Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સોમવારે મ.ન.પા.નું છેલ્લુ જનરલ બોર્ડ : ખરાબ રસ્તા સહિત ૩૯ પ્રશ્નોની ઝડી

કોરોનાનો ભોગ બનેલા સેવાભાવી કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરા તથા પૂર્વ ડે.મેયર ભીખાભાઇ વસોયાને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવી શોક ઠરાવ થશે : વૈકલ્પિક જગ્યા - નલ સે જલ યોજના અને કલાર્કની લાયકાતમાં સુધારો એમ માત્ર ત્રણ દરખાસ્તોનો થશે નિર્ણય

રાજકોટ તા. ૧૭ : આગામી તા. ૧૯ને સોમવારે મ.ન.પા.ની વર્તમાન બોડીનું છેલ્લુ જનરલ બોર્ડ મળનાર છે. જેમાં રસ્તા સહિતના ૩૯ પ્રશ્નોની ઝડી ભાજપ - કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વરસાવવામાં આવશે. ઉપરાંત કોરોના મહામારીમાં જીવનપર્યંત લોકોની સેવામાં ખડેપગે રહેનારા વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરા તેમજ પૂર્વ ડે.મેયર અને શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા કે જેઓનો શહેરના મવડી વિસ્તારના વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. લોક પ્રશ્નો માટે છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા હતા.

આ બંને સમાજસેવીઓ કોરોના સામે હારી ગયા અને ત્યારે બંનેની સેવાભાવનાને બિરદાવી આવા આગેવાનોની ખોટ પડી હોવાની લાગણી સાથે સમગ્ર જનરલ બોર્ડ મરર્હુમ હારૂનભાઇ ડાકોરા તથા સ્વ. ભીખાભાઇ વસોયાને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવી અને મૌન પાડી શોક ઠરાવ પસાર કરશે. ઉપરાંત એજન્ડામાં રહેલી ત્રણ દરખાસ્તોના નિર્ણયો લેવાશે.

ર૦૧પ થી ર૦ર૦ની મ્યુ. કોર્પોરેશનની વર્તમાન ટર્મનું છેલ્લુ જનરલ બોર્ડ આગામી તા. ૧૯મીએ સવારે ૧૧ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડોટોરીયમ ખાતે મળનાર છે. જેમાં ભાજપ-કોંગ્રેસનાં ર૮ કોર્પોરેટરોએ કુલ ૩૯ પ્રશ્નો પુછયા છે અને સૌ પ્રથમ પ્રશ્ન કોંગ્રેસના વોર્ડ નં. ૧૩નાં મહિલા કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે રસ્તા બાબતે પુછયો છે તેથી આ છેલ્લા જનરલ બોર્ડમાં રસ્તા પ્રશ્ને વિપક્ષ અને શાસકો વચ્ચે તડાફડી બોલવાના એંધાણ છે.

જનરલ બોર્ડમાં રસ્તાની ગેરેન્ટી-વિજીલન્સની તપાસ  જાગૃતીબેન ડાંગરનો, મનસુખભાઇ કાલરીયાનો, દલસુખભાઇ જાગાણીનો સ્માર્ટ સીટી, પાણી વિતરણ, આઇ.સી.ડી.એસ. વિભાગની યોજના અંગે  મનીષભાઇ રાદડીયા દ્વારા શહેરમાં ભેળવાયેલા નાનામૌવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર, મનહરપુરના વિકાસકામોનું આયોજન,, દેવરાજભાઇ મકવાણાનો માં અમૃતમ કાર્ડ તથા અતુલ રાજાણી દ્વારા રેલનગર, અંડરબ્રીજ વગેરે ઉપરાંત અંજનાબેન મોરજરીયા, અનીતાબેન ગોસ્વામી, પ્રીતીબેન પનારા, વશરામભાઇ સાગઠીયા, રૂપાબેન શીલુ, ડો.દર્શિતાબેન શાહ, દેવુબેન જાદવ, વર્ષાબેન રાણપરા, જયમીનભાઇ ઠાકર, અશ્વીનભાઇ ભોરણીયા, ઘનશ્યામસિંહ એ.જાડેજા, શિલ્પાબેન જાવીયા, જયોત્સનાબેન ટીલાળા, નીતીનભાઇ રામાણી, હીરલબેન મહેતા, જયાબેન ટાંક, આશીષભાઇ વાગદડીયા, વિજયાબેન વાછાણી, પરેશભાઇ પીપળીયા,

મુકેશભાઇ રાદડીયા, અજયભાઇ પરમાર, મીનાબેન પારેખ સહીત ભાજપના રર અને કોંગ્રેસના ૬ એમ કુલ ર૮ કોર્પોરેટરોએ કુલ ૩૯ પ્રશ્નો પુછયા છે.

એજન્ડામાં ૩ દરખાસ્તો

આ છેલ્લા જનરલ બોર્ડમાં ૩ દરખાસ્તોનો નિર્ણય લેવાશે. જેમાં  (૧) રાજકોટ મહાનગર પાલીકાની સીનીયર કલાર્ક સંવર્ગની જગ્યામાં બઢતીની લાયકાતમાં સુધારો કરવા અંગે (ર) કેવડાવાડી મેઇન રોડ સ્થિત  મિલ્કત ધારક શ્રીમતી રમાગૌરી મનસુખભાઇ ટાંક વિગેરેને વૈકલ્પીક જમીન ફાળવવા અંગે (૩) નલ સે જલ યોજના અન્વયે ૦ાા (અડધો ઇંચ)ના રહેણાંક નળ કનેકશન રાજય સરકારશ્રીના ઠરાવ અન્વયે રેગ્યુલાઇઝરાઇઝ કરી આપવા અંગે આ ત્રણ દરખાસ્તો ઉપરાંત અરજન્ટ બિઝનેસથી જે દરખાસ્તો મુકાઇ તેનો નિર્ણય લેવાશે.

(3:26 pm IST)