Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચેક રિટર્નના કેસમાં વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટરને એક વર્ષની સજા અને પાંચ લાખનું વળતર ચુકવવા આદેશ

રાજકોટ, તા.૧૮: અત્રે ચેક રીર્ટનના કેસમાં વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણીને અદાલતે ૧ વર્ષની સજા ફરમાવી હતી.

રાજકોટના ફરીયાદી બીપીનભાઇ જગજીવનભાઇ રૂઘાણીએ આરોપી વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણી સાથે મીત્રતાના સંબંધો હોય જેથી ફરીયાદી બીપીનભાઇ જગજીવનભાઇ રૂઘાણીએ આરોપીને ધંધાના વિકાસ અર્થે નાણાકીય જરૂરીયાત માટે રૂ.૫,૦૦,૦૦૦/ (અંકે રૂપીયા પાંચ લાખ પૂરા) આપેલા. ત્યારબાદ ફરીયાદીએ આરોપી પાસે પોતાના રૂપીયાની માંગણી કરતાં આરોપીએ આ રૂપીયા ચુકવવા પેટે રૂ.૫,૦૦,૦૦૦/ પુરાના ચેકો આપેલા. જે ચેકો ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદરહું ચેકો 'અપુરતા ફંડ'ના શેરા સાથે પરત ફરેલ.

ઉપરોકત ચેકો પરત ફરતાં ફરીયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને લીગલ નોટીસ મોકલેલી છતાં આરોપીએ ફરીયાદીને કોઇ જ રકમ ચુકવેલ નહી. તેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી.ચી.જયુ.મેજી. કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ધી નેગો ઇસ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી. અને અદાલતમાં કેસ ચાલતા ફરીયાદી તરફે તેમના વકીલ તુષારભાઇ બસલાણીની દલીલો તથા પુરાવાઓ માન્ય રાખી અદાલતે આરોપી વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણીને ક્રિમીનલ પ્રો.કોડની કલમ-૨૫૫ (ર) હેઠળ તકસીરવાન ઠરાવી ૧ (એક) વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ તથા બીપીનભાઇ જગજીવનભાઇ રૂઘાણીને રૂ.૫,૦૦,૦૦૦/ અંકે રૂપીયા પાંચ લાખ પુરા વળતર પેટે દિન-૩૦માં ચુકવી આપવા તેમજ જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી તુષારભાઇ બસલાણી, મનીષ કોટક, એઝાજ જુણાચ તથા એ.એમ.ભારમલ વિગેરે વકીલો રોકાયેલા.

(3:45 pm IST)