Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મણીનગરમાં કારખાનામાંથી રૂ. ૩૬.૮૧ લાખની સોનાની પ્લેટની ચોરીઃ પૂર્વ કર્મચારીઓ ગોૈરવ અને તેજસ ઉપર શંકા

અગાઉ પણ બે વખત હાથફેરો થયો હતોઃ તે વખતે માલ મળી જતાં ફરિયાદ કરી નહોતીઃ આ વખતે મોટી મત્તા જતાં કારખાનેદાર હિમાંશુભાઇ જોગીયાએ ફરિયાદ કરીઃ માલવીયાનગર પોલીસે બે શકમંદની પુછતાછ આદરી

જ્યાં ચોરી થઇ તે મણીનગરમાં આવેલુ હિમાંશુભાઇ જોગીયા અને હેમેન્દ્રભાઇ પરમારનું કારખાનુ અને જેમાંથી સોનાની પ્લેટ ચોરી જવાઇ તે મશીન નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮: મવડી રોડ આનંદ બંગલા ચોક અશોક ગાર્ડન પાછળ મણીનગરમાં આવેલા કારખાનામાંથી રૂ. ૩૬,૮૧,૯૫૦ની કિંમતની સોનાની પ્લેટ મશીન કાપીને અંદરથી ચોરી જવાતાં તેમજ સીપીયુ, કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરો, ડીવીઆર સહિતની ૨૫ હજારની ચીજવસ્તુઓ પણ ચોરી જવાતાં માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. અગાઉ કારખાનામાં કામ કરી ચુકેલા બે શખ્સે ચોરી કર્યાની શંકા દર્શાવાઇ હોઇ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે અને બે શકમંદની પુછતાછ શરૂ કરી છે. આગઉ પણ આ રીતે ચોરી થઇ હતી. પણ ત્યારે માલ મળી ગયો હોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી.

આ બનાવ અંગે કારખાનેદાર ઢેબર રોડ ગુરૂકુળ સામે ગીતાનગર-૭ બ્લોક નં. ૧૭માં રહેતાં હીમાંશુભાઇ મનહરલાલ જોગીયા (સોની) (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે શકમંદ પૂર્વ કર્મચારીઓ ગોૈરવ પ્રવિણભાઇ ખીમસુરીયા અને તેજસ ઉર્ફ ભુરો ભરતભાઇ સારેસા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૫૭, ૩૮૦ મુજબ રૂ. ૩૬,૮૧,૯૫૦ની કિંમતના એક કિલો સોનાની પ્લેટ તથા કોમ્પ્યુટર મોનીટર, સીપીયુ, ડીવીઆર, સીસીટીવી કેમેરો, કાળા કલરનો વજનકાંટો, લાલ રંગની ૧૬ જીબીની પેન ડ્રાઇવ મળી ૨૫ હજારની ચીજવસ્તુઓ સાથે કુલ રૂ. ૩૭,૦૬,૯૫૦ની ચોરી કરી જવા અંગે ગુનો નોંધ્યો છે.

હિમાંશુભાઇ સોનીએ પોલીસને જણાવ્યું છે કે મારે મવડી રોડ અશોક ગાર્ડન પાછળ મણીનગર-૯માં યુનાઇટેડ નામે કારખાનુ છે. જે હું ભાગીદાર હેમેન્દ્રભાઇ કાંતિલાલ પરમાર સાથે મળીને ચલાવુ છું. ૧૨/૧૦ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે હું કારખાનેથી ઘરે ગયો હતો. તે વખતે કર્મચારી દિપકભાઇએ આઠેક વાગ્યે તાળા માર્યા હતાં. એક ચાવી પણ તેની પાસે હોય છે. બીજા દિવસે ૧૩મીએ સવારે સાડા છએક વાગ્યે હું કારખાને વોશીંગ લાઇન ચાલુ કરવા ગયો ત્યારે જોયુ તો કારખાનામાં પીવડી મશીન બંધ હતું. તેમાં રાખેલી સોનાની પ્લેટ જે ઘડીયાળમાં સોનાના ઢાળ ચડાવવામા઼ વપરાય છે તે આખી પ્લેટ ગાયબ હતી.

પીવડી મશીનનો લોક કોઇ સાધન વડે કાપીને આ પ્લેટ ચોરી જવાઇ હતી. જેનું વજન આશરે ૧ કિલો હતું અને તેની કિંમત રૂ. ૩૬,૮૧,૯૫૦ જેવી થાય છે. આ ઉપરાંત કારખાનામાંથી કોમ્પ્યુટર, સીપીયુ, સીસીટીવી કેમેરો, ડીવીઆર, પેનડ્રાઇવ સહિતની ૨૫ હજારની ચીજવસ્તુઓ પણ ગાયબ હતી.

અગાઉ અમારા કારખાનામાં ગોૈરવ ખીમસુરીયા અને તેજસ ઉર્ફ ભુરો સારેસા કામ કરતાં હતાં. આ બંનેને સોનાની પ્લેટ બાબતે ખબર હતી. અગાઉ પણ બે વખત અમારા કારખાનામાં આ રીતે ચોરી થઇ હતી. ત્યારે પણ આ બંને શંકામાં આવ્યા હોઇ જે તે વખતે માલ મળી જતાં ફરિયાદ કરી નહોતી. આ વખતે આ બંને ચોરી કરી ગયાની દ્રઢ શંકા હોઇ ફરિયાદ નોંધાવી છે.

માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે ગુનો દાખલ કર્યો હતો. પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ ભેટારીયા સહિતની ટીમે તપાસ હાથ ધરી બે શકમંદને પુછતાછ માટે બોલાવી તપાસ શરૂ કરી છે. 

(1:04 pm IST)