Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પૈસા વસુલ ગેમ... રંગીલા રાજકોટીયનો ખુશખુશાલ

હાર્દિક અને કાર્તિકની ચોગ્‍ગા છગ્‍ગાની ધમાલ બાદ બોલરોએ પણ સુપર્બ દેખાવ કર્યો : કેપ્‍ટન બવુમા ઈન્‍જર્ડ થયા બાદ આખી ટીમ ધરાશાયી, બન્‍ને ટીમો બેંગ્‍લોર જવા રવાનાઃ કાલે જો જીતા વહી સિકંદર : ખચાખચ ભરેલા સ્‍ટેડીયમમાં ભારત માતા કી જય... જય હો...ના નારા ગુંજયાઃ મેચ બાદ ભવ્‍ય આતશબાજીઃ અવેશ ખાન અને કાર્તિકે કેક કાપી જીતની ઉજવણી કરી

 

રાજકોટઃ ટીમ ઈન્‍ડિયાએ શાનદાર દેખાવ કરી મુકાબલો જીતતા દર્શકોના રૂપિયા વસુલ થઈ ગયા હતા. ખંઢેરીના સ્‍ટેડીયમમાં ભારતીય બેટરો ચોગ્‍ગા- છગ્‍ગા ફટકારી રહ્યા હતા ત્‍યારે દર્શકોની કીકીયારી ગુંજી ઉઠતી જોવા મળતી હતી. તો આફ્રિકાના બેટરોની વિકેટો પડતી હતી. ત્‍યારે દર્શકો ઉજવણી કરતા જોવા મળતા હતા. મેચ પૂર્ણ થયા બાદ હોટલ સયાજી ખાતે અવેશ ખાન અને દિનેશ કાર્તિકે કેક કાપી જીતની ઉજવણી કરી હતી.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૫)

રાજકોટઃ રંગીલા રાજકોટના ખંઢેરી સ્‍ટેડિયમમાં જીત મેળવી લીધી છે. બેટીંગમાં હાર્દિક અને કાર્તિક શાનદાર બેટીંગ કર્યા બાદ બોલરોએ જોરદાર દેખાવ કરતાં મેચ જીતી સિરીઝ ૨-૨ થી બરાબરી કરી લીધી છે. હવે સીરીઝની નિર્ણાયક અને અંતિમ મુકાબલો આવતીકાલે રવિવારે રમાશે.

રાજકોટના ગ્રાઉન્‍ડમાં દિનેશ કાર્તિકનું તોફાન જોવા મળ્‍યું હતું. કાર્તિકે ૨૭ બોલમાં ૫૫ રન બનાવ્‍યા હતા જેમાં ૯ ચોગ્‍ગા અને બે છગ્‍ગા ફટકાર્યો હતા. પરિણામે ક્રિકેટપ્રેમીઓને કાર્તિકના રનનો વરસાદ જોવા મળ્‍યો હતો. તેણે માત્ર ૨૭ બોલમાં  ૯ ચોગ્‍ગા અને બે છગ્‍ગાની મદદથી ૫૫ રન બનાવ્‍યા હતા. તો હાર્દિકે ૩૧ બોલમાં ૩ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગાની મદદથી ૪૬ રન ફટકાર્યા હતા.

દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય ટીમે આપેલા ૧૭૦ રનના લક્ષ્ય સામે માત્ર ૮૭ રનમાંજ સમેટાઈ ગઈ હતી. આમ ભારતીય ટીમનો ૮૨ રનથી વિશાળ વિજય નોંધાયો હતો. ભારતીય ટીમે અંતિમ બંને મેચોને લક્ષ્ય બચાવીને જીત મેળવી છે. આ જીત પણ ભારત માટે શાનદાર રહી છે. મેચમાં આવેશ ખાને માત્ર ૧૮ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. એક જ ઓવરમાં તેણે ત્રણ મહત્‍વની વિકેટ ઝડપીને ભારતની જીત નકકી કરી લીધી હતી. યુઝવેન્‍દ્ર ચહલે ૨ અને હર્ષલ અને અક્ષર પટેલે પણ એક એક વિકેટ મેળવી હતી.

ક્‍વિન્‍ટન ડી કોક અને કેપ્‍ટન ટેમ્‍બા બાવુમાએ ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાવુમા ૨૦ રનના સ્‍કોર પર ઈજાગ્રસ્‍ત થઈ ગયો હતો અને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. બાવુમાની વિદાય પછી, દક્ષિણ આફ્રિકાની ટીમ નબળી પડી ગઈ અને ક્‍વિન્‍ટન ડી કોક અને ડ્‍વેન પ્રિટોરિયસના રૂપમાં, મુલાકાતી ટીમની ૨૬ રનમાં ૨ વિકેટે પડી ગઈ. હેનરિક ક્‍લાસેન, ડેવિડ મિલર, રાસી વાન ડુસેન, માર્કો જેન્‍સન, કેશવ મહારાજ, એનરિક નોર્કિયા એક પછી એક ૮૦ રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. રાસીએ સૌથી વધુ ૨૦ રન બનાવ્‍યા હતા.

આ પહેલા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્‍યર, ઈશાન કિશન અને કેપ્‍ટન પંતના રૂપમાં ભારતે ૮૧ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંડ્‍યા અને કાર્તિકે શાનદાર ભાગીદારી કરી હતી.બંને વચ્‍ચે ૩૩ બોલમાં ૬૫ રનની ભાગીદારી થઈ હતી. પંડ્‍યા અને કાર્તિકના આધારે ભારતનો સ્‍કોર ૮૧ થી ૧૪૬ રન પર પહોંચ્‍યો હતો.

ટીમ ઈન્‍ડિયાને પંડ્‍યાના રૂપમાં પાંચમો ઝટકો લાગ્‍યો હતો. પંડ્‍યા તેની પ્રથમ ટી૨૦ અડધી સદી માત્ર ૪ રનથી ચૂકી ગયો હતો. તેણે ૩૧ રનમાં ૪૬ રનની ઇનિંગ રમી હતી. જેમાં ૩ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગાનો સમાવેશ થાય છે. કાર્તિક પણ છેલ્લી ઓવરના બીજા બોલમાં ૫૫ રન બનાવીને આઉટ થયો હતો.

આમ રાજકોટના મેદાનમાં ટીમ ઈન્‍ડિયાએ સિરીઝ સરભર કરી લીધી છે. હવે સિરીઝનો આવતીકાલે અંતિમ મુકાબલો રમાશે.

(12:52 pm IST)