Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

લક્ષ્મીનગર બ્રિજને લાગુ ચાર રસ્તા પહોળા થશે : મિલ્કત કપાત માટે નીતિ જાહેર

લક્ષ્મીનગર નાલાથી એસ્ટ્રોન નાલા સુધીનો રોડ ટાગોર રોડ રાજમંદિરવાળી શેરી અને વિરાણી ચોકથી રેલવે ટ્રેક સુધીનો તેમજ ટાગોર રોડ બાવીશી પ્લાઇવુડથી ભકિતનગર સ્ટેશન સુધીના ૪ રસ્તાઓ ૧૫ થી ૨૪ મીટર પહોળા થશે : લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાત થશે

રાજકોટ તા. ૧૬ : શહેરના લક્ષ્મીનગર અન્ડર બ્રિજને લાગુ ૪ રસ્તાઓ પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટની નીતિ નક્કી કરી સ્ટેન્ડીંગ કમિટિની મંજુરી અર્થે રજૂ કરાઇ છે જે અંગે ૨૦મીએ મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં નિર્ણય થશે.

દરખાસ્ત મુજબ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું નિર્માણ કાર્ય રેલ્વે વિભાગ દ્વારા હાલ ચાલુ છે, જે ટૂંક સમયમાં કામ પૂર્ણ થવામાં છે.બ્રિજની પૂર્વ દિશા તરફ હયાત રસ્તાઓ આવેલ છે. જે નોન ટી.પી. વિસ્તરમાં સમાવિષ્ટ થાય છે તેમજ તે ખુબ જ ઓછી પહોળાઈના રસ્તાઓ આવેલ છે. ભવિષ્યમાં શરૂ થતાં આ વિસ્તારમાં લોકોની તથા વાહનોની ખુબ જ મોટા પ્રમાણમાં અવર-જવર શરૂ થવાથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તે હેતુથી રેલ્વે અન્ડર બ્રિજની પૂર્વ દિશા તરફના તમામ રસ્તાઓ પહોળા કરવા આવશ્યક છે.

આથી લક્ષ્મીનગર રેલ્વે અન્ડર બ્રિજની પૂર્વ દિશા તરફ આવેલ હયાત રસ્તાઓને પહોળા કરવા સુચન કરાતા, લક્ષ્મીનગર રેલ્વે અન્ડર બ્રિજનું નિર્માણ કાર્ય હાલ ચાલુ હોવાથી અમારી સ્થળ વિઝીટ દરમ્યાન રસ્તાઓની પહોળાઈ ખુબ જ ઓછી હોવાનું જણાતા 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ' જાહેર કરી રસ્તાઓની પહોળાઈ વધારવા અભિપ્રાય છે.

નકશા મુજબ (૧) એસ્ટ્રોન નાલા થી શરૂ કરી લક્ષ્મીનગર રેલ્વે અન્ડર બ્રિજ સુધીનો રોડ (રેલ્વેની જમીનવાળો ભાગ), (૨) સરદાર નગર શેરી નં.-૩ (વેસ્ટ) જે ટાગોર રોડ થી શરૂ કરી રેલ્વે ટ્રેક સુધીનો રોડ (એ.વી.પી.ટી.ની ઉતર તરફનો ભાગ), (૩) રેવેન્યુ કર્મચારી રોડ જે ટાગોર રોડ થી શરૂ કરી રેલ્વે ટ્રેક સુધીનો રોડ (વિરાણી સ્કુલની દક્ષિણ તરફનો ભાગ) ઉકત ક્રમ નં. ૧ થી ૩ ના તમામ હયાત રોડ પર કપાત કર્યાબાદ ૧૫.૦૦ મીટર પહોળાઈ મળી રહે તે મુજબની 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ'ની કપાત કરવાની થાય છે. તેમજ બાવીસી પ્લાય વુડ થી શરૂ કરી ભકિતનગર રેલ્વે સ્ટેશનના ગેટ સુધી (ભકિતનગર રેલ્વે સ્ટેશનની પૂર્વ દિશા તરફનો રોડ)ને કપાત કર્યાબાદ ૨૪.૦૦ મીટર પહોળાઈ મળી રહે તે મુજબ 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ'ની જાહેર કરવાની થાય છે.

જેથી ઉપરોકત તમામ રસ્તાઓ તેમજ વિગતો ધ્યાને લેતા ધી ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ, ૧૯૪૯ ની કલમ-૨૧૦ હેઠળ સામેલ નકશામાં દર્શાવેલ (A)-(B), (C)-(D), (E)-(F), (G)-(H) ના રોડ પર ૧૫.૦૦ મીટર પહોળાઈ તેમજ (I)-(J) ના રોડ પર ૨૪.૦૦ મીટર પહોળાઈ જે સામેલ નકશામાં પીળા કલર મુજબ દર્શાવેલ છે. સદરહું ૧૫.૦૦ મીટર તથા ૨૪.૦૦ મીટર પહોળાઈ મળી રહે તે માટે 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ' (લાઈન દોરી) નક્કી કરવામાં આવે છે અને તે અન્વયે કમિશનરશ્રીને આગળની કાર્યવાહી માટે અધિકૃત કરવાના થાય છે.

તેમજ રેવેન્યુ કર્મચારી રોડ જે ટાગોર રોડ થી શરૂ કરી રેલ્વે ટ્રેક સુધીનો રોડ (વિરાણી સ્કુલની દક્ષિણ તરફનો ભાગ) જે નકશામાં (E)-(F) મુજબ ૧૫.૦૦ મીટરની કપાતવાળા ભાગ કપાત કરવી આવશ્યક છે. પરંતુ (G)-(H) મુજબ દર્શાવેલ ૧૫.૦૦ મીટર કપાતવાળા ભાગમાં આવતી મિલ્કતોમાં ભવિષ્યમાં રી-ડેવલપમેન્ટ માટે અત્રેને બિલ્ડીંગ પ્લાન રજુ કર્યેથી નવું બાંધકામ કરતી વખતે 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ'ની કપાત છોડવાની રહેશે. જેની સામે તેઓને વૈકલ્પિકરૂપે વળતર/બિલ્ડીંગ પ્લાનમાં છુટછાટ આપવામાં આવશે.   

આ તમામ રસ્તાઓ પહોળા કરવાથી મિલ્કતોને કપાતની અસર થાય છે. (જે સામેલ નકશામાં પીળા કલર મુજબ દર્શાવેલ છે.) સદરહું મિલ્કતના આસામીઓ પૈકી જે કોઈને વાંધાઓ/સુચનો કરવાના હોય તે જાહેરાતની મુદત દરમ્યાન આવેલ વાંધા અરજીઓ/રજૂઆત તથા સુચનો લક્ષમાં લઇ, વાહન વ્યવહારની વધુ સુવ્યવસ્થા માટે જે 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ'નક્કી કરવામાં આવેલ છે, તેને ગ્રાહ્ય રાખવા અને 'લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ' (લાઈન દોરી) માં આવતી જમીનો સંપાદન કરવા માટે પૂર્વ મંજૂરી અર્થે જરૂરી ઠરાવ કરાવીને આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાવી જરૂરી મંજૂરી આપવા દરખાસ્ત છે.

(3:46 pm IST)