Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પ્રેમીને મળવા છોટાઉદેપુરથી કુવાડવા ભાગી આવેલી સગીરા ઝેર પીધેલી હાલતમાં મળી

ગંભીર હાલતમાં સારવાર હેઠળઃ પિતાએ કુવાડવા રહેતાં પુત્ર-પુત્રવધૂને જાણ કરીઃ શોધખોળ કરતાં પ્રેમી મજૂરી કામ કરે છે એ વાડી પાસે મળી

રાજકોટ તા. ૧૮: છોટાઉદેપુર રહેતી અનકી માનસિંગભાઇ રાઠવા (ઉ.૧૬) નામની સગીરા વતન છોટાઉદેપુરથી ભાગી આવી કુવાડવા પાસે તેણીનો પ્રેમી જે વાડીમાં મજૂરી કરે છે તે વાડી પાસેથી ઝેર પીધેલી હાલતમાં મળી આવતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ છોટાઉદેપુર રહેતી અનકી તેના ઘરેથી નીકળી ગઇ હોઇ પિતા માનસિંગભાઇએ કુવાડવા રહી મજૂરી કરતાં પોતાના પુત્ર અને પુત્રવધૂને આ બાબતની જાણ કરી હતી. અગાઉ અનકીને તેના જ વતનના અને હાલ કુવાડવામાં વાડીમાં મજૂરી કરતાં નિલેષ સાથે પ્રેમ હોઇ તેણી તેની પાસે હોવાની શંકાએ ભાઇ-ભાભી તપાસ કરવા નિલેષ જે વાડીમાં કામ કરે છે તે ઇસાભાઇની વાડીએ જતાં નિલેષ મળ્‍યો નહોતો. પરંતુ અનકી ત્‍યાંથી ઝેર પીધેલી હાલતમાં મળતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાની છે. ભાઇ-ભાભીએ તેણીને શોધી કાઢતાં પ્રેમી સાથે નહિ રહી શકાય તેમ લાગતાં ઝેર પી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ મામલે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(4:32 pm IST)