Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

શની-રવી ચોટીલામાં ભગતસિંહ ક્રાંતી દળનું પ્રથમ અધિવેશનઃ રૂપરેખા તૈયાર કરાશે

શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાનું અભિયાન ફરી શરૂ કરાશે

રાજકોટઃ શહીદ ભગતસિંહને ભારત રત્નનો ખિતાબ એનાયત થાય તે હેતુથી ગુજરાતના રપ થી વધુ યુવાનોએ સોમનાથથી દિલ્હી સુધી 'રન ફોર ભગતસિંહ' બેનર હેઠળ રર૦૦ કિ.મી. સાયકલ યાત્રાનું આયોજન કરી પાંચ રાજયના એક લાખ લોકોની સહીઓ સાથે રાષ્ટ્રપતિને આવેદન આપી એક રાષ્ટ્રવાદી અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનને ફરી લોકો વચ્ચે લઇ જઇ શહીદ ભગતસિંહની માનવતાવાદી રાષ્ટ્રવાદી વિચારધારાથી જનતા અવગત થાય અને દેશ માટે પોતાના પ્રાણોનું બલીદાન આપનાર શહીદોને યાદ કરે તે હેતુથી ભગતસિંહ ક્રાંતીદળનું પ્રથમ અધિવેશન તા.૧૯-ર૦ (શની-રવી) ચોટીલા ખાતે મળી રહયું છે.

આ સંમેલનમાં શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાની ઝુંબેશને લોકો વચ્ચે લઇ જવાનું આયોજન કરવામાં આવશે તેમજ શહીદ ભગતસિંહની માનવતાવાદી વિચારધારા જનતામાં સ્થાપીત થાય તે હેતુથી ભગતસિંહ ક્રાંતીદળ સંગઠનાત્મક સ્વરૂપમા઼ સ્થાપીત કરવામાં આવશે.

રન ફોર ભગતસિંહ અભિયાનના પ્રણેતા જિજ્ઞેશ કાલાવડીયાની યાદીમાં જણાવ્યા અનુસાર ભગતસિંહ ક્રાંતીદળને બીનરાજકીય અને ક્રાંતીકારી સંગઠન તરીકે સ્થાપીત કરવામાં આવશે. કોઇ પણ પ્રકારનો રાજકીય ઉદેશય નથી. માત્રને માત્ર ભારતના નાગરીકોમાં રાષ્ટ્રવાદી અને માનવતાવાદી વિચારધારાને સ્થાપીત કરવાના હેતુસર આ સંગઠનની સ્થાપના કરવામાં આવી રહી છે. જે આગામી સમયમાં વિવિધ ક્ષેત્રમાં લોકજાગૃતીનું કામ કરશે તથા નાગરીક અધિકાર અને નાગરીક ઘડતરના વિષયો પર કાર્યરત રહેશે.

ચોટીલા ખાતે આ બે દિવસના અધિવેશનમાં ભગતસિંહ ક્રાંતીદળની વિધિવત સ્થાપના કરી તેના બંધારણનો સ્વીકાર કરવામાં આવશે.

ભગતસિંહ ક્રાંતી દળના પ્રથમ અધિવેશનને સફળ બનાવવા માટે હાર્દિક ભારતીય, આઝાદ જાદવ, હેમંત ચાંનપા, સમ્રાટ બૌધ્ધ, જય ભારતીય, દર્શીત પટેલ, પુનાભાઇ વકાતર, નિકુંજ સાપરીયા, રાહુલ  ધોણીયા, વિક્રમ પરમાર સહીતના યુવાનો જહેમત ઉઠાવી રહયા છે.

(4:17 pm IST)