૪૬ ટકા થઈ ગઈ છે.

કંપનીના સર્વે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું કે આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતુ. કોઈક સ્થળે ૧૨ થી ૧૪ મીટર જમીન ઊંચી - નીચી હોવાથી મોટા પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી.

પ્રોજેકટ અંગે મળેલી વિગતો મુજબ ૩૦૪૦ લંબાઈના વન વેમાં ૪૫ મીટર પહોળાઈ અને બંને છેડે ૧૦ મીટરનો સોલ્ડર અંદાજે ૬૦ મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફલાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા) ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર ૩૫૪*૧૫૨ મીટર રહેશે. પેરેલલ ટેકસી ટ્રેક ત્રણ લિન્ક થી જોડાયેલ છે, જેનું કામ પણ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. જયારે ગ્રેડિંગ વર્ક ૫૦ ટકા થઇ ગયું છે.

એરપોર્ટ મથકની ફરતે બાઉંટ્રી વોલ ૨૭ કિ.મી ની રહેશે જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે ૧૧ થી ૧૪ કિલોમીટરની રહેશે. જયાં સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુકત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

હિરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરીમાં ૨૫૦ થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી ૧૩૦૦ થી વધુ મેન પાવર તેમજ ૧૦૦ થી વધુ ડમ્પર અને ૨૫૦ થી વધુ ડ્રાઇવર કામ કરી રહયા છે. સમગ્ર પ્રોજેકટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત રાજકોટના પ્રાંત અધિકારીશ્રી ચરણ સિંહ ગોહિલ પણ સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યા છે.

હિરાસર એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી હોય કે રાજય સરકારની કચેરીઓ સંલગ્ન મંજૂરીઓ તેમજ અન્ય કામગીરીઓમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને સહકાર સાથે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

રાજકોટના કલેકટરશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુર્હૂત થયેલા ગુજરાતના મોટા પ્રોજેકટ પૈકીના એક એવા હિરાસર એરપોર્ટના નિર્માણની કામગીરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન અને જમીન સંપાદનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી અને આ એરપોર્ટનું કામ સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ થાય તે માટે જિલ્લા પ્રસાશન કટીબધ્ધ છે.

  •    કોરોના કાળમાં પણ વિકાસલક્ષી કામગીરી અવિરત ચાલુ રહી : સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સરકાર કટિબધ્ધ : ૧૪૦૦ કરોડની કામગીરીનો પ્રોજેકટ થશે સાકાર

   ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓન ફાસ્ટ ટ્રેક

   રન વે ૩૦૪૦ મીટરનો બનશે : ૪૬% કામગીરી પૂર્ણ

   પેરેલલ ટેક્ષી ટ્રેક (પી.ટી.ટી.) ૯૦ % પૂર્ણ

   એપ્રોન પૂર્ણ- ગ્રેડિંગ વર્ક ૫૦ %પૂર્ણ

        બાઉન્ટ્રી વોલ ૨૭ કી.મી.ની બનશેઃ ૩૦ % કામગીરી પૂર્ણ

(2:52 pm IST)