Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આંબાવાડીમાંથી અપહરણ કરાયેલી ૧૫ વર્ષની બાળાને સત્‍વરે શોધી કાઢવા પરિવારની માંગણી

થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યાના બાદ દિવસ બાદ પણ દિકરીનો પત્તો ન મળતાં માતા સહિતના સ્‍વજનો આકુળ વ્‍યાકુળઃ ડીસીપીને રજૂઆત કરવા તજવીજ

રાજકોટ તા. ૧૮: શહેરના સામા કાંઠે રહેતાં પરિવારની ૧૫ વર્ષની દિકરી બાલકૃષ્‍ણ સોસાયટી-૨૪ પાસે આવેલા આંબાવાડી વિસ્‍તારમાં દયાબેન રવ્‍ભિાઇ ચોવટીયાના હસ્‍તી બ્‍યુટી પાર્લરમાં પાર્લરનું કામ શીખવા જતી હોઇ અને આઠેક માસથી ત્‍યાં જ રહી તેમને ડિલીવરી આવવાની હોઇ કામમાં મદદ કરતી હોઇ  ત્‍યાંથી ૬/૬ના રોજ સાંજે તેણી નીકળ્‍યા બાદ ગૂમ થતાં શોધખોળ બાદ આ બાળાના માતાએ થોરાળા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જો કે આ બનાવને ઘણા દિવસો વિતી જવા છતાં દિકરીનો પત્તો ન હોઇ પરિવારજનો આકુળ વ્‍યાકુળ થયા છે. પોલીસ ગંભીરતા દાખવી આ કેસની તપાસ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.
થોરાળા પોલીસે આ બનાવમાં અજાણ્‍યા સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્‍યો છે. ફરિયાદીએ જણાવ્‍યું છે કે  મારે ત્રણ સંતાન છે. જેમાં ૧૫ વર્ષની દિકરી આંબાવાડીમાં દયાબેન ચોવટીયાને ત્‍યાં બ્‍યુટી પાર્લરનું કામ શીખવા જતી હતી. દયાબેન સાથે અમારે ઘર જેવો સંબંધ હોઇ મારી દિકરી આઠેક મહિનાથી તેમના ઘરે જ રહેતી હતી. દયાબેનને ડિલીવરી આવવાની હોઇ મારી દિકરી તેમને ઘર કામમાં મદદ કરવા ત્‍યાં રોકાઇ હતી. ત્‍યાંથી ૩૦/૫ના રોજ તેને અમારી ઘરે લાવ્‍યા હતાં. એ પછી ૬/૬ના રોજ તે ફરીથી દયાબેનની ઘરે ગઇ હતી. મારી મોટી દિકરી પણ ત્‍યાં પાર્લરનું કામ શીખવા ગઇ હતી. મોટી દિકરી સાંજે ઘરે આવી ગઇ હતી. પણ ૧૫ વર્ષની દિકરી ન આવતાં દયાબેનને ફોન કરીને પુછતાં તેણે એ તો સાંજે સાત વાગ્‍યે જ નીકળી ગયાનું કહ્યું હતું.
એ પછી મારી દિકરી ન મળતાં શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો હતો.  પોલીસને અમુક ફોન નંબર મળ્‍યા હોઇ તેના આધારે તપાસ શરૂ કરી હતી. પરંતુ આજે બાર દિવસથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં અમારી દિકરીનો પત્તો મળ્‍યો ન હોઇ અમારી ચિંતા વધી ગઇ છે. પોલીસ આ મામલે ત્‍વરીત તપાસ કરે તેવી અમારી માંગણી છે. આ બનાવમાં ગંભીરતાથી તપાસ કરી દિકરીને શોધી કાઢવામાં આવે તેવી રજૂઆત કરવા રાવળદેવ સમાજના આગેવાન ડીસીપીશ્રીને મળવા પહોંચ્‍યા હતાં. પરંતુ ત્‍યાં બે કલાક રાહ જોવા છતાં તેઓ મીટીંગમાં વ્‍યસ્‍ત હોવાને કારણે મળી શક્‍યા નહોતાં. દિકરીને સત્‍વરે શોધી કાઢવા પોલીસ ગંભીર બને તેવી લાગતી અને માંગણી થઇ રહી છે.

 

(4:24 pm IST)