Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગ્રીનલેન્ડ ચોકડીએથી રાજસ્થાનના બનવારીરામને ૪૦૦ ગ્રામ અફીણ સાથે એસઓજીએ દબોચી લીધો

ખેત મજૂરી કરતો શખ્સ જોધપુરથી રાજકોટ કોને માદક પદાર્થ આપવા આવ્યો? તેની તપાસ : ગણેશ ટ્રાવેલ્સની બસમાં આવી રહેલા શખ્સ પાસે માદક પદાર્થ હોવાની બાતમી પરથી પીઆઇ આર. વાય. રાવલ અને પીએસઆઇ એમ. એસ. અન્સારીની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: શહેરના કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી શહેર એસઓજીની ટીમે રૂ. ૪૧૪૦૦ના ૪૦૦.૧૪ ગ્રામ અફીણ (ઓપીયમ) સાથે રાજસ્થાનના જોધપુર જીલ્લાના ફલોદી તાબેના નનેઉ ગામના બનવારીરામ હરિરામ ગોદારા (બિશ્નોઇ) (ઉ.વ.૩૦)ને પકડી લઇ એનડીપીએસ એકટ મુજબ બી-ડિવીઝનમાં ગુનો દાખલ કરાવવા તજવીજ કરવામાં આવી છે.

ગણેશ ટ્રાવેલ્સ નામની બસ જે રાજકોટ આવી રહી છે તેમાં એક રાજસ્થાની શખ્સ માદક પદાર્થ સાથે બેઠો હોવાની બાતમી એસઓજીના કોન્સ. સિરાજ ચાનીયા, યોગેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ રાણા અને કોન્સ. સોનાબેન મુળીયાને મળતાં ગ્રીનલેન્ડ ચોકડીએ વોચ રાખવામાં આવી હતી. બસ ઉભી રહેતાં જ એક શખ્સ નાઇક લખેલો કાળા રંગનો થેલો લઇને ઉતરતાં તે શંકાસ્પદ જણાતો હોઇ તેને ઘેરી લઇ પુછતાછ કરતાં પોતાનું નામ બનવારીરામ જણાવ્યું હતું અને રાજસ્થાન જોધપુરથી આવ્યાનું કહ્યું હતું.

તેની પાસેનો થેલો ચેક કરતાં અફીણ મળતાં એફએસએલ અધિકારીને બોલાવી પરિક્ષણ કરાવતાં તે અફીણ હોવાનું સ્પષ્ટ થતાં બનવારીરામને પકડી લીધો હતો. તે ખેત મજૂરી કરે છે. અફીણ કયાંથી લાવ્યો? અને રાજકોટમાં કોને આપવાનું હતું? તેની તપાસ હવે પછી થશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અન્સારી, ઝહીરખાન ખફીફ, અનિલસિંહ ગોહિલ, શાંતુબેન મુળીયા સહિતે બાતમી મેળવનાર કર્મચારીઓ સાથે મળી આ કામગીરી કરી હતી.

(3:46 pm IST)