Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

તબીબ પુત્ર હાથમાં આવ્‍યો હોત તો હિંમતનગર બાજુ ગોંધી રાખવાનો જયપાલસિંહનો પ્‍લાન હતો

અપહરણની કોશીષની ઘટનાનું રિકન્‍સ્‍ટ્રકશન કરાયું :કેવલ સિવાયના અપહરણકારો ચોટીલા ભેગા થઇ રેસકોર્ષ પહોંચ્‍યા હતા, ત્‍યાંથી સવા આઠ વાગ્‍યે તબીબના બંગલો નજીક રેકી કરેલીઃ ૧૦ વાગ્‍યા પહેલા તબીબ ઘેર આવે તે પહેલા ઘટનાને અંજામ આપી દેવાનું કેવલે કહેલું: પાંચેય અપહરણકારો ગોંડલ, : સરધાર, આટકોટ, રાણપુર,પાળીયાદ થઇ લીંબડી નજીક પહોંચ્‍યા હતાઃ જયપાલસિંહે ૮૦ લાખની ખંડણી માંગતો ફોન ડોકટરને કરેલો

 

રાજકોટ, તા., ૧૮: ચાર દિવસ પહેલા તા.૧૪ મીની રાત્રે ૯.૩૦ વાગ્‍યા આસપાસ નિર્મલા કોન્‍વેન્‍ટ નજીકની નાગરીક બેંક સોસાયટીમાં રહેતા તબીબ પરિવારના ધો.૧૧માં ભણતા પુત્રનું અપહરણ કરી ખંડણી વસુલવાનો  પ્‍લાન તબીબ અને પોલીસના  સદનસીબે નિષ્‍ફળ નિવડયો હતો. ક્રાઇમ બ્રાન્‍ચે ગણતરીના કલાકોમાં અપહરણકારોની સાત સભ્‍યોની ટોળકીના પાંચને દબોચી લીધા હતા. અપહરણકારો હાલ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં રિમાન્‍ડ હેઠળ છે. પીઆઇ જી.એમ.હડીયા અને પીએસઆઇ જે.જી.રાણાની ટીમે આજે સમગ્ર ઘટનાનું અપહરણકારો પાસે રિકન્‍સ્‍ટ્રકશન કરાવી પંચનામુ કર્યુ હતું. આ દરમિયાન અપહરણકારોનો નાસી જઇ ટાર્ગેટને ગોંધી રાખવાની ફુલપ્રુફ યોજના બહાર આવી છે.

ઘટનાના દિવસે કેવલ રમેશભાઇ સંચાણીયા (રહે. સાંઇ ધામ સોસાયટી, ગોકુલધામ પાછળ) સિવાયના પાંચ આરોપીઓ સંજય કાંતીભાઇ ઠાકોર (રહે. સુશીયા, તા. પાટડી), સુરેશ બચુભાઇ ઠાકોર(રહે. વરમોર, તા.માંડલ), સંજય મનજીભાઇ ઠાકોર (રહે. ખંડીયા, તા. શંખેશ્વર), જયપાલસિંહ રાઠોડ (રહે. કુણોલ, તા. મેઘરજ, જી.અરવલ્લી)અને જયપાલસિંહનો મિત્ર સુરેશ ચોટીલા ભેગા થયા હતા અને ત્‍યાંથી રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ ઉપર પહોંચ્‍યા હતા. નંબર પ્‍લેટ વગરની ઇકો કારમાં આવેલ પાચેય અપહરણકારોએ રાત્રે સવા આઠ વાગ્‍યા આસપાસ અપહરણની રેકી કરવા તબીબના બંગલો નજીક ચક્કર લગાવ્‍યું હતુ. ત્‍યાર બાદ કલાક પછી ૯.૧પ -૯.૩૦ આસપાસ તબીબ પુત્રને ઉઠાવવા નાગરીક બેંક સોસાયટીમાં તેના બંગલો નીચે પહોંચી તબીબ પુત્રને કુરીયરમાં પાર્સલ આવ્‍યાનો ફોન કરી અપહરણની કોશીષ કરી હતી પરંતુ તબીબ પુત્રએ સજ્જડ પ્રતિકાર કરતા બચી ગયો હતો. હો-હા થવાથી પકડાઇ જવાની બીકે અપહરણકારો નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ પરથી ઇકો કાર મારી મુકી હિંગળાજ નગર, મવડી રોડ થઇ ગોંડલ ચોકડીએથી ગોંડલ પહોંચ્‍યા હતા. એક પણ જગ્‍યાએ ગાડી થોભાવ્‍યા વગર ગોંડલ, સરધાર, આટકોટ, રાણપુર, પાળીયાદ થઇ લીંબડી પહોંચ્‍યા હતા. લીંબડી આસપાસથી જયપાલસિંહ રાઠોડે તબીબ ઉપર ફોન કરી ૮૦ લાખ રૂપીયા મુંબઇ નજીક પહોંચાડવા નહિ તો આખા પરિવારને પતાવી દેવાની ખંડણી લીધાની ધમકી આપી હતી.

 આ દરમિયાન ક્રાઇમ બ્રાન્‍ચે સીસીટીવી ફુટેજના આધારે ગોંડલ ચોકડીથી પગેરૂ દબાવવાનું સતત ચાલુ રાખ્‍યું હતું. બીજી તરફ રાજકોટ બેઠા બેઠા  મોબાઇલ ટ્રેસીંગ ચાલુ હતું. પોલીસ તુરંત એકશનમાં આવી હોવાથી અપહરણકારોને ઝડપી લેવામાં ધારી સફળતા મેળવી હતી.

સમગ્ર ઘટનાનું આજે ગાંધીગ્રામના તપાસનીસ પીઆઇ હડીયા અને પીએસઆઇ જે.જી.રાણાની ટુકડીએ અપહરણકારો પાસે રિકન્‍સ્‍ટ્રકશન કરાવ્‍યું હતું. જેના પરથી જો ટાર્ગેટ રૂપ તબીબ પુત્ર હાથમાં આવ્‍યો હોત તો ઉપરોકત રૂટ ઉપર છેક હિંમતનગર તરફ લઇ જઇ જયપાલસિંહ રાઠોડે નક્કી કરેલી જગ્‍યાએ ગોંધી રાખી ખંડણી વસુલવાનો ફુલપ્રુફ પ્‍લાન અપહરણકારોએ ઘડયાનું બહાર આવ્‍યું છે. પોલીસ અને તબીબ પરિવારના સદભાગ્‍યે અપહરણની ઘટના નિષ્‍ફળ નિવડી હતી. જો અપહરણકારો સફળ થયા હોત તો શું નું શું બન્‍યું હોત?  તેની કલ્‍પના કરતા જ ફફડાટ થઇ જાય છે.

પોલીસે મુખ્‍ય ભેજાબાજ કેવલના નાસી છુટેલા બે સાથીદાર જયપાલસિંહ રાઠોડ અને સુરેશસિંહની ભાળ મેળવવા પ્રયાસો સતત ચાલુ રાખ્‍યા છે. પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી

(4:02 pm IST)