Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

મુખ્ય આરોપી જયેશ પટેલની શોધખોળ

ભૂ-માફીયા જયેશ પટેલ ગેંગના ૮ શખ્સોની રાજકોટ કોર્ટમાં ર૦ દિવસની રીમાન્ડ મંગાઇ

ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરી જામનગરના બિલ્ડરો-વેપારીઓની મિલ્કતો હડપ કરવાના ચકચારી કેસમાં : અપહરણ કરી ધાક-ધમકી આપી મિલ્કતો પડાવવા અંગે ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ પુરાવા એકત્ર કરવા રીમાન્ડ મંગાઇઃ પી.આઇ. નિનામા દ્વારા સખ્ત બંદોબસ્ત હેઠળ આરોપીઓને રાજકોટ લવાયાઃ સ્પે. જજ આર. એલ. ઠકકરની કોર્ટમાં રીમાન્ડ અરજીની સુનાવણીઃ બપોર સુધીમાં રીમાન્ડ અરજીનો ચુકાદો અપાશે

રાજકોટઃ જામનગરના ભૂ-માફીયા જયેશ પટેલ ગેંગના ૮ સાગ્રીતોને આજે રાજકોટની સ્પે. કોર્ટમાં ર૦ દિવસની રીમાન્ડ માંગણીસાથે રજુ કરાયા તેની તસ્વીરોમાં ઉપરની પ્રથમ તસ્વીરમાં જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા સાથે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા દર્શાય છે. બાજુની તસ્વીરમાં પી.આઇ. નિનામા તેમજ આરોપીને લઇને આવેલ પોલીસ વાન તેમજ અન્ય તસ્વીરોમાં માસ્ક પહેરેલા આરોપીઓ તસ્વીરમાં જણાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: જામનગરમાં ગેંગ બનાવીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરીને સ્થાવર મિલ્કતોના ખોટા દસ્તાવેજો બનાવી મુળ માલીકોને સમાધાન માટે બોલાવી ધાક ધમકી આપીને ગેંગ બનાવીને સંયોજીત ગુનાઓ કરવા અંગે જામનગરના ભુ-માફિયા જયેશ પટેલ ગેંગના ઝડપાયેલ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નિલેષ ટોળીય, હેડ કોન્સ્ટેબલ વશરામ મિયાત્રા, સ્થાનિક પ્રેસ માલીક સહિતના પકડાયેલા ૮ આરોપીઓને આજે ગુજસીટોક કાયદા હેઠળની સૌરાષ્ટ્રની રાજકોટ ખાતેની મુખ્ય કોર્ટમાં ર૦ દિવસની રીમાન્ડ માંગણી સાથે રજૂ કરાયા હતાં. આ પ્રકરણમાં જયેશ પટેલ હજુ પોલીસ પકકડથી દુર છે.

તપાસનીશ અધિકારી દિપેન ભદ્રને તમામ આરોપીની ગેંગ બનાવીને આ પ્રકારના ગુનાઓ આચરવા અંગે આજે ર૦ દિવસની માંગણી સ્પે. કોર્ટમાં કરી હતી.

રીમાન્ડ અરજીની સુનાવણી ગુજસીટોક કાયદા હેઠળની સ્પે. કોર્ટના જજ શ્રી આર. એલ. ઠકકરની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

આ દરમ્યાન જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલની આગેવાનીમાં તેના સાગરીતો સાથે મળી પૂર્વયોજીત કાવતરૂ રચી એક ઓર્ગેનાઇઝેડ ક્રાઇમ સીન્ડીકેટ બનાવી જામનગર જીલ્લાની જમીન માલિકો રિયલ એસ્ટેટ બ્રોકરો તેમજ વેપારીઓ પાસેથી હિંસા ફેલાવી અથવા હિંસાનો ભય બતાવી ગુનાહિત ધાકધમકી આપી બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલ્કતો પડાવી લેવાના બનાવો ધ્યાને આવતાં મુખ્યમંત્રીશ્રી તથા ગૃહમંત્રી દ્વારા તેને તાત્કાલિક ધોરણે નેસ્તનાબૂદ કરવા માટે કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે આધારે ગુજરાત રાજય પોલીસ વડા આશિષ ભાટિયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિદરક્ષક રાજકોટ રેન્જ શ્રી સંદિપસિંઘની કાયદાકીય મંજુરી બાદ જામનગર જીલ્લા પોલીસ વડા શ્રી દિપેન ભદ્રનના સીધા સુપરવિઝન હેઠળ એલ.સી.બી. પો. ઇન્સ. શ્રી કે. જી. ચૌધરી દ્વારા સરકાર તરફથી ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ ગુજસીટોક કાયદા હેઠળ નીચે મુજબના કુલ ૧૪ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આ કામે નીચે મુજબના આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીઓ સબબ કાર્યવાહી ચાલુમાં છે. (૧) અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી રહે. નંદનવન સોસાયટી શેરી નંબર ૪ રણજીત સાગર રોડ જામનગર (ર) વશરામભાઇ ગોવિંદભાઇ મિયાત્રા રહે. જામનગર, (૩) નિલેશભાઇ મનસુખભાઇ ટોળીયા રહે. સમંકિત-૧ હાથી કોલોની બ્રહ્મકુમારી આશ્રમ સામે સુમેર કલબ રોડ જામનગર (૪) મુકેશભાઇ વલ્લભભાઇ અભંગી રહે. ૧૮૩, સિધ્ધી પાર્ક મેહુલનગર પાછળ જામનગર, (પ) પ્રવિણભાઇ પરસોતમભાઇ ચોવટીયા રહે. પ્રમુખ દૃષ્ટિ પટેલ પાર્ક ૩ પ્લોટ ૧૦૬/૦૭ રણજીત સાગર રોડ જામનગર (૬) જિગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતીયા રહે. પ૦૧ પંચવટી સોસાયટી જામનગર ઓફિસ સાધના ફોરેક્ષ ૧૧૬ માધવ કોમ્પ્લેક્ષ ડીકેવી કોલેજ સામે પંડિત નહેરૂ માર્ગ જામનગર. (૭) અનીલ સ/ઓ. મનજીભાઇ ગોપાભાલઇ પરમાર સતવારા રહે. જડેશ્વર પાર્ક ર રણજીત સાગર રોડ જામનગર તથા (૮) પ્રફુલ્લભાઇ જયંતિભાઇ પોપટ રહે. ૩પ૯ કંચનજંગા એપાર્ટમેન્ટ ક્રિકેટ બંગલા સામે લીમડા લાઇન જામનગરનો સમાવેશ થાય છે.

ગુન્હાની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પાન્ડેનાઓ કરી રહેલ છે ફરિયાદમાં જણાવેલ આરોપીઓ સિવાય તપાસમાં જેમના નામ સામે આવશે તે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

ગેંગ બનાવીને ગુનાઓ આચરતા આરોપીઓ સામે પ્રવર્તમાન કાયદાની અને સજાની જોગવાઇ અને પુરાવાના માપદંડ ઓછા પડતા હોવાથી ગુજરાત સરકારે વર્ષ ર૦૧પમાં ગુજસીટોક નામનો કાયદો ઘડેલ હતો. આ કાયદાને રાષ્ટ્રપતિની ર૦૧૯માં મંજુરી મળી હતી.

આ કાયદા હેઠળ ત્રાસવાદી કૃત્ય અને સંયોજીત ગુનાઓ (ઓર્ગેનાઇઝ ક્રાઇમ) આચરતા આરોપીઓ વિરૂધ્ધ ફાંસી તેમજ આજીવન કૈદની સજાની તેમજ ૧૦ લાખ સુધીના દંૅડની જોગવાઇ છે. તેવા જામનગરના આ ચકચારી બનાવમાં મુખ્ય આરોપી જયેશ પટેલએ ઘણી સ્થાવર મિલ્કતોના ખોટા દસ્તાવેજો બનાવી મુળ માલીકને સમાધાન માટે બોલાવી અપહરણ કરી સમાધાન કરવા મજબુર કરેલ તેમજ સ્થાનિક વેપારીઓને ધાક-ધમકી આપી મોટી રકમ પડાવેલ છે.

આ ઉપરાંત જામનગરના વકીલ કીરીટ જોષીની હત્યામાં પણ જયેશ પટેલની સંડોવણી બહાર આવી હતી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ગેંગ બનાવી જે ગુનાઓ જયેશ પટેલ આચરતો હતો તેમાં ૧૪ આરોપીઓના નામો ખુલેલ હતાં જેમાં જામનગરના કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નિલેષ ટોળીયા, હેડ કોન્સ્ટેબલ વશરામ મિયાત્રા, સ્થાનિક દૈનિક પત્રના માલીક પ્રવીણભાઇ ચોવટીયા વિગેરેનો સમાવેશ થાય છે.

આ પૈકીના ૮ આરોપીઓને જામનરગના એસ.પી. શ્રી દિપેન ભદ્રને ધરપકડ કરી હતી અને આજરોજ સૌરાષ્ટ્રની રાજકોટ ખાતે આવેલ મુખ્ય ડેઝીગ્નેટેડ કોર્ટમાં ર૦ દિવસની રીમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતાં.કાયદાની જોગવાઇ મુજબ આરોપીઓની પોલીસ રૂબરૂની કબુલાત પુરાવામાં ગ્રાહય હોવાથી અને આટલા લાંબા સમયથી આરોપીઓ નાસતા-ફરતાં હોવાથી આ તમામને મદદગારી કરનાર લોકોની ભાળ મેળવવી જરૂરી હોય તમામ આરોપીની ર૦ દિવસની રીમાન્ડ માંગણી કરવામાં આવી છે.

આ કામમાં સરકારપક્ષે રાજકોટના જીલ્લા સરકારી શ્રી એસ. કે. વોરાએ કોર્ટમાં રજૂઆત કરેલ કે, ખાસ પ્રકારના ગુના ચોકકસ રીતે ગેંગ બનાવીને આચરવામાં આવતા હોય અને કાયદાની સામાન્ય જોગવાઇઓ આ પ્રકારના આરોપીઓને સજા અપાવવા માટે ઓછી પડતી હોય ત્યારે આ ગુજસીટોક કાયદાની ખાસ જોગવાઇઓ હેઠળ આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ એકત્ર કરવા માટે ૩૦ દિવસ સુધીની પોલીસ રીમાન્ડ જોગવાઇ છે. તેને સાચા અર્થમાં અર્થઘટન કરી અમલમાં લાવવી જોઇએ.

આ ગુનાના મુખ્ય આરોપીઓ તમામ રીતે પહોંચતા અને માથાભારે હોવાથી  આ ગુનેગારો સામેનો કેસ સાબીત કરવા સામાન્ય સાહેદો ઉપર આધાર રાખી શકાય તેમ નથી તેથી પોલીસ તપાસનાં આરોપીઓના નિવેદનો ઉપર આધાર રાખી વધુ તપાસ કરવા માંગ્યા મુજબની ર૦ દિવસની રીમાન્ડ મંજુર કરવા રજુઆત કરી હતી.

આ કામમાં સરકારપક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયા હતાં જયારે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ અર્જુનભાઇ પટેલ, કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ વિગેરે રોકાયા છે.

(3:34 pm IST)