Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સુરત રહેતાં જમીન મકાનના ધંધાર્થી હસમુખભાઇ ઠક્કર સાથે રાજકોટમાં ઇમરાન ઉર્ફ દૂડીની ૧૩ લાખની ઠગાઇ

રાજકોટ કાર ખરીદવા આવેલા વેપારીએ સુરતથી ૧૩ લાખ આંગડિયાથી મંગાવ્‍યાઃ આ રકમ ઇમરાને પોતાના ટુવ્‍હીલરની ડેકીમાં રાખી હતીઃ પિત્રાઇ અસલમ સાથે મળી વેપારી અને તેના મિત્રોને ઇમ્‍પિરિયલ હાઇટ્‍સ પાસે વાતો કરતાં મુકી રકમ સાથે છનનન

રાજકોટ તા. ૧૮: સુરત રહેતાં જમીન મકાનના ધંધાર્થી લોહાણા વેપારી તેમના મિત્રો સાથે રાજકોટથી સેકન્‍ડ હેન્‍ડ કાર ખરીદવા આવતાં સુરતમમાં તેમને મળેલા રાજકોટના ઇમરાન નામના શખ્‍સે પોતે સસ્‍તી, સારી કાર અપાવી દેશે તેમ કહી અહિ કાર બતાવવા એક ડેલા પર લઇ જઇ બાદમાં વેપારીને કાર ગમી જતાં સુરતથી આંગડીયા મારફત ૧૩ લાખની રકમ મંગાવતાં આ રકમ લેવા ઇમરાને વેપારીની સાથે આંગડિયા પેઢી ખાતે જઇ રકમ પોતાના ટુવ્‍હીલરની ડેકીમાં મુકી બાદમાં વેપારીને ૧૫૦ રીંગ રોડ પર ઇમ્‍પિરિયલ હાઇટ્‍સ પાસે ઉતારી પોતે ગાડી પાર્ક કરાવીને આવે છે તેમ કહી નીકળી જઇ અને તેનો કોૈટુંબીક ભાઇ પણ વેપારીના મિત્રોની કારમાંથી ઉતરી જઇ ભાગી જતાં ફરિયાદ થઇ છે.
માલવીયાનગર પોલીસે આ બનાવમાં  સુરતના નવાગામ કામરેજ ચાર સ્‍તા ભવાની કોમ્‍પલેક્ષ ફલેટ નં. ૫૭માં રહેતાં જમીન-મકાનના ધંધાર્થી હસમુખભાઇ ત્રિભોવનદાસ ઠક્કર (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી રાજકોટમાં ગોંડલ રોડ ખોડિયારનગર-૧૫ હૈદરી મસ્‍જીદ પાછળ રહેતાં અને અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકેલા ઇમરાન ઉર્ફ દૂડી હનીફભાઇ ઠેબા તથા તેના કુટુંબી ભાઇ અસલમ ડેલા અને તપાસમાં ખુલે તેના વિરૂધ્‍ધ કાવત્રુ ઘડી રૂા. ૧૩ લાખની રોકડ સાથેનું ટુવ્‍હીલર લઇ ભાગી જઇ ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે.
હસમુખભાઇ ઠક્કરે જણાવ્‍યું હતું કે હું સુરત આસપાસ જમીન મકાન લે વેંચનું કામ કરુ છું અને પરિવાર સાથે રહુ છું. પંદરેક દિવસ પહેલા સુરતમાં રેલ્‍વે સ્‍ટેશન રોડ પર પરિચીત જીજ્ઞેશભાઇ પાસે બેસવા ગયો હતો ત્‍યારે તેની સાથે એક ભાઇ હતો. વાતચીત દરમિયાન તેણે પોતાનું નામ ઇમરાન ડેલા કહ્યું હતું અને પોતે રાજકોટમાં જુની કાર લે વેંચનું કામ કરે  છે અને તમારે કાર લેવી હોય તો કહેજો તમને ઓછા ભાવમાં કઢાવી આપીશ તેવી વાત કરી હતી. જેથી મેં તેને કહેલુ કે મારે જમીન મકાનનું કામ રહેતું હોઇ એક ફોરવ્‍હીલ સેકન્‍ડમાં લેવાની છે તેમ કહેતાં તેણેનંબર આપ્‍યા હતાં અને રાજકોટ આવી ફોન કરવા કહ્યું હતું.
એ પછી તા. ૧૬/૬ના સાંજે સાતેક વાગ્‍યે મેં સુરતથી ઇમરાનને ફોન કરી ગાડી જોવા રાજકોટ આવું છું તેવી વાત કરી હતી અને ૧૭મીએ હું તથા મારો મિત્ર નરેશ ઉર્ફ નવીન ચાવડા, હિતેલ સવાણી રાજકોટ નવીનની સ્‍વીફટ કાર લઇને આવ્‍યા હતાં. ફોન પર વાત કરી ઇમરાને અમને ગોંડલ રોડ ચોકડીએ બોલાવતાં ત્‍યાં જતાં ઇમરાન અને સાથે એક શખ્‍સ હતો તે મળ્‍યા હતાં. આ શખ્‍સ તેના મોટા બાપુનો દિકરો અસલમ હોવાનું તેણે કહ્યું હતું.
એ પછી અમને તેઓ ભોલેનાથ મોટર્સ નામના ડેલે લઇ ગયા હતાં. જ્‍યાં ઇમરાન તેનુ જ્‍યુપીટર ટુવ્‍હીલર લઇ આગળ ચાલ્‍યો હતો અને અસલમ અમારી કારમાં બેસી ગયો હતો. ૧૫૦ રીંગ રોડ પર ભોલેનાથ મોટર્સ નામનો ડેલો આવતાં ઇમરાન અમને ત્‍યાં લઇ ગયો હતો. જ્‍યાં હુન્‍ડાઇ કંપનીની વર્ના કાર મને ગમી ગઇ હતી. મારા મિત્ર નરેશ અને હિતેલ અસ્‍લમ સાથે બીજા ડેલે ગાડી જોવા ગયા હતાં. ત્‍યાં મિત્રોને પણ વર્ના કાર ગમી ગઇ હતી. બંને ગાડીની કિંમત ૧૬ લાખ નક્કી થઇ હતી. એ પછી મેં સુરત રહેતાં મિત્ર વિક્રમ પટેલને ફોન કરી રાજકોટમાં કાર પસંદ પડી છે અને લેવી છે જેથી ૧૩ લાખ આંગડીયાથી મોકલવા કહેતાં તેણે બપોરે ત્રણેક વાગ્‍યે આંગડીયુ મળી જશે તેવી વાત કરી હતી.
બપોરે ત્રણેક વાગ્‍યે મને આંગડિયા પેઢીમાંથી ફોન આવેલો અને સોની બજારની પેઢીએથી રકમ લઇ જવા કહેવાતાં હું પેમેન્‍ટ લેવા જતો હતો ત્‍યારે ઇમરાને કહેલું કે તમારી ફોરવ્‍હીલ સોની બજારમાં નહિ જાય તમે મારી સાથે ટુવ્‍હીલરમાં બેસી જાવ. આપણે પેમેન્‍ટ લઇ આવીએ. અમે બંને ગયા હતાં અને સાઇનાથ પેઢીમાંથી રૂા. ૧૩ લાખ લઇ ઇમરાનના ટુવ્‍હીલરની ડેકીમાં આ રકમ રાખી હતી. એ પછી ઇમરાન મને પરત ભોલેનાથ મોટર્સ નામના ડેલા પસે લાવ્‍યો હતો. હું તેની પાછળ બેઠો હતો. તેણે ઇમ્‍પિરીયલ હાઇટ્‍સ બિલ્‍ડીંગ પાસે મને ઉભો રાખી પસંદ થયેલી બંને કાર અહિ જ મંગાવી આપે છે તેમ કહી બીજા કોઇ સગા અહિ હોય ને કાર બતાવવી હોય તો બોલાવી લો તેમ કહેતાં મેં મારા સગા વિનોદભાઇ ઠક્કરને ઇમ્‍પિરિયલ હાઇટ્‍સ પાસે બોલાવ્‍યા હતાં.
અમે બધા ઓૈપચારીક વાતો કરતાં હતાં ત્‍યાંથી થોડે દૂર ઇમ્‍પિરિયલ હાઇટ્‍સના ખુણે ઇમરાને તેનું જ્‍યુપીટર ટુવ્‍હીલર પાર્ક કર્યુ હતું. ત્‍યાં થોડીવારમાં મારા મિત્રો અને ઇમરાનનો ભાઇ અસલમ મારા મિત્રની કાર લઇને આવ્‍યા હતાં. અસલમ ગાડીમાંથી ઉતરી ફોન પર વાત કરતો કરતો આગળ ચાલીને જતો રહ્યો હતો અને ઇમરાને ‘હું ગાડી ઇમ્‍પિરિયલ હાઇટ્‍સના પાર્કિંગમાં મુકીને આવું' તેમ કહી તે પણ નીકળી ગયો હતો. હું, મારા સગા વિનોદભાઇ અને મિત્રો વાતો કરતાં હતાં. પાંચેક મિનીટ થવા છતાં ઇમરાન ન આવતાં તે જે તરફ ગયો હતો ત્‍યાં તપાસ કરવા જતાં તે કે તેનું વાહન દેખાયા નહોતાં. અસલમ પણ ગાયબ હતો. ફોન કરતાં ફોન પણ બંધ હતો. આમ ઇમરાન છેતરીને ૧૩ લાખની રોકડ લઇ તેના ભાઇ સાથે ભાગી ગયો હતો. મિત્રોને પુછતાં કહેલું કે અમે તો આપણી ગાડીમાં જ આવ્‍યા છીએ, અસલમ આપણે ખરીદવાની હતી એ ગાડી લાવ્‍યો જ નથી તેમ કહેતાં છેતરાયાની ખબર પડી હતી.
માલવીયાનગરના એએસઆઇ વી. જી. બોરીચાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઇમરાન ઉર્ફ દૂડી ડેલા અગાઉ પણ પોલીસ ચોપડે ચડયો છે. અગાઉ તાલુકા પોલીસમાં બળાત્‍કારના ગુનામાં સંડોવાયો હતો. તેને અને તેના ભાઇને ઝડપી લેવા પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી તથા ડી. સ્‍ટાફની ટીમે પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.

 

(4:22 pm IST)