Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સગીરાએ કહ્યું-મને તો સંતોષ લગ્ન કરવા માટે લાવ્યો છે!: આઇકાર્ડ પણ અન્ય યુવતિના નામે!

કૂટણખાનુ ચલાવતાં પકડાયેલા દાસભાઇ કે જયશ્રીને ઓળખતી ન હોવાનું પણ સગીરાનું કથન : પોતે માતા સાથે આવી હોવાનું અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતી હોવાનું રટણ કર્યુઃ ત્યાં પોલીસે તપાસ કરી પણ કંઇ મળ્યું નહિઃ સંતોષ મથુરાથી પરત આવ્યે રૂમ રાખીને ત્યાં રાખવાનો હોવાનું કહ્યું: સગીરા કાઉન્સેલર પાસે પણ ઘણું છુપાવતી હોવાની શકયતા

રાજકોટ તા. ૧૮: શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્ક ઇનના રૂમમાં ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ થવાની સાથોસાથ અન્ય એક રૂમમાંથી એક પરપ્રાંતિય હિન્દીભાષી સગીરા પણ મળી આવી હતી. આ સગીરાને મથુરાનો સંતોષ નામનો શખ્સ અહિ લાવ્યાનું ખુલ્યું છે. પરંતુ સંતોષ હજુ તેના વતનમાંથી આવ્યો ન હોઇ પોલીસને વધુ વિગતો મળી નથી. સગીરાનું કલાકો સુધી બાળ સુરક્ષા અધિકારીની ટીમ અને એનજીઓની ટીમે તથા મહિલા પોલીસે કાઉન્સેલીંગ કરી વધુ વિગતો મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરા વધુ કંઇ કહેતી નથી. પોતાને તો સંતોષ લગ્ન કરવાના ઇરાદા સાથે લાવ્યાનું અને રૂમ ન મળે ત્યાં સુધી હોટેલમાં રાખી હોવાનું પણ તેણીએ કહ્યું છે. બીજી તરફ પોલીસને એવી પણ માહિતી મળી છે કે આ સગીરાને બદલે હોટેલમાં બીજી કોઇ યુવતિનું ઓળખકાર્ડ અપાયું હતું.

મુંબઇના એનજીઓને માહિતી મળી હતી કે એક સગીરાને વેંચી નાંખવાના ઇરાદે રાજકોટની સદર બજારની પાર્ક ઇન હોટેલમાં રાખવામાં આવી છે. તેના આધારે  મહિલા પોલીસની ટીમે જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ અને મુંબઇ એનજીઓની ટીમને સાથે રાખી બુધવારે સાંજે હોટેલમાં દરોડો પાડ્યો હતો. જેમાં અલગ અલગ રૂમો ચેક કરતાં એક રૂમમાંથી એક યુવતિ અને એક મહિલા મળતાં તેની પુછતાછમાં યુવતિએ પોતાને મહિલા જયશ્રી અને પ્રોૈઢ દાસભાઇ લોહીનો વેપલો કરાવવા આ રૂમમાં લાવ્યાનું કહેતાં આ અંગે પીએઅસાઇ જે. જી. ચોૈધરીએ ફરિયાદી બની કૂટણખાનાના સંચાલક ગોંડલ રોડ રામનગર જયંત કે. જી. સોસાયટી સિડી રાઇડ ફલેટ નં. ૩૦૪ ત્રીજા માળે રહેતાં મુળ કેશોદના પ્રભુદાસ ઉર્ફ દાસભાઇ ચંદુભાઇ કક્કડ (ઉ.વ.૫૬) તથા વડોદરા આજવા પેટ્રોલ પંપ પાસે ફલેટમાં નિવાસ ધરાવતી હાલ રાજકોટ વિરાટ સોસાયટી મેઇન રોડ નાલંદા વિદ્યામંદિર પાસે સાપરીયા વાળી શેરી નં. ૩માં રહેતી જયશ્રી મનવીર ઉર્ફ મુન્નો વજુભાઇ ચાવડા (ઉ.વ.૪૨) સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્સન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫ મુજબ ગુનો નોંધ્યો હતો.  પોલીસે પ્રભુદાસ ઉર્ફ દાસભાઇ, જયશ્રી ઉપરાંત હોટેલના મેનેજર મેહુલ બેચરભાઇ ચોટલીયા (ઉ.વ.૩૦-રહે. આત્મન એપાર્ટમેન્ટ, પાંચમો માળ ફલેટ નં. ૫૦૪ ગાંધીગ્રામ)ની પણ ધરપકડ કરી હતી.

હોટેલના રૂમમાંથી મળેલી સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી છે. તે અંગેની તપાસ મહિલા પોલીસની ટીમ કરી રહી છે. સગીરા હોટેલના રૂમમાં કયાંથી આવી? તે અંગે કાઉન્સેલીંગ દરમિયાન તેણીએ પોતાને સંતોષ નામનો શખ્સ લાવ્યાનું કહ્યું હતું. આ સગીરાએ જો કે ખુબ લાંબી પુછતાછમાં પણ બહુ વધુ વિગતો જણાવી નથી. પોતાનું જે નામ તે દર્શાવે છે એ નામ પણ સાચુ છે કે કેમ? તે અંગે શંકા ઉપજી રહી છે. સગીરાએ એવું કહ્યું છે કે પોતાને સંતોષ લગ્ન કરવા માટે લાવ્યો છે. પોતાની માતા સાથે પોતે આવી હતી અને માતા ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહે છે અને કારખાનામાં કામ કરે છે. પરંતુ પોલીસે ત્યાં તપાસ કરતાં કંઇ મળ્યું નથી. સગીરા પાક્કુ એડ્રેસ પણ જાણતી નથી. હોટેલમાં સગીરાને રાખવા માટે જે આઇકાર્ડ રજૂ કરાયું હતું તે ૧૯ વર્ષની યુવતિના નામનું હોવાનું સામે આવ્યું છે.

તેણે એવું જ રટણ કર્યુ છે કે પોતાની સાથે સંતોષ લગ્ન કરવાનો છે. પણ ઉમર ઘટતી હોઇ અને રાજકોટમાં રૂમ શોધવાનો હોઇ જેથી થોડો સમય હોટેલમાં રાખી હતી. પોતે હોટેલના જે રૂમમાંથી કૂટણખાનુ પકડાયું તેમાંથી કોઇને ઓળખતી ન હોવાનું પણ તેણે કહ્યું છે. સગીરા ઘણી ખરી વિગતો છુપાવી રહ્યાની પોલીસને શંકા છે. હવે સંતોષ મળ્યા પછી સાચી માહિતી સામે આવી શકે તેમ છે. પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ જે. જી. ચોૈધરી, એએસઆઇ ઇકબાલભાઇ શેખ, હેડકોન્સ. હિતેન્દ્રભાઇ ગઢવી, સમાજ સુરક્ષા અધિકારી અલ્પેશભાઇ ગોસ્વામી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(4:26 pm IST)