Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ચેક રિટર્નના કેસમાં ધાયલ-દામીની જેવી ફિલ્મોના સર્જક રાજકુમાર સંતોષી રાજકોટની અદાલતમાં હાજર થયા

કોર્ટ દ્વારા મુદત પડતાં આગામી પમી ઓકટોબરે ફરી રાજકોટ આવશે

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટની કોર્ટમાં થયેલ એક ચેક રીટર્નના કેસમાં મુંબઇના જાણીતાં ફિલ્મ પ્રોડયુસર રાજકુમાર સંતોષીને આજે રાજકોટની કોર્ટ હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું જેના સંદર્ભે તેઓ આજે રાજકોટની કોર્ટમાં હાજર થયા હતા.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના એક બિલ્ડર અને ફિલ્મ જગત સાથે સંકળાયેલ ફરીયાદી દ્વારા ચેક રીટર્ન અંગે કરેલ ફરીયાદના કામે મુંબઇના જાણીતા ફિલ્મ પ્રોડયુસર રાજકુમાર સંતોષી આજે રાજકોટની કોર્ટમાં એફ. એસ. (ફાયનલ સ્ટેટમેન્ટ) આપવા માટેની મુદત મુકરર થયેલ હતી.

મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે રાજકુમાર સંતોષી રાજકોટ આવવા માટે મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતાં.  પરંતુ તેઓની ફલાઇટ કેન્સલ થયેલ જેથી તેઓ બીજી ફલાઇટ પકડીને આજે રાજકોટ આવેલ હતાં.

રાજકુમાર સંતોષીના વકીલ બિનેશ પટેલનો સંપર્ક સાંધતા તેઓએ જણાવેલ કે, આજે તેઓ કોર્ટમાં હાજર થયા હતાં અને મુદત પડતાં હવે ફરી તા. પ મી ઓકટોબરના રોજ હાજર થશે.

દરમ્યાન મળતી માહિતી મુજબ કોર્ટ દ્વારા આગામી તા. પ ઓકટોબરની આગામી મુદત આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. તેથી આજે કોઇ કોર્ટવાહી થઇ શકે તેમ ન હોય કોર્ટમાં હાજરી પુરાવીને મુંબઇ પરત રવાના થયેલ હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કાનુની વિવાદ ચાલી રહયો છે. આ અગાઉ પણ રાજકુમાર સંતોષી કોર્ટ મુદતે હાજર થયા હતાં.

રાજકુમાર સંતોષી દ્વારા ફિલ્મ અભિનેતા સની દેઓલને લઇને ઘાયલ-દામીની જેવી જાણીતી ફિલ્મો બનાવી છે.

આ કામમાં રાજકુમાર સંતોષી વતી એડવોકેટ બિનેશ પટેલ રોકાયા છે. જયારે બિલ્ડર વતી પ્રવિણભાઇ કોટેચા રોકાયા છે. (પ-ર૯)

 

 

દિલ સુંદર કરાઓકે ગ્રુપ દ્વારા કાલે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ : નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ : દિલ સુંદર કરાઓકે ગ્રુપના સંચાલકો દ્વારા કાલે તા. ૧૯ ના રવિવારે સાંજે ઇવનીંગ પોષ્ટ, જીલ્લા બેંકની બાજુમાં, જયુબેલી ગાર્ડન સામે કરાઓકે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિનામુલ્યે યોજવામાં આવેલ છે. જેમાં દીલીપભાઇ સોની, મહેશભાઇ ચાવડા, ભરતભાઇ ઢાકેચા, દીપકભાઇ કકકડ, એએસઆઇ નરેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ ખખ્ખર, રાજાણીભાઇ, કિશોરભાઇ દરજી, ભાવેશ વ્યાસ, સ્વાતિ વ્યાસ, સોનિયા કારીઆ, સોનલબેન ચાવડા, જયશ્રીબેન વિઠલાણી સરસ ગીતો રજુ કરશે. રસ ધરાવતા સૌ કોઇએ સંગીત મહેફીલનો લાભ લેવા અને વધુ માહીતી માટે દિલીપભાઇ સોની (મો.૮૨૦૦૭ ૬૨૨૨૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:49 pm IST)