Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

યોગએ ભારતની શાન છે...ભારતની શાનને દુનિયામાં અગ્રેસર કક્ષાએ લઇ જવા માટે નરેન્‍દ્રભાઇએ ખૂબ મહેનત કરી છે

ર૧ જુને જોડાવા કલેકટર-DDOની અપીલ : રાજકોટ શહેર-જિલ્લાના ૬૦૦ ગામડા પણ જોડાશે : સવારે ૬ વાગ્‍યાથી તમામ સ્‍થળે કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૮ જૂન - દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના અધ્‍યક્ષ સ્‍થાને સમગ્ર વિશ્વમાં ૨૧ જૂન ૨૦૧૫ થી આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ની થીમ ‘માનવતા માટે યોગ' વિષય આધારીત આંતરરાષટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. જે અન્‍વયે રાજકોટમાં પણ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજકોટ જીલ્લાના મહત્‍વના પ્રતીકાત્‍મક સ્‍થળો જેવા કે ખંભાલીડાની ગુફા, ઓસમ ડુંગર, મુરલી મનોહર મંદિર-સૂપેડી, ઘેલા સોમનાથ, સંગ્રામસિંહજી હાઇસ્‍કુલ, ગાંધી મ્‍યુઝિયમ, ક.બા. ગાંધીનો ડેલા જેવી મહત્‍વની જગ્‍યાઓ ઉપર કરવામાં આવનાર છે.

આ અંગે જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટની જનતાને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસમાં જોડાવા અંગે અપીલ કરતા કહ્યું હતું કે,  યોગએ ભારતની શાન છે. ભારતની શાનને દુનિયામાં અગ્રેસર કક્ષાએ લઈ જવા માટે વડાપ્રધાનશ્રીએ ખુબ જ મહેનત કરી છે. યોગની પ્રતિષ્ઠા અને સન્‍માનની જાળવણી કરવાનું આપણા હાથમાં છે. ૨૧ જૂનના રોજ અમે યોગના મારફતે દુનિયાને બતાવશું કે અમારા દેશની અને રાજ્‍યની અને આપણા રાજકોટની શું તાકાત છે.

 ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ૨૧ જૂનના રોજ સવારે ૬-૦૦ વાગ્‍યે રાજકોટ શહેર અને ગ્રામ્‍યના તાલુકા વિસ્‍તાર, રાજકોટ જીલ્લાના મહત્‍વના પ્રતીકાત્‍મક સ્‍થળો ઉપરાંત ૬૦૦ થી વધુ ગામડાના લોકોને એક સાથે જોડાઈને યોગ કરનાર છે. જે દેશ અને રાજ્‍ય માટે ગૌરવની વાત છે. તેમ કલેકટરશ્રીએ કહ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ અપીલ કરતા કહ્યું હતું કે, ૨૧ જૂનના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ છે આની ઉજવણીમાં ભારતની સાથે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાશે. રાજકોટમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્‍ય કક્ષાએ યોગના કાર્યક્રમો યોજાનાર છે. યોગ એ આપણી જીવન પદ્ધતિ છે યોગથી સિનિયર સિટીઝન્‍સ હોય કે સ્‍ટુડન્‍ટ હોય તમામને ફાયદો થાય છે. સવારે યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. આપણે સૌએ યોગ સાથે જોડાઈને તંદુરસ્‍ત અને નીરોગી બનવાની દિશામાં આગળ વધવું જોઈએ.

આમ, સામુહિક યોગ કરવાથી ઉ્‌દભવતી હકારાત્‍મક ઊર્જા થકી માનવતા ને મજબુતી પ્રદાન કરી શકાશે

(3:35 pm IST)