Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પ્રિયા પુરૂષોતમનના શાસ્ત્રીયગાયને સૌને ડોલાવ્યા

સપ્ત સંગીતિ ૨૦૨૧ ના વર્ચ્યુઅલ કોન્સર્ટના પ્રથમ પ્રિમિયર શોએ જમાવટ કરી : હવે ૨૭ મીએ ષડજ ગોખખિંડીનું બાંસુરીવાદન

રાજકોટ તા. ૧૮ : નિઓ રાજકોટ ફાઉન્ડેશનની પરંપરા અનુસાર દેશના નામાંકિત કલાકારો ઉપરાંત શાસ્ત્રી સંગીત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને મંચ પુરૂ પાડવાના હેતુથી અને હાલની કોરોના પરિસ્થિતિ ધ્યાને લઇ સંસ્થા દ્વારા 'સપ્ત સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યુઅલ કોન્સર્ટ સીરીઝ' નું આયોજન કરાયુ છે. જેના પ્રથમ શો માં ગત રવિવારે આગ્રા ધરાનાની શૈલીના યુવા કલાકાર શ્રી પ્રિયા પુરૂષોતમનના શાસ્ત્રીય ગાયને સૌને મુગ્ધ કરી દીધા હતા. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટયુબ પર ઓનલાઇન કાર્યક્રમ માણનારાઓનો ખુબ સારો પ્રતિસાદ સાંપડયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી પ્રિયા પુરૂષોતમને રાગ બિહાગમાં બડા ખ્યાલમાં તેમના ગુરૂ પંડિત દિનકર કૈકીનીએ સ્વરબધ્ધ કરેલ રચના તેમજ મધ્ય લયમાં 'પૈજનિયા છનકે છમકન લાગી' બંદિશ તાલ તિનતાલમાં અને અંતભાગમાં તરાનો રજુ કર્યો.

સભાના બીજા ભાગમાં રાગ પરજમાં બંદિર 'મન મોહન બ્રિજ કો રસિયા' ની ત્રિતાલમાં, આલાપ-તાન-બોલતાન સાથે શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા.

અંતિમાં તેણીએ દ્રુતલયમાં 'મો કો રોકોના પનઘટ પે જાને દો' બંદિશ તિનતાલમાં રજુ કરી હતી. આ પ્રસ્તુતિમાં પ્રિયાજી સાથે હારમોનિયમ પર પંડિત વ્યાસમૂર્તિ કટ્ટી તથા તબલા સંગત સાગર ભારથરાજએ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કલાકારો ભારત રત્ન પં. ભીમસેન, પં. વેંકટેશ કુમાર, પં. રાજન સાજન મિશ્રા જેવા મૂર્ધન્ય કલાકારો સાથે સંગત કરતા આવ્યા છે.આ વર્ચ્યુઅલ કોન્સર્ટ સીરીઝ જુનથી ડીસેમ્બર ૨૦૨૧ સુધી દર મહિને દેશના ખ્યાતિ પ્રાપ્ત બે કલાકારોના ગાયન-વાદનના કાર્યક્રમો પ્રસ્તુત કરશે. જેને દેશ-વિદેશના કલાકારો ઓનલાઇન માણી શકશે.

આ સીરીઝની આગામી પ્રસ્તુતી તા. ૨૭ ના રવિવારે રાત્રે ૯ વાગ્યે જાણીતા કલાકાર શ્રી ષડજ ગોડખિંડીના બાંસુરીવાદનનો પ્રિમિયર ખાસ સપ્ત સંગીતિના દર્શકો માટે યોજાશે.

આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવમાં આવી રહી છે. વર્ચ્યુઅલ કાર્યક્રમ થયા પછી શ્રોતાઓનું ફલક વધુ વિસ્તર્યુ છે અને દેશ વિદેશમાંથી લોકો કાર્યક્રમને માળે છે. તેમ સપ્ત સંગીતિ ટીમ વતી હાર્દીકા જોષીની યાદીમાં જણાવાયુ છે.

(4:22 pm IST)