Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

યોગ દિવસે પોસ્ટ ખાતાનો નવતર પ્રયોગ : 'રદ સ્ટેમ્પ'નો થશે ઉપયોગ

જુની રદ સ્ટેમ્પથી લોકોને અવગત કરાવવાનો આશય

રાજકોટ, તા. ૧૮ :  ર૧ મી જુનના દિવસે ભારતીય ટપાલ વિભાગ વિશ્વ યોગ દિવસના ઉદ્દેશ સાથે એક વિશેષ રદ સ્ટેમ્પને સમગ્ર ભારતની પ્રજા સમક્ષ અવગત કરાવવા જઇ રહ્યું છે. ભારતીય ટપાલ વિભાગ તેની વિશેષ રદ સ્ટેમ્પ ભારતની ૮૧૦ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સમગ્ર ભારતમાં રજુ કરવા જઇ રહ્યું છે. આ ઉજવણી  અત્યાર સુધીની સૌથી મોટી ફિલાટેલિક ઉજવણીઓમાંની એક ઉજવણી બની રહેશે.

ર૧ મી જુનના ભારતની તમામ હેડ પોસ્ટ ઓફિસઓમાં એ દિવસે બુકિંગ થયેલ તમામ ટપાલોમાં આ વિશેષ રદ સ્ટેમ્પની છાપ લગાવશે. આ વિશેષ રદ સ્ટેમ્પની આકૃતિમાં હિન્દી અને ઇંગ્લીશ બંને ભાષામાં લખાયેલા ગ્રાફિક સાથે રજુ થશે. આવા રદ થયેલા સ્ટેમ્પ સંગ્રહ યોગ્ય હોય છે અને ફિલાટોલિક વિષયના અભ્યાસ અર્થે પણ ખુબ ઉપયોગી છે.

વર્ષોથી સ્ટેમ્પના સંગ્રહ માટેના શોખમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ શોખ અથવા કળાને પુનજીર્વિત કરવા માટે ભારતીય ટપાલ વિભાગ આ વિશેષ રદ સ્ટેમપ રજુ કરવા જઇ રહ્યું છે, કોઇપણ વ્યકિત રૂ. ર૦૦ ભરી દેશની કોઇપણ હેડ પોસ્ટ ઓફિસમાં ફિલાટેલિક ડીપોઝીટ ખાતુ સરળતાથી ખોલી શકે છે અને તેના દ્વારા વિવિધ પ્રકારના વિશેષ સ્ટેમ્પ અને કવર સરળતાથી મેળવી શકે છે.

ફિલોટેલિક બ્યુરો અને હેડ પોસ્ટ ઓફિસમાંથી અથવા તો ફિલાટેલિક ડિપોઝીટ ખાતા દ્વારા સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. આવા વિશેષ સ્ટેમ્પ અને કવર ખુબ જ મર્યાદિત માત્રામાં છાપવામાં આવે છે. આ સાથે વિશેષ રદ સ્ટેમ્પ માત્ર ર૧.૦૬.ર૦ર૧ ન રોજ એક દિવસ માટે જ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે સવારના ૧૦ થી ૦૬ વાગ્યા વચ્ચે ઉપલબ્ધ રહેશે. તેમ સીનીયર પોસ્ટ માસ્તરની યાદીમાં જણાવાયુ છે.

(2:54 pm IST)